અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 50એ બેન્કિંગ અને હેવીવેઇટ શેરોમાં નબળાઈ વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, નિફ્ટીએ 22 હજારની સપાટી જાળવી રાખી હોવાથી તેજીનું સેન્ટિમેન્ટ જળવાઈ રહેશે.

સેન્સેક્સ 352.67 પોઈન્ટના ઘટાડા સાથે 72790.13 પર, જ્યારે નિફ્ટી 50 90.65 પોઈન્ટના ઘટાડા સાથે 22122.05 પર બંધ રહ્યો હતો. પાવર, રિયાલ્ટી, ટેલિકોમ્યુનિકેશન્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ સેક્ટોરના શેરોમાં સુધારો નોંધાયો હતો.

જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના હેડ વિનોદ નાયરે માર્કેટ આઉટલૂક વિશે જણાવ્યું હતું કે,

“આ અઠવાડિયે રોકાણકારોનું ધ્યાન કમાણીમાંથી આર્થિક ટ્રિગર્સ તરફ સ્થળાંતરિત થયું હોવાથી બજારે તાજેતરની તેજીમાંથી વિરામ લીધો હતો. યુએસ અને ભારતના જીડીપી ડેટા, યુરોઝોન ફુગાવો અને યુએસ જોબલેસ ક્લેમ ડેટા સેન્ટ્રલ બેન્ક માટે પ્રભાવશાળી આર્થિક આંકડા પર બજારની ચાલ નિર્ધારિત થશે. બીજી બાજુ માગ પર અનિશ્ચિતતા અને યુએસના હાઈ ઈન્વેન્ટરીના લીધે ક્રૂડના ભાવોમાં ઘટાડાની અસર થઈ શકે છે.”

બીજી તરફ, ICICI સિક્યોરિટીઝના વિશ્લેષકોએ આગામી સપ્તાહમાં નિફ્ટી 22,700 તરફ આગળ વધવાની આગાહી કરી છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, “વૈશ્વિક વિકાસને કારણે અસ્થિરતા જોવા મળશે પરંતુ તે વધતી જતી ખરીદીની તક આપશે. આ રીતે, 21,800 પર મજબૂત ટેકો હોવાથી ક્વોલિટી સ્ટોક્સ એકઠા કરવા સલાહ છે.”

નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 0.3 ટકા સુધી ઘટ્યા છે. નિફ્ટી ઓટો, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સને બાદ કરતાં, નજીવી વૃદ્ધિ સાથે સેશન સમાપ્ત થયા હતા, અન્ય તમામ ક્ષેત્રો નેગેટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

માર્કેટ બ્રેડ્થ સાવચેતીનીઃ બીએસઈ ખાતે ટ્રેડેડ 4108 સ્ક્રિપ્સમાંથી 1714 પોઝિટીવ અને 2263 નેગેટીવ રહી હતી. જો કે, 385 સ્ક્રિપ્સ વર્ષની ટોચે પહોંચી હતી. જ્યારે 24 વર્ષનું તળિયુ નોંધાવ્યુ હતું. સેન્સેક્સ પેકની 5 સ્ક્રિપ્સ જ સુધારા સાથે બંધ રહી હતી. જ્યારે અન્ય 25માં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જે માર્કેટ બ્રેડ્થ સાવચેતીની દર્શાવે છે.

Adani Energy Solutionsનો શેર ટોપ ગેઈનર

પાવર ઈન્ડેક્સ આજે 6708.36ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જે અંતે 1.01 ટકા ઉછાળા પર બંધ રહ્યો હતો. પાવર સેક્ટરમાં તેજી પાછળનું કારણ વિવિધ કંપનીઓ દ્વારા વિસ્તરણ યોજનાઓ, તેમજ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પ્રોત્સાહનો છે. Power Indexમાં તેજી માટે અદાણી ગ્રુપની 3 કંપનીઓના હાઈ વોલ્યૂમ હતાં. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. આજે 9.99 ટકા ઉછળી 1189.90ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. અંતે 8.74 ટકા વૃદ્ધિ સાથે 1176.50 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત, જેએસડબ્લ્યૂ એનર્જી, અદાણી પાવર, પાવરગ્રીડ, અદાણી ગ્રીન, સિમેન્સ, એનએચપીસી, તાતા પાવર સહિતના શેરોમાં 4 ટકા સુધી ઉછાળો નોંધાયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)