ફીચના US રેટિંગ ડાઉનગ્રેડના ફફડાટે વર્લ્ડ સ્ટોક માર્કેટ્સમાં માતમ, Sensex ઇન્ટ્રા-ડે 1027 પોઈન્ટ અને નિફ્ટી 310 પોઈન્ટ ફસ્ક્યા, રોકાણકારોના રૂ. 3.50 લાખ કરોડ સ્વાહા
સેન્સેક્સ નિફ્ટીની ઇન્ટ્રા-ડે ચાલ એક નજરે
વિગત | સેન્સેક્સ | નિફ્ટી |
ગઇકાલે બંધ | 66459 | 19754 |
ખૂલ્યો | 66064 | 19655 |
વધી | 66262 | 19678 |
ઘટી | 65432 | 19423 |
બંધ | 65783 | 19526 |
ઘટાડો | 677 | 207 |
ઘટાડો | -1.02 ટકા | -1.05 |
અમદાવાદ, 2 ઓગસ્ટઃ ફીચ રેટિંગ્સે અમેરિકાના સોવરિન ક્રેડિટ ગ્રેડમાં ઘટાડો કર્યાનાઅહેવાલોના પગલે વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલીનું વાવાઝોડું ફુંકાયું હતું. જેની અસર ભારતીય શેરબજારો સુધી જોવા મળી હતી.
ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન બીએસઇ સેન્સેક્સ 1027 પોઇન્ટ અને નિફ્ટી 310 પોઇન્ટ ફસકી પડવા સાથે બીએસઇ માર્કેટકેપિટલાઇઝેશન રૂ. 3.50 લાખ કરોડના ધોવાણ સાથે 303.32 લાખ કરોડની સપાટીએ બેસી ગયું હતું. ટેકનિકલી નિફ્ટીએ 19600 પોઇન્ટની સાયકોકોલિજક તેમજ ટેકાની બન્ને સપાટીઓ ગુમાવી છે. સેન્સેક્સે 65500નું લેવલ તોડ્યુ હતું.
ફિચ રેટિંગ્સે અમેરિકાના તેના ઉચ્ચ-સ્તરના સોવરિન ક્રેડિટ ગ્રેડ AAA થી ઘટાડી AA+ કર્યા છે. ફિચના તાજેતરના પગલાએ 2011માં વિશ્વભરના શેરોના કડાકાની ઘટનાને જીવંત કરી છે. જ્યારે S&Pએ રાજકોષિય ખાધની ચિંતાઓને ટાંકીને નકારાત્મક દૃષ્ટિકોણ સાથે યુએસ ક્રેડિટ રેટિંગને AA+ પર ડાઉનગ્રેડ કર્યું હતું. જોકે, બજાર નિષ્ણાતો અને પંડિતો એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે કે, ભારતનો મજબૂત સ્થાનિક ગ્રોથ અને પ્રોત્સાહક Q1 કમાણીની સિઝનને જોતાં, ફિચના આ પગલાની ભારતીય બજારો પર વધુ અસર ન થવાનો અંદાજ છે. જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો. વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, શેરબજારો પર ફીચની અસર નકારાત્મક હોવાની શક્યતા છે પરંતુ તે મોટી નથી કારણ કે યુએસ અર્થતંત્ર હવે નરમ વ્યાજદરો તરફ આગળ વધી રહ્યું છે. જે મંદી તરફ નથી.
મેટલ, એનર્જી, ઓઇલ, પારર, કેપિટલ ગુડ્સ સહિતના સેક્ટોરલ્સમાં મંદી
મેટલ ઈન્ડેક્સ સૌથી વધુ 3 ટકા તૂટ્યો છે. એનર્જી, ઓઈલ એન્ડ પાવર, કેપિટલ ગુડ્સ સહિતના સેક્ટોરલ ઈન્ડેક્સ પણ 2 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3689 સ્ક્રિપ્સ પૈકી 1062 જ સુધારા તરફી ટ્રેડ થઈ રહી છે. બાકીની 2491 સ્ક્રિપ્સ રેડઝોનમાં ટ્રેડેડ છે.
વૈશ્વિક શેરબજારોમાં પણ નરમાઇનું રણશિંગુ ફુંકાયું
નાસ્ડેક 0.43% નીચા અને ડાઉ જોન્સના 0.33%ના ઘટાડા સાથે વોલ સ્ટ્રીટના નબળા સંકેતોને અનુસરી રહ્યા છે. દિવસ દરમિયાન, ફિચ રેટિંગ્સે યુએસ સોવરિન રેટિંગને ડાઉનગ્રેડ કર્યા પછી એશિયાના શેરોમાં ઘટાડો થયો હતો. જાપાનનો નિક્કી અને ચીનનો હેંગસેંગ 2% નીચામાં ટ્રેડ થઈ રહ્યો હતો કારણ કે રોકાણકારો દિવસ પછી યુએસ માર્કેટની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા.