અમદાવાદ, 15 ડિસેમ્બરઃ દેશની વેપાર ખાધ નવેમ્બરમાં ઘટી $20.58 અબજે પહોંચી છે. આ ઘટાડો મુખ્યત્વે આયાતમાં 4.3% ઘટાડાને કારણે થયો હતો, જે અગાઉના વર્ષના સમાન મહિનાના $56.95 અબજની તુલનાએ આ વર્ષે કુલ $54.48 અબજ નોંધાઈ છે. તેનાથી વિપરિત, નિકાસમાં 2.8%ના હળવુ સંકોચન જોવા મળ્યું છે. જે $33.90 અબજ નોંધાઈ છે. જે ગતવર્ષે  $34.89 અબજ હતી.

ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી નવેમ્બર દરમિયાન નિકાસ 6.51 ટકા ઘટી 278.8 અબજ ડોલર અને આયાત 8.67% ઘટી $445.15 અબજ નોંધાઈ છે.

કોમર્શિયલ સેક્રેટરી સુનીલ બર્થવાલે વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે તેની સ્થિતિસ્થાપકતા જોતાં ભારતની નિકાસ કામગીરી અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઑક્ટોબરમાં, મર્ચેન્ડાઇઝ નિકાસમાં 6.21%નો નોંધપાત્ર વધારો થયો હતો, જે $33.57 અબજ સુધી પહોંચ્યો હતો.

નોંધનીય છે કે આ સકારાત્મક વલણ હોવા છતાં, વેપાર ખાધ સમાન સમયગાળા માટે $31.46 અબજની ટોચે પહોંચી છે. બર્થવાલે ઑક્ટોબરના ટ્રેડ નંબરોને “ગ્રીન શૂટ” તરીકે દર્શાવ્યા હતા, જે આઉટબાઉન્ડ શિપમેન્ટમાં રિકવરીના સંકેત આપે છે.

“મને આશા છે કે કોમોડિટીના ભાવમાં ઘટાડો નોંધાતા સકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે પરંતુ અમે વૈશ્વિક સ્થિતિની રાહ જોઈ રહ્યા છીએ.”

હાલમાં, નિકાસ ક્ષેત્ર ભૌગોલિક રાજકીય પરિબળો ઉપરાંત વધતો ફુગાવો, અદ્યતન અર્થતંત્રોમાં આર્થિક મંદી, રશિયા-યુક્રેન સંઘર્ષ, ચીન અને તાઇવાન વચ્ચે તણાવ, ચીન-યુએસ સંબંધો અને ચાલુ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે.

ફેબ્રુઆરીથી જુલાઈ સુધી દેશની નિકાસમાં મંદી જોવા મળી હતી. વાણિજ્ય મંત્રાલય દ્વારા આંકડાઓના પુનઃમૂલ્યાંકન બાદ ઓગસ્ટમાં શિપમેન્ટમાં 3.88 ટકા હકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, સપ્ટેમ્બરમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) એ વર્ષ 2023 માટે વૈશ્વિક વેપારમાં સામાન્ય 0.8 ટકા વૃદ્ધિની આગાહી કરી છે.