એમડી પદેથી સોઢીને તાત્કાલિક હટાવાતાં ઊઠેલા અનેક તર્ક વિતર્ક

અમદાવાદઃ અમૂલના MDપદેથી આર.એસ. સોઢીને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવાની ફરજ પાડવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના આર.એસ.સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેમને પોતાના ચાર્જ જયેન મહેતાને સોંપી દેવા આદેશ કરાયો છે. જયેન મહેતાની નવા MD તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઈસ ચેરમેને પત્ર લખી R.S. સોઢીને આ અંગે જાણ કરી હતી. પત્રમાં જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. R.S. સોઢીને ફેડરેશનનની મેનેજીંગ ડિરેક્ટર તરીકેની સેવા તાત્કાલીક અસરથી સમાપ્ત કરવાનું ઠરાવેલ છે.

ઇન્ચાર્જ એમડી તરીકે જયેન મહેતાની નિયુક્તિ કરવામાં આવી

R.S. સોઢીના રાજીનામાં પછી જયેન મહેતાને ઈન્ચાર્જ MD તરીકેનો ચાર્જ સોંપાયો છે. જયેન મહેતા છેલ્લા 32 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે. તેમણે એપ્રિલ-સપ્ટેમ્બર 2018 સુધી અમૂલ ડેરી, આણંદના ઈન્ચાર્જ એમડી તરીકે સેવા આપી છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે જયેન મેહતાની ફેબ્રુઆરી 2022માં નિમણૂક કરવામાં આવી હતી.