અમદાવાદ, 2 ઓક્ટોબરઃ હવે થોડા સમયમાં જ તહેવારોની સિઝન ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. ત્યારે તમારા ખિસ્સા પર બોજો વધી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખો. તેમાંય ખાસ કરીને ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા ફાઈનાન્સ એક્ટ 2023 વિશે માહિતી મેળવી આકર્ષક સ્કીમ્સ અને ઓફરની માયાજાળમાં ફસાવવાથી બચી શકો છો.

1 ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા કર માળખાને સમજવા જરૂરી છે. જો કે, આરબીઆઈએ છેલ્લી 3 મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દર જાળવી રાખી લોકોને રાહત તો આપી છે. પરંતુ જો ઓક્ટોબરમાં તેમાં વધારો થાય તો લોનધારકો અને ઈએમઆઈ પર ખરીદી કરનારાઓ પર બોજો વધી શકે છે.

તહેવારોની ખરીદીમાં આ બાબતોને ધ્યાનમાં રાખો

  • ઈ-કોમર્સ વેબસાઇટ્સ, રિટેલ ચેઇન્સ અને રિટેલ સ્ટોર્સ તહેવારોની ખરીદી માટે વિવિધ ઑફરો રજૂ કરી રહ્યાં છે. જેના માટે ચોક્કસ બજેટ બનાવો.
  • તહેવારોની મોસમ દરમિયાન તમારા શોપિંગ ખર્ચને ટ્રૅક કરો. ગિફ્ટિંગ, સોશિયલ ગેધરિંગ, હોમ ડેકોરેશન સહિતના વધારાના ખર્ચાઓની યાદી બનાવી બિનજરૂરી ખર્ચથી બચો.
  • વધારાના ડિસ્કાઉન્ટ અને કેશબેક માટે પાર્ટનર્સ બેન્કોના કાર્ડનો ઉપયોગ કરો. વધારાની બચત માટે રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરો.
  • તમે તાત્કાલિક ઉપયોગ ન કરી શકો તેવી વસ્તુઓની ખરીદી કરવાનું ટાળો અને ઝીરો EMI યોજનાઓથી દૂર રહ્યો  કારણ કે તે દેવાની જાળ છે.
  • આગામી વર્ષના મહત્વના જરૂરી ખર્ચાઓની યાદી તૈયાર કરવા ઉપરાંત ઈમરજન્સી ખર્ચાઓને પણ ધ્યાનમાં લો.

2000ની નોટ પરત કરવાની મુદ્દત લંબાવાઈ

આરબીઆઈએ સમીક્ષા બાદ બેન્ક શાખાઓમાં રૂ. 2000ની નોટો બદલવા અથવા જમા કરાવવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. 2000 રૂપિયાની નોટો આ મુદ્દત સુધી લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

આરબીઆઈએ મે મહિનામાં કહ્યું હતું કે તે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી રહી છે. આરબીઆઈએ બેન્કોને તાત્કાલિક અસરથી રૂ. 2,000 મૂલ્યની બેન્ક નોટ જારી કરવાનું બંધ કરવા પણ જણાવ્યું હતું. RBIએ તમારી રૂ. 2,000ની નોટો તમારા બેન્ક ખાતામાં બદલવા અથવા જમા કરવા માટે ચાર મહિનાનો (મે થી સપ્ટેમ્બર) સમય આપ્યો હતો.