ગાંધીનગર, 17 જુલાઇઃ ભારતના શિક્ષણ મંત્રાલયના ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) અને નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર (એનટીયુ સિંગાપોર) દ્વારા સંયુક્ત રીતે આયોજિત સિંગાપોર-ઈન્ડિયા હેકાથોનની ત્રીજી એડિશનમાં નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, એમિટી યુનિવર્સિટી અને દ્વારકાદાસ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ઈનસાઈડર ટ્રેડિંગના સંભવિત શંકાસ્પદોને શોધી કાઢવામાં નિયમનકારોને મદદ કરવા માટેના ટૂલને ટોચના વિદ્યાર્થી પુરસ્કાર મળ્યો હતો. 2.8 મિલિયન ભારતીયોને સરકારી કલ્યાણ સેવાઓમાં 700 મિલિયન સિંગાપોર ડોલર જેટલો લાભ મેળવવામાં સક્ષમ કરવા માટે હકદર્શકે સ્ટાર્ટઅપ કેટેગરીમાં ટોચના વિજેતા તરીકેનું ઈનામ જીત્યું હતું. ગુજરાતમાં આઈઆઈટી, ગાંધીનગરમાં જી20 પ્રેસિડેન્સી હેઠળ આયોજિત હેકાથોનની ફિનાલે ભારત અને સિંગાપોરના શ્રેષ્ઠ સ્ટાર્ટ-અપ્સ અને વિદ્યાર્થીઓને એકસાથે લાવી હતી. તેમાં 600થી વધુ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, નીતિ ઘડનારાઓ, કોર્પોરેટ્સ અને શિક્ષણવિદોએ ભાગ લીધો હતો.

ભારતના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સિંગાપોરના નાયબ વડાપ્રધાન શ્રી લોરેન્સ વોંગે વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ કેટેગરીની વિજેતા ટીમોને ઈનામો અર્પણ કર્યા હતા. ટોચની ત્રણ વિદ્યાર્થી ટીમો, ટીમ ફોક્સટ્રોટ, ટીમ ચાર્લી અને ટીમ લિમાએ અનુક્રમે 15,000 સિંગાપોર ડોલર/ રૂ. 9 લાખ, 10,000 સિંગાપોર ડોલર/રૂ. 6 લાખ અને 7,000 સિંગાપોર ડોલર/ રૂ. 4 લાખ જીત્યા. ટોચના ત્રણ સ્ટાર્ટ-અપ્સ, હકદર્શક, પોવસિબલ ફૂડ એન્ડ પિન્ટ્સે અનુક્રમે 20,000 સિંગાપોર ડોલર/રૂ. 12 લાખ, 15,000 સિંગાપોર ડોલર/ રૂ. 9 લાખ અને 10,000 સિંગાપોર ડોલર/ રૂ. 6 લાખ જીત્યા હતા.

સિંગાપોરના નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન લોરેન્સ વોંગે જણાવ્યું કે, સિંગાપોર-ભારત હેકાથોન અનન્ય અને બેનમૂન છે. તે બંને દેશોના નેતાઓ દ્વારા સમર્થિત છે અને (વડાપ્રધાન) મોદીના વિઝનથી કલ્પના કરવામાં આવી છે.

ટીમોએ છ સમસ્યાઓ – ફાઇનાન્શિયલ ફ્રોડ ડિટેક્શન, નાણાંકીય સમાવેશ અને ધિરાણની ઓફરિંગ, દરિયાઈ સ્તરમાં વધારો અને કોસ્ટલ ફ્લડિંગ, ઓપ્ટિમાઇઝ ફૂડ રિસાયક્લિંગ, કાર્બન ફૂટપ્રિન્ટનું નિરીક્ષણ, અને સિંગાપોર-ભારત વેપાર જોડાણને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધા કરી.