અમદાવાદ, 2023: પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારો માટે સૌથી લોકપ્રિય બનેલા ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ આવતીકાલે લિસ્ટિંગ કરાવશે. IREDA IPIOના બમ્પર લિસ્ટિંગ બાદ 20 વર્ષ બાદ ટાટા ગ્રુપનો આઈપીઓ લિસ્ટેડ થશે. જેની રોકાણકારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગ્રે માર્કેટમાં 85 ટકાથી વધુ પ્રીમિયમ સામે રોકાણકારોને મૂડી ડબલ થવાનો આશાવાદ છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 500 છે.

ટાટા ટેક્નોલોજીસના શેર એલોટ થયેલા રોકાણકારોને નિષ્ણાતોએ લોંગ ટર્મ વ્યૂહ સાથે રોકાણ જાળવી રાખવા, જ્યારે શોર્ટ ટર્મ ટ્રેડર્સને ઉંચા ભાવે પ્રોફિટ બુક કરવા સલાહ આપી છે.

સાનુકૂળ ઇશ્યૂ પ્રાઈસ તેમજ રોકાણકારોની મજબૂત માંગને ધ્યાનમાં લેતા, વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે ટાટા જૂથની કંપની શેરધારકોને 75% કરતા વધુનું મજબૂત લિસ્ટિંગ કરશે. ટાટા ગ્રુપનું નામ રોકાણકારો માટે પૂરતું છે, જેમાં મોટા HNI અને એન્કર રોકાણકારો પણ રસ દાખવી રહ્યા છે.

ટાટા ટેક્નોલોજીસ પાસે એક સુસ્થાપિત વૈશ્વિક બિઝનેસ મોડલ ધરાવે છે, જે તે જે ક્ષેત્રોમાં કાર્ય કરે છે તેમાં તંદુરસ્ત માર્જિન પેદા કરવામાં મૂળભૂત રીતે મજબૂત છે.

ટાટા ટેક્નોલોજીના રૂ. 3,042 કરોડના આઇપીઓને રૂ. 1.5 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. IPO માટે કુલ 73.6 લાખ અરજીઓ મળી હતી.

Gandhar Oil Refinery IPO

રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મેળવનાર ગાંધાર ઓઈલ રિફાઈનરી આવતીકાલે લિસ્ટેડ થશે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 169 સામે 50 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થવાની શક્યતા ગ્રે માર્કેટ પરથી જણાઈ રહી છે. જો કે, મજબૂત ફંડામેન્ટલ્સ અને ફેન્સીના કારણે આકર્ષક રિટર્ન મળી શકે છે.

Fedbank IPO

ગત સપ્તાહે આઈપીઓની વણઝાર વચ્ચે ગ્રે માર્કેટમાં એકમાત્ર આઈપીઓ કે જેના કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા ન હતાં, એવા ફેડબેન્કનો આઈપીઓ પણ આવતીકાલે લિસ્ટેડ થશે. જેમાં પણ પ્રીમિયમે લિસ્ટિંગની શક્યતા છે. માર્કેટના પોઝિટીવ વલણ અને ફેડબેન્કના આઈપીઓને મળેલ રોકાણકારોનો પ્રતિસાદ અને તેની બિઝનેસ યોજનાઓને અનુરૂપ શેરમાં ટ્રેડિંગ થશે. ફેડબેન્ક ફાઈનાન્સિયલ્સનો આઈપીઓ કુલ 2.24 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શ 1.88 ગણો, એનઆઈઆઈ 1.49 ગણો અને ક્યુઆઈબી પોર્શન 3.48 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.

Flair Writingનો ઈશ્યૂ શુક્રવારે લિસ્ટેડ થશે

ફ્લેર રાઈટિંગના શેર એલોટમેન્ટની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ ચૂકી છે. જેના શેર શુક્રવારે 1લી ડિસેમ્બરે લિસ્ટેડ થશે. ફ્લેર રાઈટિંગના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 304 છે. જેની તુલનાએ ગ્રે માર્કેટમાં 26 ટકા અર્થાત રૂ. 80 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ઈશ્યૂ 49.28 ગણો ભરાયો હતો.