વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા કડક નીતિ તથા ક્રૂડની ફરી ઝડપી તેજીથી વૈશ્વિક બજારો તૂટ્યાં

સેન્સેક્સ 867 તૂટી 55000 નીચે, સાપ્તાહિક 2225નો કડાકો

નિફ્ટીએ 16400 પોઇન્ટની સપાટી જાળવી હોવા છતાં માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ

નિફ્ટીએ શુક્રવારે 16400 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી જાળવી રાખી હતી. પરંતુ અંડરટોન સાવચેતી સાથે નરમાઇનો હોવાનું જણાય છે. તે જોતાં રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે સ્ટોપલોસ હાથ વગો રાખીને જ ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનવવા સલાહ મળી રહી છે. ક્રૂડ ઓઇલ ફરી 113 ડોલરની સપાટી ઉપર પહોંચતા ભારતીય બજારમાં પણ આક્રમક વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 866.65 પોઈન્ટ ઘટીને 55000 પોઇન્ટની સપાટી અંદર 54835.58 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં 1115.48 પોઈન્ટ ઘટીને 54586.75 પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 271.40 પોઈન્ટ ઘટીને 16411.25 પર બંધ રહ્યો છે. રોકાણકારોની મૂડી 4.47 લાખ કરોડ ઘટી 255.18 લાખ કરોડની સપાટીએ રહ્યું છે. ફોરેક્સ માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો સરેરાશ 57 પૈસા તૂટી 77ની સપાટી નજીક 76.92 બંધ રહ્યો છે. ફેડરલ રિઝર્વ બાદ ચીન અને બેંક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદર આક્રમક ધોરણે વધારશે અને સેન્ટ્રલ બેન્કો દ્વારા કડક નીતિઓનો અમલ કરાશે તેવા અહેવાલે વૈશ્વિક બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. અમેરિકન માર્કેટ પાંચ ટકા તૂટી બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા છે.

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 2225 પોઇન્ટ તૂટ્યો

Bull and Bear -Stock Market Trends

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 2,225.29 પોઈન્ટ જ્યારે નિફ્ટી 691.30 પોઈન્ટ ઘટ્યો છે. સેન્સેક્સ પેકમાં બજાજ ફાઇનાન્સ 4.91 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો છે જ્યારે એક્સિસ બેન્ક,બજાજ ફિનસર્વ,નેસ્લે,વિપ્રો, HDFC, ઇન્ફોસિસ ઘટીને બંધ રહ્યાં હતા. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, આઇટીસી, એસબીઆઇ વધીને બંધ રહ્યાં છે. સ્મોલકેપ 2.10 ટકા અને મિડકેપ 2.06 ટકા ઘટ્યા હતા. સેક્ટોરલ ઇન્ડેક્સમાં રિયાલ્ટી ઇન્ડેક્સ 3.53 ટકા, મેટલ 3.10 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.41 ટકા અને IT 2.27 ટકા સુધી ઘટ્યાં હતા. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવારે તેના ચાવીરૂપ વ્યાજ દરને 13 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે વધાર્યો હતો.

માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ 2615 સ્ક્રીપ્સમાં ઘટાડો

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, સેન્ટીમેન્ટ સલામતી ભર્યું: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3460 પૈકી 758 સ્ક્રીપ્સમાં સુધારો અને 2615 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સલામતી ભર્યું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં 6 સ્ક્રિપ્સ વધી હતી. 56 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 105 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી તેમજ 11 સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે 7માં નીચલી સર્કિટ જોવા મળી હતી.

FIIની સાપ્તાહિક ધોરણે 13000 કરોડની વેચવાલી

વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે તેને ધ્યાનમાં લેતા સેન્ટ્રલ બેન્કો વ્યાજ વધારો આપી રહી છે જેના કારણે બોન્ડ માર્કેટમાં મજબૂતીથી વિદેશી રોકાણકારો ઇમર્જિંગ માર્કેટમાંથી ફંડ પાછુ ખેંચી રહ્યાં છે. વિદેશી રોકાણકારોએ સપ્તાહ દરમિયાન ભારતીય બજારમાંથી સરેરાશ 13000 કરોડનું ફંડ પાછુ ખેંચ્યું છે જેની તુલનાએ સ્થાનિક રોકાણકારોએ 8500 કરોડની નેટ ખરીદી નોંધાવી હતી. સ્થાનિક રોકાણકારોની ખરીદીના સપોર્ટથી બજારને સપોર્ટ મળી રહ્યો છે.

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

વિગતબંધ+/-
બજાજ ફાઇ.6000.95-4.91%
એક્સિસ બેન્ક673.20-4.11%
બજાજ ફિન.13643.50-3.49%
નેસ્લે ઇન્ડિયા17002.00-3.39%
ટેક મહિન્દ્રા1291.50+2.21%

યુએસ માર્કેટ બે વર્ષની નીચી સપાટીએ, 5 ટકા તૂટ્યાં

અમેરિકામાં મોંઘવારીનો આંક 40 વર્ષની ઉંચી સપાટીએ છે પરિણામે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં 0.50 bps પોઇન્ટનો આક્રમક વધારો કરી દેવામાં આવ્યો છે જેની અસરે વિશ્વના મોટા ભાગના માર્કેટમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. યુએસ વ્યાજદર બે દાયકાની ઉંચી સપાટી પર પહોંચ્યા છે. વ્યાજદરમાં વધારો થવાની સાથે બોન્ડ યિલ્ડ સતત વધી રહ્યાં હોવાથી વિદેશી રોકાણકારો ઇક્વિટી માર્કેટમાંથી ફંડ પાછું ખેંચી રહ્યાં છે. યુરોપિયન તથા એશિયન માર્કેટમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી હતી.

કોરોના મહામારી બાદ અર્થતંત્ર રાબેતા મુજબ શરૂ થયું હતુ ત્યાં રશિયા અને યુક્રેન યુધ્ધના કારણે વૈશ્વિક સ્તરે મોંધવારી રેકોર્ડ સ્તરે પહોંચી છે. માત્ર અમેરિકામાં જ નહીં વિશ્વના તમામ દેશોમાં મોંધવારીના કારણે સેન્ટ્રલ બેન્કોને વ્યાજદર વધારાની ફરજ પડી રહી છે. યુએસ, યુરોપ તથા એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં પાંચ ટકા સુધીનો ઝડપી ઘટાડો જોવા મળ્યો છે.

નાસ્દાક 5%, ડાઉજોન્સ 3% તૂટ્યા

વિગતબંધઘટાડો 
ડાઉજોન્સ32997.97-3.12% 
S&P-5004146.87-3.56% 
નાસ્દાક12317.69-4.99% 
DAX13716.41-1.40% 
FTSE7430.32-0.99% 
શાંધાઇ3001.56-2.16%
હેંગસેંગ20001.96-3.81%