અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ દક્ષિણના બજારોમાં તેનો બિઝનેસ વિસ્તારવા જઈ રહી છે. આ માટે તે દક્ષિણના દિગ્ગજ બિઝનેસમેન વીએ અજમલની કંપની ખરીદવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે, અગાઉ પણ રિલાયન્સ રિટેલ કંપની દક્ષિણમાં ત્રણ કંપનીઓને હસ્તગત કરી ચૂકી છે. આ મામલે બંને કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક પણ થઈ છે. આવી સ્થિતિમાં રિલાયન્સ રિટેલ દ્વારા બિસ્મીને ટેકઓવર કરવાની શક્યતાઓ પ્રબળ બની છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈપણ પક્ષે જાહેરાત કરી નથી.

સાઉથના મોટા બિઝનેસમેનની યાદીમાં સામેલ વીએ અજમલની 800 કરોડની કંપની બિસ્મી વેચાઈ જશે. ઘરગથ્થુ, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ અને કરિયાણાના ક્ષેત્રમાં મોટું નામ બનાવનાર વીએ અજમલ બિસ્મીના મેનેજિંગ ડિરેક્ટર છે. બિસ્મીએ કેરળનું મોટું બજાર કબજે કર્યું છે. કેરળમાં પોતાની પકડ મજબૂત કરવા માટે રિલાયન્સની સબસિડિયરી રિલાયન્સ રિટેલ બિસ્મીને ખરીદવાની તૈયારી કરી રહી છે.

બિસ્મી કેરળની અગ્રણી ઈલેક્ટ્રોનિક્સ અને કરિયાણાની રિટેલ ચેઈન તરીકે જાણીતી છે. રિલાયન્સ તેનુ એક્વિઝિશન કરી તેના કેરળમાં સ્થિત ઇલેક્ટ્રોનિક અને હાઇપરમાર્કેટ ફોર્મેટમાં 30 મોટા સ્ટોર્સનું સંચાલન કરી શકે છે. આ ખરીદી દ્વારા રિલાયન્સ પોતાની રિટેલ પ્રોડક્ટને લોકો સુધી લઈ જવામાં સફળ થવા માંગે છે. એક્વિઝિશન ડીલ દિવાળી પહેલા પૂર્ણ થવાની ધારણા છે.

રિલાયન્સે સાઉથની ત્રણ કંપનીઓ ખરીદી

દક્ષિણમાં બજાર કબજે કરવા માટે રિલાયન્સ રિટેલ પહેલાથી જ ત્રણ કંપનીઓ ખરીદી ચૂકી છે. તે પૈકી

  • રૂ. 152 કરોડમાં તમિલનાડુમાં શ્રી કન્નન ડિપાર્ટમેન્ટલ સ્ટોર કંપની ખરીદી હતી.
  • કલા નિકેતનને પણ ખરીદ્યું છે, જે દક્ષિણમાં અગ્રણી સાડી અને વંશીય વસ્ત્રોના રિટેલર તરીકે જાણીતું છે.
  • દક્ષિણની મોટી ગ્રોસરી કંપની જયસૂર્યા રિટેલને હસ્તગત કરી છે.