ઊંચા ભાવના કારણે માગ ઘટી, માર્ચમાં આયાત 80 ટકા ઘટી

સોનાના ભાવ આસમાને પહોંચતાં માગ ઘટી રહી છે. માર્ચમાં સોનાની આયાત માસિક ધોરણે 80 ટકા ઘટી 18 ટન આસપાસ નોંધાઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીમાં રૂ. 35,852 કરોડના 91.6 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. તેની સરખામણીમાં માર્ચમાં આશરે રૂ. 7,000 કરોડના મૂલ્યના માત્ર 18.3 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. જો કે, વાર્ષિક ધોરણે સોનાની આયાતમાં 6 ટકાનો ઘટાડો થયો હતો. રિટેલ ગ્રાહકોએ ભાવમાં ઘટાડાની આશા સાથે સોનાની ખરીદી કરવાની યોજના સ્થગિત કરી હતી. જેની સામે ગોલ્ડ રિસાયક્લિંગનું પ્રમાણ વધ્યું છે. માર્ચમાં જ્વેલર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા જથ્થાબંધ ખરીદી સુસ્ત રહી હતી. જેની પાછળનું કારણ નાણાકીય વર્ષના અંત સુધીમાં વહીખાતાઓ સરભર કરવાના હતા. કાઉન્સિલના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવો આસમાને પહોંચતાં ભારતીયોએ ખાસ રણનીતિ અપનાવી હતી. સોનાના રિસાયક્લિંગમાં વધારો કર્યો  હતો. ભાવ વધારાને કારણે જૂના સોનાના ઘરેણાંનું મોટા પાયે વેચાણ નોંધાયુ હતું.

નબળી માંગને કારણે ચાર ગણું ડિસ્કાઉન્ટ

ગોલ્ડ રિસાયક્લિંગમાં વધારો થવાથી સોનાની માંગમાં નબળાઈની ભારતીય બજારમાં નોંધનીય અસર જોવા મળી હતી. સોનાની સત્તાવાર કિંમત પર ડિસ્કાઉન્ટ ચાર ગણું વધીને $60 પ્રતિ ઔંસ (રૂ. 1,609 પ્રતિ 10 ગ્રામ) થઈ ગયું છે, જે ફેબ્રુઆરીના અંતે માત્ર $14-15 પ્રતિ ઔંસ હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં 21 મહિનાનો સૌથી મોટો ઉછાળો

ભારતમાં નબળી માંગની સામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની મજબૂત માંગ હતી. આ કારણે જાન્યુઆરી-માર્ચ દરમિયાન સતત બીજા ક્વાર્ટરમાં સોનાની કિંમતમાં વધારો થયો હતો. ગત ક્વાર્ટરમાં સોનું 8 ટકા વધીને $942 પ્રતિ ઔંસ થયું હતું. રિટર્ન મામલે 2020ના બીજા ત્રિમાસિક પછી સોનાએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ રિટર્ન આપ્યું છે. બીજી તરફ ઈક્વિટી અને બોન્ડ માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો.

આયાતમાં ઘટાડા માટે જવાબદાર કારણો

  1. આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવ છે. તદુપરાંત અન્ય પરિબળોએ પણ અસર કરી હતી.
  2. સિઝનલ ખરીદી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થાય છે. માર્ચમાં ખાસ હિલચાલ હોતી નથી.
  3. 2021માં રેકોર્ડ સોનાની આયાત હતી. આ કારણે આ વર્ષે ઈન્વેન્ટરી કમ્ફર્ટ લેવલ પર છે.
  4. ક્રૂડમાં ભાવવધારો થતાં સરકાર અને આયાતકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યુ છે.