અમદાવાદ, 30 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આ વર્ષે તેના ડિજિટલ નાણાકીય સેવાઓ ધરાવતી કંપની Jio Financial Servicesને ઓક્ટોબર સુધીમાં લિસ્ટેડ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ બાબતથી જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર  આ અંગે ગ્રૂપમાં તૈયારીઓ ચાલી રહી છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું બિઝનેસ ગ્રૂપ Jio ફાયનાન્સિયલ સર્વિસિસ લિસ્ટિંગ માટે જરૂરી મંજૂરીઓ મેળવવા માટે નિયમનકારો સાથે વાતચીત કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો અને લેણદારો 2 મેના રોજ નાણાકીય એકમને એક અલગ એન્ટિટી બનાવવાની યોજના પર મતદાન માટે મળવા જઈ રહ્યા છે.

Jio Financial અંગે સંક્ષિપ્ત જાણકારી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નવેમ્બરમાં કે.વી. કામતને Jio ફાયનાન્સિયલ સર્વિસિસના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, મેકલેરેન સ્ટ્રેટેજિક વેન્ચર્સના ટોચના એક્ઝિક્યુટિવ્સમાંના એક હિતેશ સેઠિયા આગામી થોડા દિવસોમાં જિયો ફાયનાન્સિયલ સર્વિસિસમાં સીઈઓ તરીકે જોડાઈ શકે છે. જિયો ફાયનાન્સિયલ સર્વિસને અલગ યુનિટ તરીકે સ્થાપિત કરવાની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. જાહેરાત કરતી વખતે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જિયો એક નાણાકીય ટેક્નોલોજી આધારિત બિઝનેસ હશે જે સમગ્ર દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની હાજરીનો લાભ લઈને ડિજિટલ રીતે નાણાકીય ઉત્પાદનો ઓફર કરશે. રિલાયન્સના દરેક શેરધારકને Jio ફાયનાન્સિયલના લિસ્ટિંગ સમયે રાખવામાં આવેલા 1 શેર માટે એક શેર મળે તેવી શક્યતા જોવાઇ રહી છે.