મિરર ઇફેક્ટઃ અત્યારસુધી FII વેચવાલ હતા હવે DIIની વેચવાલી જોવા મળી!
- સેન્સેક્સમાં 818ની વોલેટિલિટી, NIFTYએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી
- માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ, સેક્ટોરલ્સમાં સુસ્ત ટ્રેન્ડ
અમદાવાદઃ છેલ્લા એક કલાકના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે બીએસઇ સેન્સેક્સે 310.71 પોઇન્ટ અને નિફ્ટીએ 17600 પોઇન્ટની સપાટી ગુમાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટમાં સેન્સેક્સ- નિફ્ટી બેઝ્ડ ટ્રેડિંગ વિશેષ જોવા મળ્યું હતું. બાકીના સેક્ટરોલ્સમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાયેલા રહ્યા હતા. માર્કેટમાં છેલ્લા કેટલાંક દિવસોથી સૌથી મોટી મિરર ઇફેક્ટ એ જોવા મળી છે કે, અત્યારસુધી વિદેશી નાણાકીય સંસ્થાઓ વેચવાલ હતી હવે સ્થાનિક નાણાકીય સંસ્થાઓ વેચી રહી છે.
એફએન્ડઓ એક્સપાયરીના કારણે સેન્સેક્સમાં 813 પોઈન્ટની ઇન્ટ્રા-ડે વોલેટિલિટી જોવા મળી હતી. સેન્સેક્સ સવારે 231 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો હતો. ઈન્ટ્રા ડે 399 પોઈન્ટ સુધર્યા બાદ અંતિમ કલાકમાં 419 પોઈન્ટ ઘટ્યો હતો. અંતે 310.71 પોઈન્ટ ઘટી 58684.05 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 82.50 ઘટી 17500ની સપાટી જાળવતાં 17522.45 પર બંધ રહ્યો હતો. એફએન્ડઓ એક્સપાયરી ઉપરાંત આઈટી અને ટેક્નો શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ઓગસ્ટ મહિનાના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ આજે પૂર્ણ થયા છે. જેના લીધે માર્કેટમાં વોલેટિલિટી રહે છે. જોકે નિફ્ટીએ 17500ની ટેક્નિકલ સપાટી જાળવી સુધારાનો ટ્રેન્ડ રહેવાનો સંકેત આપ્યો છે.
સેન્સેક્સની ઇન્ટ્રા-ડે સાપ-સિડી
સમય | સેન્સેક્સ | +/- |
9.15 | 59316 | 231 |
12.59 | 59484 | 399 |
15.14 | 58716 | -369 |
15.30 | 58775 | -310 |
માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3552 સ્ક્રિપ્સ પૈકી 1861માં સુધારો, જ્યારે 1557માં ઘટાડો નોંધાયો હતો. 170 સ્ટોક્સ વર્ષની ટોચે, 24 સ્ટોક્સ વર્ષના તળિયે પહોંચ્યા હતાં. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ હોવાનો અંદાજ આપે છે. જો કે, આઈટી અને ટેક્નોલોજી, બેન્કિંગ શેર્સમાં ઘટાડાના પગલે સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 5માં સુધારો અને 25માં ઘટાડો થયો હતો.
એફઆઈઆઈની ખરીદી માર્કેટને ટેકો આપશે
એફઆઈઆઈએ ઓગસ્ટ મહિનામાં રૂ.18 હજાર કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી છે. બીજી બાજુ ડીઆઈઆઈ પ્રોફિટ બુક કરી રહ્યાં છે. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં અનુક્રમે 0.20 ટકા અને 0.17 ટકા સુધારો નોંધાયો હતો.
ખાનગીકરણને મંજૂરીના પગલે IDBI 10 ટકા ઉછળ્યો
IDBIનુ ખાનગીકરણ કરવા LIC અને સરકારે મંજૂરી આપતાં જ IDBI બેન્કના શેરમાં આજે તેજી જોવા મળી હતી. ઈન્ટ્રા ડે 10.9 ટકા ઉછળી 44.20ની ટોચે પહોંચ્યો હતો. અંતે 7.10 ટકા ઉછાળા સાથે 43 પર બંધ રહ્યો હતો. સરકાર તેનો 51 ટકા હિસ્સો વેચશે. LIC અને સરકાર IDBIમાં 94 ટકા હિસ્સો ધરાવે છે.
અદાણી ટ્રાન્સમિશન ફરી નવી ટોચે
સ્ક્રિપ્સ | 52 વીક હાઈ | બંધ | -/+% |
અદાણી ટ્રાન્સમિશન | 3784 | 3715.20 | +0.49 |
અનંત રાજ | 87.50 | 80.90 | +8.59 |
BOB | 128 | 125.80 | +1.78 |
આયશર મોટર્સ | 3512.75 | 3482.10 | +0.92 |
ફેડરલ બેન્ક | 116.05 | 113.80 | -0.18 |
NDTV | 403.70 | 403.70 | +4.99 |
વાડીલાલ ઈન્ડ. | 2700 | 2530.65 | -3.68 |
માર્કેટને માઇનસમાં લઇ જનારા મુખ્ય ફેક્ટર્સ એટ એ ગ્લાન્સ
– શુક્રવારે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ પૂર્વે વૈશ્વિક શેરબજારોમાં સાવચેતીનો સૂર. ફુગાવાને કાબૂમાં રાખવા ફેડ આકરાં પગલાં ભરે તેવી દહેશત
– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તા. 29 ઓગસ્ટના રોજ એજીએમ મળી રહી છે. રોકાણકારો તેમાં સંખ્યાબંધ પ્રોત્સાહક પગલાંની રાહ જોઇ રહ્યા છે. કંપની એેનર્જી, 5 જી ઓક્શન અને પ્રાઇસિંગ, ઓઇલ ટૂ કેમિકલ્સ અંગે થયેલી પ્રગતિ અને ટેલિકોમ કંપનીના આઇપીઓ અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે.
– સપ્તાહના અંતમાં જીડીપી, પીએમઆઇ ફિસ્કલ ડેફિસિટ સહિતના ઇન્ડિયન ઇકોનોમિના મહત્વના ડેટા જાહેર થવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને પણ રોકાણકારોમાં સાવચેતીનો સૂર વર્તાઇ રહ્યો છે.
– બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર 100 ડોલરની સપાટી ક્રોસ કરી જવા સાથે ઇરાન સાથે અમેરીકાનો તેહરાન ન્યૂક્લિયર ડીલ મુદ્દે તણાવ ભર્યો વ્યવહાર અને ઓપેક દેશોની ક્રૂડ નિકાસ નીતિ ઉપર પણ વૈશ્વિક શેરબજારોનો મોટો આધાર રહેશે.
– વિદેશી નાણાકીય સંસ્થાઓએ ખરીદી શરૂ કરવા સામે સ્થાનિક નાણાકીય સંસ્થાઓની સતત વેચવાલી રહી છે. ઓગસ્ટમાં અત્યારસુધીમાં રૂ. 6539 કરોડની નેટ વેચવાલી નોંધાવી છે. તેના કારણે પણ માર્કેટમાં કરેક્શનને પ્રોત્સાહન મળી રહ્યું છે.