અમદાવાદ, 7 ડિસેમ્બરઃ દેશની ટોચની ઈન્ટિગ્રેટેડ પાવર કંપનીઓ પૈકી ટાટા પાવરે આજે 12 ટકા સુધીનો ઉછાળો નોંધાવી 1.04 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરી છે. જેની સાથે 1 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરનારી ટાટા ગ્રુપની છઠ્ઠી કંપની બની છે.

બીએસઈ ખાતે આજે ટાટા પાવરનો શેર 12.88 ટકા ઉછાળા સાથે 332ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે અંતે 10.76 ટકા ઉછાળા સાથે 325.75 પર બંધ રહ્યો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં ટાટા પાવરના શેરમાં 51.7 ટકા રિટર્ન છૂટ્યું છે. જે 30 ડિસેમ્બર, 2022ના રોજ 207.7 પર બંધ થયો હતો. જ્યારે માર્ચ-23ની 182.45ની બોટમથી 72.7 ટકા વધી ચૂક્યો છે.

શેરમાં ઉછાળા પાછળનું કારણ

કંપનીની તાજેતરની વિશ્લેષકોની મીટિંગમાં લેવાયેલા નિર્ણયોના પગલે શેરમાં તેજી જોવા મળી છે. મેનેજમેન્ટે આગામી વર્ષો માટે ટાટા પાવર માટે FY27 સુધીમાં ₹60,000 કરોડના મૂડીખર્ચની જાહેરાત કરી હતી. જેમાંથી 45% રિન્યુએબલ સેક્ટરમાં લગાવવામાં આવશે.

કંપનીએ જણાવ્યું હતું કે તે 2.8GWના બે પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાં આશરે ₹13,000 કરોડનું રોકાણ કરશે, જે ટાટા પાવરને ગ્રાહકોને મિશ્રિત 24*7 રિન્યુએબલ પાવર પ્રદાન કરવામાં મદદ કરશે.

આગામી 3 વર્ષમાં આવકો-નફો બમણો થશે

ટાટા પાવર પાસે હાલમાં 5.5 GWનો ક્લિન એનર્જી પોર્ટફોલિયો છે, જેને કંપની 2030 સુધીમાં 20 GW સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે. લગભગ 3.7 GW ક્ષમતા પહેલેથી જ નિર્માણાધીન છે. મેનેજમેન્ટે મોટાપાયે આરઇ (રિન્યુએબલ એનર્જી) પોર્ટફોલિયોમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન એસેટ્સમાંથી નફાકારકતા અને ગ્રુપ કેપ્ટિવ અને સોલર રૂફટોપમાં મજબૂત તકો સાથે ટકાઉ ગ્રોથના પગલે નાણાકીય વર્ષ 27 સુધીમાં આવક, EBITDA અને ચોખ્ખો નફો (PAT) બમણો થવાનો અંદાજ આપ્યો છે.

નિષ્ણાતોના મતે ટાટા પાવરનો શેર

જેએમ ફાઇનાન્શિયલે ટાટા પાવરનો શેર ‘હોલ્ડ’માંથી ‘બાય’માં અપગ્રેડ કર્યો છે. ટાર્ગેટ પ્રાઈસ ₹220થી વધારીને ₹350 કરી છે. “ટાટા પાવરની રિકેલિબ્રેટેડ વ્યૂહરચના ઉચ્ચ માર્જિન ગ્રુપ કેપ્ટિવ આરઇ તકોને ટેપ કરવાનો, ઓછા મૂલ્યના વ્યવસાયોમાંથી બહાર નીકળવાનો, બ્રાઉનફિલ્ડ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજમાં સાહસ કરવાનો અને વિતરણની બહાર ટ્રાન્સમિશન બિઝનેસ વિસ્તરણ સમાવિષ્ટ છે. જેના પગલે શેરમાં તેજી જળવાઈ રહેશે.