Rupee: રૂપિયો ડોલર સામે ઘટી 83.33ના રેકોર્ડ તળિયે, જાણો આગામી રણનીતિ
અમદાવાદ, 1 નવેમ્બરઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે ડોલરમાં તેજી તેમજ અમેરિકી બોન્ડ યીલ્ડ દાયકાઓની ટોચે પહોંચતાં રૂપિયો નબળો પડ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટી 83.33ના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના હસ્તક્ષેપના કારણે રૂપિયામાં વધુ મોટુ નુકસાન થતા અટક્યું છે. ડોલર સામે અન્ય એશિયન કરન્સીઓ કડડભૂસ થઈ છે.
રૂપિયો ગતવર્ષે 83.29ના સૌથી નીચા સ્તરને તોડતો અટકાવવા માટે આરબીઆઈએ દખલગીરી કરતાં ડોલરની વેચવાલી શરૂ કરી હતી. પરંતુ આ હસ્તક્ષેપ આક્રમક ન હોવાથી ડોલર આ સપાટી જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો.
અન્ય કરન્સી સામે રૂપિયાની સ્થિતિ
કરન્સી | ભાવ | તફાવત |
USD/INR | 83.29 | -0.029999 |
CNY/INR | 11.3708 | +0.0082 |
GBP/INR | 101.1742 | +0.327698 |
EUR/INR | 88.0582 | +0.767906 |
DXY Index | 106.713 | 0.049995 |
JPY/INR | 0.5505 | -0.0013 |
આજે મોડી સાંજે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો અને આર્થિક સ્થિતિ અંગે આગામી રણનીતિની જાહેરાતો થવાની છે. જો ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવે તો ડોલરની તેજી વેગવાન બનશે. જેની સામે રૂપિયો તૂટી 83.50-83.80ના સ્તર સુધી જવાની ભીતિ ફોરેક્સ નિષ્ણાતોએ દર્શાવી છે. તે સિવાય રૂપિયો 83.20-83.35ની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે.
ઑક્ટોબરમાં, USD/INRમાં વધુ હલચલ જોવા મળી ન હતી. જેમાં તાજેતરમાં સૌથી નીચી માસિક ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જ જોવા મળી હતી. સીઆર ફોરેક્સ એડવાઈઝરીના એમડી અમિત પાબારીએ જણાવ્યું હતું કે થોડા સત્રોને બાદ કરતાં, મહિનાના મોટા ભાગના સમય માટે ઇન્ટરબેંક રેટ 83.25ની નજીક રહ્યો હતો, જેમાં માત્ર એક કે બે પૈસા ઉપર કે નીચેનો તફાવત હતો.
રૂપિયામાં ઘટાડાનું કારણઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ, મજબૂત યુએસ ડોલર ઇન્ડેક્સ (યુએસ ડીએક્સવાય) અને યુએસ 10-વર્ષના બોન્ડ યીલ્ડમાં વધારો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારાની તીવ્ર આશંકા, પીએમઆઈ અને કોર સેક્ટરના ડેટાથી ફોરેક્સ ટ્રેડર્સ નિરાશ, એફઆઈઆઈ આઉટફ્લો, ઈક્વિટી અને ક્રૂડ માર્કેટમાં મંદીનો માહોલ…