અમદાવાદ, 7 ડિસેમ્બરઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પહેલીવાર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર એક લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનનું સાક્ષી બન્યું છે. 2012માં તેની શરૂઆત થઈ ત્યારથી, એનએસઈ એસએમઈ પ્લેટફોર્મે આપણા દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે સક્ષમ અને ટકાઉ તક પૂરી પાડવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું છે. આજની તારીખે, રૂ. 7,800 કરોડ કરતાં વધુ ફંડ ઊભું કરીને એનએસઈ ઇમર્જ પર 397 કંપનીઓ લિસ્ટ થઈ છે. નિફ્ટી એસએમઈ ઇમર્જ ઇન્ડેક્સ વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં હાલમાં 19 ક્ષેત્રોની 166 કંપનીઓનો સમાવેશ થાય છે, જેમાં નવેમ્બર 2023 સુધી 39.78%નો સીએજીઆર દર્શાવ્યો છે, જે એક નોંધપાત્ર ટ્રેક રેકોર્ડ છે અને આપણા દેશના એકંદર આર્થિક વિકાસમાં એસએમઈ ક્ષેત્રના વધતા યોગદાનને દર્શાવે છે.

આ વર્ષની શરૂઆતમાં, એનએસઈએ તેના મેઇનબોર્ડ પ્લેટફોર્મ પર એસએમઈ લિસ્ટેડ કંપનીઓના માઇગ્રેશન અંગેના એનએસઈ ઇમર્જ માપદંડને મજબૂત બનાવ્યો હતો જેથી નિયમનકારી અનુપાલનોના વ્યાપક લર્નિંગ કર્વ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓને પ્રોત્સાહન મળે. હાલમાં, 138 કંપનીઓ એનએસઈ મેઈનબોર્ડ પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત થઈ છે.

એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે, “એનએસઈ ઇમર્જ લિસ્ટેડ કંપનીઓ એક લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશનો આંક પાર કરે તે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ ભારતીય એમએસએમઈની છુપાયેલી સંભાવના દર્શાવે છે જે આપણા દેશના આર્થિક વિકાસનું પ્રેરક બળ છે. અમે એનએસઈ ખાતે આવનારી સંસ્થાઓ માટે તેમની વૃદ્ધિની વાર્તાઓને રજૂ કરવા અને મૂડી બજારોને વધુ સુલભ બનાવવા માટે ફંડ ઊભુ કરવાની તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ભારતીય એમએસએમઈને એનએસઈ ઇમર્જ દ્વારા મૂડી એકત્ર કરવાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવા વિનંતી કરીએ છીએ.”