અમદાવાદઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ ( OTC સિવાય) 1,181 ટન પર પહોંચી હતી, જે વાર્ષિક ધોરણે 28% વધુ છે. ખરીદી વધતા સોનાની કુલ માંગ પ્રિ-કોવિડના સ્તરે પહોંચી ગઈ છે. ગ્રાહકો અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની માંગમાં વધારો થયો હતો,  જોકે રોકાણની માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

ETF રોકાણકારોના 227 ટનના આઉટફ્લો તેમજ નોંધપાત્ર રીતે ઊંચા વ્યાજ દરો અને યુએસ ડોલર વધુ મજબૂત થતા રોકાણકારો તરફથી પીળી ધાતુ પ્રત્યેના નબળા પ્રતિભાવને કારણે રોકાણમાં વાર્ષિક ધોરણે 47% ઘટાડો થયો હતો. આ સમીકરણ ઉપરાંત OTC માંગમાં નબળાઈ અને ફ્યુચર્સ માર્કેટમાં નકારાત્મક સેન્ટિમેન્ટની સાથે, સોનાના ભાવના પ્રદર્શનમાં અવરોધ ઊભો થયો હતો જેણે Q3 2022 દરમિયાન કિંમતમાં 8% ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર ઘટાડા માટે ફાળો આપ્યો હતો.

રોકાણકારોએ બાર અને સિક્કાના રોકાણ સાથે ફુગાવાને હેજ કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી કુલ રિટેલ માંગમાં વાર્ષિક ધોરણે 36% નો વધારો થયો હતો.

જ્વેલરીની ખપત હવે સ્થિતિ પ્રિ-કોવિડના સ્તરે પાછી આવી ગઈ છે. જે Q3 2021ની સરખામણીમાં 523 ટન એટલેકે 10% વધારે છે. આ વૃદ્ધિ ભારતના શહેરી ગ્રાહકોને કારણે નોંધાઇ હતી, જેમણે વાર્ષિક ધોરણે માંગ 17% થી વધારીને 146 ટન કરી હતી.

જેમ ગ્રાહક સોનાની માંગમાં વધારો થયો છે તેમ, ત્રીજા ક્વાર્ટરમાં લગભગ 400 ટનની અંદાજિત રેકોર્ડ ખરીદી સાથે મધ્યસ્થ બેંકની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે.

પુરવઠાની વાત કરીએ તો, ખાણમાં ઉત્પાદન (હેજિંગનું ચોખ્ખું) Q3 2021 ની તુલનામાં 2% વધ્યું હતું, જેમાં સોનાની ખાણકામમાં સતત છઠ્ઠા ક્વાર્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી. તેનાથી વિપરિત, Q3માં રિસાયક્લિંગ વાર્ષિક ધોરણે 6% નીચું હતું.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સિનિયર માર્કેટ એનાલિસ્ટ લુઈસ સ્ટ્રીટએ જણાવ્યું હતું કે. “અસ્થિર મેક્રોઈકોનોમિક વાતાવરણ હોવા છતાં, આ વર્ષે સોનાની જળવાયેલી માંગ તેની સુરક્ષિત સંપત્તિ તરીકેની સ્થિતિ દર્શાવે છે. વર્ષ 2022 માં તેણે 2022માં તેણે મોટાભાગના એસેટ ક્લાસને પાછળ રાખી દીધા છે અને સારું પ્રદર્શન કર્યું છે.”