કોઇપણ રોકાણકાર માટે વાસ્તવિક નાણાકીય લક્ષ્ય નિર્ધારિત કરવું સફળ રોકાણની દિશામાં પ્રથમ પગલું છે. તમને સતત વળતર આપે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી મહત્વપૂર્ણ છે ત્યારે લાંબાગાળે ઉત્કૃષ્ટ પરિણામના લક્ષ્ય સાથે જોડાયેલા જોખમો પણ સમજવા ખૂબજ આવશ્યક છે. ટૂંકાગાળાથી લઇને લાંબાગાળા સુધીના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ અપનાવી શકાય, જેમાં વિવિધ એસેટ ક્લાસમાં પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાં રોકાણ કરી શકાય છે. લાંબાગાળે સંપત્તિ સર્જનના લક્ષ્યાંકો હાંસલ કરવા ઇચ્છુક રોકાણકારો ફ્લેક્સી-કેપ તરફ નજર દોડાવી શકે છે.

ફ્લેક્સી-કેપ ફંડ્સ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સ છે, જે કુલ એસેટના ઓછામાં ઓછા 65 ટકા વિવિધ માર્કેટ કેપટિલાઇઝેશન એટલે કે લાર્જ-કેપ, મીડ-કેપ અથવા સ્મોલ-કેપ કંપનીઓની ઇક્વિટી એસેટમાં રોકાણ કરે છે. યુટીઆઇ ફ્લેક્સી કેપ ફંડ આ કેટેગરીમાં સૌથી જૂના ફંડ્સ પૈકીનું એક છે (વર્ષ 1992માં લોંચ કરાયું હતું) અને તે સાતત્યપૂર્ણ પ્રદર્શનનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આ ફંડે મે 2022માં સંપત્તિ સર્જનના 30 વર્ષ પૂર્ણ કર્યાં છે તથા તે વર્ષ 1992થી માર્કેટની ઉથલપાથલમાંથી આગળ વધ્યું છે. આ ફંડ પાસે રૂ. 26,100 કરોડથી વધારે છે અને 18.80 લાખથી વધુ વિશ્વાસપાત્ર (30 નવેમ્બર, 2022 સુધીમાં) રોકાણકાર છે. યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડની ઓફરિંગ કોઇપણ લાંબાગાળાના રોકાણકાર માટે આદર્શ છે કે જેઓ ઓવા ફંડ શોધી રહ્યાં છે, જે રોકાણકારો માટે મૂલ્યનું સર્જન કરતાં ગુણવત્તાયુક્ત વ્યવસાયોમાં રોકાણ કરવાનો પ્રયાસ કરે છે.

યુટીઆઇ ફ્લેક્સી કેપ ફંડના રોકાણનો ખ્યાલ ક્વોલિટી, ગ્રોથ અને વેલ્યુએશન એમ ત્રણ પિલ્લર્સ આધારિત છે. પોર્ટફોલિયો એવાં વ્યવસાયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં લાંબાગાળે મજબૂત વૃદ્ધિ દર્શાવવાની ક્ષમતા હોય તથા અનુભવી મેનેજમેન્ટ કંપનીનું સંચાલન કરતાં હોય.

“ગુણવત્તા” વ્યવસાયની લાંબાગાળે ઊંચા રિટર્ન ઓન કેપિટલ એમ્પલોઇડ (આરઓસીઇ) અથવા રિટર્ન ઓન ઇક્વિટી (આરઓઇ) જાળવી રાખવાની ક્ષમતા પ્રદર્શિત કરે છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વ્યવસાયો એવાં છે કે જેઓ તેમના ઉદ્યોગો અથવા સેક્ટરના મૂશ્કેલ સમયમાં પણ ઊંચા આરઓસીઇ અને આરઓઇ હાંસલ કરવાની ક્ષમતા રાખે છે તેમજ હંમેશા તેમના મૂડી ખર્ચ કરતાં વધુ ઓપરેટ કરે છે. સામાન્ય રીતે ઉચ્ચ આરઓસીઇ-આરઓઇ ધરાવતા વ્યવસાયો મજબૂત રોકડ પ્રવાહ પેદા કરવા સક્ષમ રહે છે તથા આ મજબૂત રોકડ પ્રવાહ આર્થિક મૂલ્ય નિર્માણનો સ્રોત બને છે.

