અમદાવાદ: સેન્ટર ઓફ એક્સલન્સ, આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ 1000 દિવસમાં 100 જિલ્લાઓમાં 10,000 મહિલા-સંચાલિત ગ્રીન વ્યવસાયો ઊભા કરવા કોર્પોરેટ સાથે જોડાણ કરશે. આ જાહેરાત નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર (આઇઆઇસી)માં EDII દ્વારા ‘ટેકનોલોજી-સક્ષમ મહિલા-સંચાલિત ગ્રીન વ્યવસાયો’ રાઉન્ડટેબલ બેઠક પછી થઈ હતી.  આ સેશનમાં કોર્પોરેટ જગત, સરકારી સાહસોના સીએસઆર હેડ, મંત્રાલયોમાંથી વરિષ્ઠ અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, EDII કારીગરો, વણકરો, મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સ અને બેરોજગારોને ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસની તાલીમ સફળતાપૂર્વક ઓફર કરે છે, જેનાથી તેમના માટે કાયમી આજીવિકાના વિકલ્પો ઊભા થયા છે. કોર્પોરેટ સાથે જોડાણમાં EDIIએ માઇક્રો સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એમએસડીપી) અંતર્ગત અર્બન ટેરેસ ગાર્ડનિંગ કિટ્સ, બામ્બૂ ક્રાફ્ટ્સ, મશરૂમ કલ્ટિવેશન, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ, બીકીપિંગ (મધમાખી પાલન) અને પાનમાંથી બાયોડિગ્રેડેબ્લ પ્લેટ બનાવવી જેવા કેટલાંક નવીન પર્યાવરણલક્ષી વ્યવસાયો વિકસાવ્યાં છે. ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા ઉચિત લોકોની કુશળતાઓનો યોગ્ય ઉપયોગ કરીને ભારતીય અર્થતંત્રના 70 ટકાથી વધારેની ક્ષમતાનો ઉપયોગ કરવાની સંભવિતતા ધરાવે છે. એમએસડીપી પ્રોજેક્ટ અંતર્ગત EDIIએ સોલર-આધારિત ઇલેક્ટ્રિકલ ચીજવસ્તુઓનું નિર્માણ કરવા કર્ણાટકમાં ગ્રામીણ મહિલાઓને તાલીમ આપી છે.

કયા કયા કોર્પોરેટ્સ સાથે કર્યું જોડાણ

અગાઉ EDIIએ પ્રસિદ્ધ કોર્પોરેટ સાથે જોડાણ કર્યું છે, જેમાં એસેન્ચ્યોર, ફેસબુક, બેયર ફાઉન્ડેશન, એચએસબીસી બેંક, વોલ્માર્ટ, એચએએલ, એચપી, આઇટીસી, યસ બેંક, ઓએનજીસી અને એમેઝોન સામેલ છે. આ જોડાણના પ્રયાસો દ્વારા અત્યાર સુધી EDIIએ કેટલાંક પ્રોજેક્ટ દ્વારા ભારતના 23 રાજ્યો, 138 જિલ્લાઓ, 741 ગામોમાં 68,134 લોકોના જીવન પર અસર કરી છે.