અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ ટાટા ગ્રુપની તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રિમાસિકમાં રૂ. 301.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 364 કરોડના નફા સામે 17 ટકા ઘટ્યો છે. ત્રિમાસિક ધોરણે પણ નફો સપ્ટેમ્બર-23માં રૂ. 363.9 કરોડની તુલનાએ ઘટ્યો છે.

કંપનીની કામગીરીમાંથી આવક 9 ટકા વધી રૂ. 3804 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 3475 કરોડ હતી. જે બ્રોકરેજ હાઉસિસના રૂ. 3731 કરોડની આવક અંદાજ સામે વધી છે. કંપનીની કોન્સોલિડેટેડ EBITDA 26 ટકા વધી રૂ. 576 કરોડ નોંધી છે. માર્જિન 200 બેઝિસ પોઈન્ટ વધી 15.1 ટકા થયા છે.

ટાટા કન્ઝ્યુમરના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સુનિલ ડિસોઝાએ જણાવ્યું હતું કે, અમે 9 ટકાની આવક વૃદ્ધિ અને 26 ટકાની EBITDA વૃદ્ધિ સાથે મજબૂત ઓપરેટિંગ પ્રદર્શન આપ્યું છે. અમારા વેચાણ અને વિતરણ સારી રીતે વધી રહ્યા છે, ડિસેમ્બર-23 સુધીમાં અમારી કુલ પહોંચ 3.9 મિલિયન આઉટલેટ્સ સુધી વિસ્તરી છે. અમે હાલની ભૌગોલિક પરિસ્થિતિઓમાં ઊંડાણપૂર્વક આગળ વધવા અને નીચી વસ્તી ધરાવતા નગરો અને શહેરી વિસ્તારોમાં અમારા વિતરણને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને હવે ગ્રામીણ વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું.

7 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશનમાં, કંપનીની સ્ક્રીપ બીએસઈ પર રૂ. 2,160.00 પર બંધ થઈ હતી, જે આગલા દિવસના બંધની સરખામણીમાં 1.34 ટકા વધી છે.