અમદાવાદ, 11 ઓક્ટોબરઃ સપ્ટેમ્બર માસ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)માં ભંડોળ પ્રવાહ રૂ. 16402 કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો છે. જે અગાઉ રૂ. 15814 કરોડ રહ્યો હતો.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના ડેટા અનુસાર, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)નો પ્રવાહ માસિક ધોરણે રૂ. 1,863 કરોડથી વધી રૂ. 3,243 કરોડ બમણી વૃદ્ધિ સાથે નોંધાયો હતો. જ્યારે ડિવિડન્ડ અને ELSS ફંડ્સમાં પણ ફાળો વધીને રૂ. 255 કરોડ અને રૂ. 141 કરોડ થયો હતો, પરંતુ કોર્પોરેટ બોન્ડ ફંડ્સે અનુક્રમે રૂ. 2,460 કરોડ અને રૂ. 111 કરોડ ગુમાવ્યા હતા.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે સપ્ટેમ્બરમાં ચોખ્ખો નાણાપ્રવાહ ચાલુ રાખ્યો હતો, જે સતત 31મા મહિને વધ્યો હતો. ઓગસ્ટથી નજીવો ઘટાડો થયો હોવા છતાં, પ્રવાહ રૂ. 13,857 કરોડ પર રહ્યો હતો. જ્યારે મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સ બંનેમાં સારો ઈનફ્લો હતો, લાર્જકેપ ફંડ્સમાં આઉટફ્લો નોંધાયો હતો. સ્મોલકેપ ફંડ્સને સપ્ટેમ્બરમાં રૂ. 2,678 કરોડ મળ્યા હતા, જે એક મહિના અગાઉના રૂ. 4,265 કરોડ કરતાં ઓછું હતું અને મિડકેપ ફંડ્સ રૂ. 2,512 કરોડથી ઘટીને રૂ. 2,001 કરોડ થયા હતા.

કોર્પોરેટ બોન્ડ ફંડ્સમાં સપ્ટેમ્બરમાં રૂ. 2,460 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો જે ગયા મહિને રૂ. 1,755 કરોડનો ઇનફ્લો હતો.

એકંદર SIP ના પ્રવાહમાં મજબૂત ઉછાળાએ અનુભવી અને નવા રોકાણકારો બંનેનું ધ્યાન ખેંચ્યું છે. રોકાણકારો દ્વારા દર્શાવવામાં આવેલી સતત શિસ્તને કારણે રોકાણના સાધનો લાંબા સમય સુધી લોકપ્રિય રહ્યા. જ્યારે શેરબજારોમાં ભાવ વધ્યા હતા ત્યારે પણ લોકોએ આ ભંડોળના વ્યવસ્થિત અભિગમનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હોવાનુંમ AMFIના CEO એનએસ વેન્કટેસે જણાવ્યું હતું.