બીજી તરફ “ગ્રોથ” વ્યવસાયની લાંબાગાળે વૃદ્ધિ સૂચવે છે. આ ફંડ એવાં વ્યવસાય ઉપર ભાર મૂકે છે કે જે સાઇકલિકલ અને વોલેટાઇલ ગ્રોથ નહીં, પરંતુ સ્થિર અને અંદાજિત વૃદ્ધિ ધરાવતા હોય. સાઇકલિકલ અથવા ડી-ગ્રોથ ખૂબજ તીવ્ર અને અણધાર્યો હોઇ શકે છે તથા તે રોકાણકારને જબરદસ્ત વધઘટથી આશ્ચર્યમાં મૂકી શકે છે. બીજી તરફ સ્થિર વૃદ્ધિ ધરાવતા વ્યવસાયોની લાંબાગાળાની કામગીરી અને ભાવિ પરિણામો વિશે વધુ સચોટ અંદાજ લગાવી શકાય છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વ્યવસાયો આર્થિક મૂલ્યનું સર્જન કરે છે તેમજ ઉચ્ચ વૃદ્ધિ આર્થિક મૂલ્યના ચક્રવૃદ્ધિને સક્ષમ કરે છે. આથી ગુણવત્તા અને વૃદ્ધિનું સંયોજન ધરાવતા સ્ટોકની પસંદગી ઉપર વધુ ધ્યાન અપાય છે.

ફંડના રોકાણના ખ્યાલમાં છેલ્લો આધારસ્તંભ “વેલ્યુએશન” છે. મોટા વ્યવસાયમાં એન્ટ્રી પોઇન્ટ તરીકે મેટ્રિક મહત્વપૂર્ણ પાસું છે અને તેથી કોઇપણ સ્ટોક ખરીદતાં પહેલાં વ્યક્તિએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઇએ. પ્રાઇઝ ટુ અર્નિંગ્સ (પીઇ) મલ્ટીપલ વ્યવસાયના વેલ્યુએશનને સમજવા માટેનો સારો માર્ગ છે, પરંતુ તે વ્યાપકપણે ખોટી રીતે સમજાયેલી ટેકનીક પણ છે. પીઇ કંપનીના લાંબાગાળે રોકડ પ્રવાહ પેદા કરવા અને મૂલ્ય સર્જનની ક્ષમતાઓનું ટૂંકું મેટ્રિક છે. જોકે, ઉચ્ચ આરઓસીઇ અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતો વ્યવસાય લાંબાગાળે વધુ મૂલ્ય બનાવે છે તથા ગાણિતિક રીતે ઉચ્ચ પીઇને પાત્ર રહેશે. તે લાંબાગાળાના રોકાણકારો માટે આકર્ષક રહેશે કે જેઓ વ્યવસાયના ફંડામેન્ટલને આધારે રોકાણ કરશે, નહીં કે આગામી થોડાં મહિના અથવા ત્રિમાસિકગાળામાં તેનું પ્રદર્શન કેવું રહેશે. આથી માત્ર પીઇને આધારે નિર્ણય કરતાં પહેલાં રોકાણકારે પ્રત્યેક વ્યવસાયની લાક્ષણિકતાનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઇએ અને ત્યારબાદ વાજબી વેલ્યુએશન નક્કી કરવું જોઇએ. પીઇ જે દર્શાવે તેનાથી વધુ છુપાવે છે તથા હંમેશા આરઓસીઇ, વ્યવસાયમાં ફરીથી રોકાણની તક અને ફ્રી કેશ ફ્લોના સંદર્ભમાં તેને ધ્યાનમાં લેવું જોઇએ.

આ ફંડ રોકાણની ગ્રોથ સ્ટાઇલને અનુસરતાં વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ કરે છે. સ્કીમનું સૌથી વધુ હોલ્ડિંગ એલએન્ડટી ઇન્ફોટેક લિમિટેડ, આઇસીઆઇસીઆઇ બેંક લિમિટેડ, બજાજ ફાઇનાન્સ લિમિટેડ, ઇન્ફોસિસ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, એવન્યુ સુપરમાર્કેટ્સ લિમિટેડ, એચડીએફસી લિમિટેડ, ઇન્ફો-એજ (ઇન્ડિયા) લિમિટેડ વગેરે છે, જેઓ 30 નવેમ્બર, 2022 સુધીમાં પોર્ટફોલિયોમાં આશરે 44 ટકા હિસ્સેદારી ધરાવે છે.

યુટીઆઇ ફ્લેક્સી કેપ ફંડ એવાં ઇક્વિટી રોકાણકારો માટે આદર્શ છે કે જેઓ કોર ઇક્વિટી પોર્ટફોલિયોની રચના કરવા ઇચ્છુક હોય અને ગુણવત્તાયુક્ત વ્યવસાયમાં રોકાણ કરીને લાંબાગાળે મૂડીમાં વૃદ્ધિ કરવા માગતા હોય. સાધારણ જોખમ સાથે ઓછામાં ઓછા 5થી7 વર્ષ સુધી રોકાણ દ્વારા લાંબાગાળાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા ઇચ્છુ રોકાણકારો આ ફંડમાં રોકાણનો વિચાર કરી શકે છે.