ચેન્નાઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને અશોક લેલેન્ડએ ભારતનો પ્રથમ હાઇડ્રોજન ઇન્ટર્નલ કમ્બશ્ચન એન્જિન (H2-ICE) પાવર્ડ હેવી ડ્યુટી ટ્રક પ્રસ્તુત કર્યો હતો. આ ટ્રકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલોરમાં ઇન્ડિયા એનર્જી વીકમાં લીલી ઝંડી આપી હતી. અશોક લેલેન્ડે આરઆઇએલ સાથે ગયા વર્ષે આ વિશિષ્ટ ટેકનોલોજી વિકસાવી છે અને ઓગસ્ટ, 2022થી પરીક્ષણ કર્યું છે. અશોક લેલેન્ડ H2-ICE હેવી-ડ્યુટી ટ્રકની રેન્જ (19થી 35 ટન) હાઇડ્રોજનથી પાવર્ડ છે, જે રિન્યૂએબલ અને સ્વચ્છ ઊર્જાનો સ્તોત્ર છે, જેમાં પરંપરાગત ડિજિટલ-આધારિત કમ્બશ્ચન એન્જિન જેવું સંપૂર્ણ માળખું જાળવી રાખવામાં આવ્યું છે, જેથી પ્રમાણમાં અતિ ઓછા ખર્ચે સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતો તરફ ઝડપથી વળવામાં મદદ મળશે. અશોક લેલેન્ડના પ્રેસિડન્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર ડો. એન સર્વાનને કહ્યું હતું કે, RIL સાથે અમે એક વાર ફરી અમારી ટેકનોલોજીકલ લીડરશિપ પ્રદર્શિત કરી છે. તાજેતરમાં ઓટો એક્ષ્પો 2023માં એની ભવિષ્યલક્ષી વ્હિકલ રેન્જ પ્રસ્તુત કરી હતી, જે ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજનના વિકલ્પોથી સંચાલિત છે.