અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નાણા મંત્રાલયે 1 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, 2023ના છેલ્લા મહિનામાં સરકારનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1.65 લાખ કરોડ થયું છે. જો કે, માસિક ધોરણે નવેમ્બરમાં 1.68 લાખ કરોડ સામે જીએસટી કલેક્શન ડિસેમ્બરમાં 2 ટકા ઘટ્યું છે. સતત દસમા મહિને GST કલેક્શન રૂ. 1.5-લાખ-કરોડથી વધુ નોંધાયુ છે.

GST ડેટા 2023-24માં સરેરાશ માસિક કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. 2017-18માં દર મહિને સરેરાશ રૂ. 1 લાખ કરોડથી ઓછુ જીએસટી કલેક્શન નોંધાઈ રહ્યું હતું. કોવિડ મહામારી બાદ 2020-21માં જીએસટી કલેક્શન ઝડપથી વધ્યા હતા. જે 2022-23માં સરેરાશ રૂ. 1.51 લાખ કરોડ થયું હતું. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલ-ડિસેમ્બર 2023ના સમયગાળા દરમિયાન, GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી, જે 14.97 લાખ કરોડે પહોંચ્યું હતું. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 13.40 લાખ કરોડ રૂપિયા હતું.

ડીસેમ્બર૨૩ માં ગુજરાતને જીએસટી હેઠળ ₹૫૦૭૯ કરોડની આવક

મુખ્ય રાજ્ય વેરા કમિશ્નરની કચેરીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ  ડીસેમ્બર-૨૦૨૩ માસ દરમ્યાન ₹ ૫,૦૭૯ કરોડની આવક થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેલેન્ડર વર્ષ ૨૦૨૩ ની શરૂઆતથી જ રાજ્યની સરેરાશ જીએસટી આવક ₹ ૫૦૦૦ કરોડને પાર રહેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રથમ ૯ માસમાં રાજ્યને એસજીએસટી અને આઈજીએસટી સેટલમેન્ટ થકી કુલ ₹ ૪૬,૬૨૨ કરોડની આવક થયેલ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં ₹ ૬,૦૪૦ કરોડ (૧૫%) વધુ છે. ડીસેમ્બર-૨૦૨૩ દરમ્યાન રાજ્યને વેટ હેઠળ ₹ ૨,૭૯૦ કરોડની આવક થયેલ છે. આમ, રાજ્યને ડીસેમ્બર-૨૦૨૩ ના માસ દરમ્યાન જીએસટી અને વેટ હેઠળ કુલ ₹ ૭,૮૬૯ કરોડની આવક થયેલ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડીસેમ્બર માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ ₹ ૮૦,૮૩૮ કરોડની આવક થયેલ છે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંકના ૭૬% છે, એમ મુખ્ય રાજ્ય વેરા કમિશ્નરની કચેરી, રાજ્ય કર ભવનની અખબારી યાદીમાં જણાવાયું છે.

“આ વર્ષે પ્રથમ 9-મહિનાના સમયગાળામાં 1.66 લાખ કરોડ રૂપિયાનું સરેરાશ માસિક GST કલેક્શન FY23ના સમાન સમયગાળામાં નોંધાયેલા 1.49 લાખ કરોડની સરેરાશની સરખામણીમાં 12 ટકાનો વધારો દર્શાવે છે.”

ડિસેમ્બરમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 30,443 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 37,935 કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી રૂ. 84,255 કરોડ અને સેસ રૂ. 12,249 કરોડ હતો. વધુમાં, સરકારે ઈન્ટિગ્રેટેડ જીએસટીમાંથી સેન્ટ્રલ જીએસટીમાં રૂ. 40,057 કરોડ અને સ્ટેટ જીએસટીને રૂ. 33,652 કરોડનું સેટલમેન્ટ કર્યું હતું. પરિણામે, સેટલમેન્ટ પછીના મહિનાની કુલ આવક કેન્દ્ર માટે રૂ. 70,501 કરોડ અને રાજ્ય જીએસટી માટે રૂ. 71,587 કરોડ હતી.પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપની એલએલપીના પાર્ટનર પ્રતિક જૈને જણાવ્યું હતું કે, “એકંદરે, નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં GST કલેક્શનમાં વૃદ્ધિ પ્રોત્સાહક રહી છે. જાન્યુઆરી 2024માં કલેક્શન હજુ પણ વધુ થવાની ધારણા છે, જે આંશિક રીતે છેલ્લા કેટલાક મહિનામાં GST ઓડિટ અને નોટિસમાં વધારો થવાને આભારી છે.”

જ્યારે ડિસેમ્બરમાં એકત્ર થયેલ કુલ GST નવેમ્બરમાં મૉપ-અપ કરવામાં આવ્યો હતો તેના કરતાં થોડો ઓછો છે, તે સતત બે મહિનાથી વાર્ષિક ધોરણે ડબલ ડિજિટમાં વૃદ્ધિ દર્શાવે છે. જોકે નવેમ્બરમાં તે 15 ટકા હતો. વાસ્તવમાં, નવેમ્બરમાં GST કલેક્શનમાં વાર્ષિક વધારો 11 મહિનામાં સૌથી વધુ હતો. 2023-24ના બજેટ મુજબ, કેન્દ્રને ચાલુ નાણાકીય વર્ષમાં તેના GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થવાની અપેક્ષા છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)