અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે આજે રૂ. 1600 કરોડના આઈપીઓનું નજીવા 1.03 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 1258ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 1245ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ શેર વધી 1258ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. આ સાથે એન્ટેરો આઈપીઓમાં રોકાણકારો માટે નફો નહીં નુકસાન જોવા મળ્યું હતું. બાદમાં ઘટી 5.7 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 1186ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો.

એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સનો શેર 11.31 વાગ્યે 4.45 ટકા ડિસ્કાઉન્ટે 1202 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગ્રે માર્કેટમાં એન્ટેરો હેલ્થકેર માટે કોઈ પ્રીમિયમ ધોવાયા હતા. એન્ટેરો હેલ્થકેરનો આઈપીઓ ખૂલ્યો તે સમયે ગ્રે માર્કેટમાં 5થી 10 ટકા પ્રીમિયમ જોવા મળ્યા હતા.

એન્ટેરો હેલ્થકેરનો આઈપીઓ કુલ 1.53 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 2.28 ગણો, રિટેલ 1.33 ગણો ભરાયો હતો. જો કે, એનઆઈઆઈએ માંડ 22 ટકા અરજી કરી હતી.

હેલ્થકેર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યૂટર એન્ટેરો હેલ્થકેરે છેલ્લા 3 ત્રિમાસિકમાં સતત ખોટ કરી છે. 2020-21માં રૂ. 15.35 કરોડની ખોટ કરી હતી. જે 2022-23માં ઘટી 11.10 કરોડ થઈ હતી. જો કે, આવકો સતત વધી છે. કંપનીના માથે 30 સપ્ટેમ્બર-23 સુધીમાં કુલ 488.68 કરોડનું દેવુ છે.

માર્કેટ નિષ્ણાતે જણાવ્યું હતું કે, એન્ટેરો ઝડપથી વિકસતી હેલ્થકેર પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યૂટર છે. જેનો બિઝનેસ નાણાકીય વર્ષ 2028 સુધઈમાં 20-30 ટકા વધવાનો આશાવાદ છે. આ સુધારો તેની વિશાળ રેન્જની પ્રોડક્ટ્સના વિત્તરણને આભારી છે. જે તેની કાર્યક્ષમતામાં સુધારો કરશે. તદુપરાંત ઈન્વેન્ટરી મેનેજમેન્ટ અને ગ્રાહકોના ઓર્ડર પર ટેક્નોલોજી આધારિત સંચાલન કરતી હોવાથી બિઝનેસ ગ્રોથ વધવાની શક્યતા છે.

સ્ટોક્સબોક્સના રિસર્ચ એનાલિસ્ટ પ્રથમેશ પી માસડેકરે જણાવ્યું હતું કે, “હાલના તબક્કે, અમે રોકાણકારોને રોકાણમાંથી બહાર નીકળવાની સલાહ આપીએ છીએ અને બાદમાં નજીકના ગાળામાં કંપનીની ત્રિમાસિક કામગીરીનું મૂલ્યાંકન કર્યા પછી તેમાં રોકાણ કરવાનું વિચારીએ છીએ.”

પેસ 360ના કો-ફાઉન્ડર અને ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અમિત ગોયલે જણાવ્યું હતું કે, “વાર્ષિક FY24ની કમાણીના આધારે સંભવિત ઊંચા મૂલ્યાંકન હોવા છતાં, અમે રોકાણકારોને સ્ટોક હોલ્ડ ન કરવા તેમજ લિસ્ટિંગ બાદ ખરીદી ન કરવા સલાહ છે. કારણકે, હાલ તેના ભાવ ખૂબ ઉંચા હોવાથી વૃદ્ધિ દેખાઈ રહી નથી.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)