અમદાવાદ, 9 જાન્યુઆરીઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નેધરલેન્ડની 45 જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ડચ કંપનીઓ 3.6 અબજ યુરોનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હાલ ભારતમાં 300 ડચ બિઝનેસ કાર્યરત છે. જ્યારે 250 ભારતીય કંપનીઓ નેધરલેન્ડમાં ઓફિસ ધરાવે છે.

આ શિખર સંમેલનમાં પાર્ટનર કન્ટ્રી તરીકે સતત ચોથી વખત ભાગ લઈ રહેલો નેધરલેન્ડ્સ એક કન્ટ્રી સેમિનારનું આયોજન કરી રહ્યો છે, જેમાં ભાગ લઈ રહેલી ડચ કંપનીઓ સંવાદો કરશે તથા તેમના ઉત્પાદનો અને સેવાઓને રજૂ કરશે. વધુમાં આ શિખર સંમેલન દરમિયાન ‘ન્યૂ બિઝનેસ એરીયાઝ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ફૉર લૉકલ પાર્ટનર્શિપ’ અને ‘પાર્ટનરિંગ ફૉર વેલ્યૂ ક્રીયેશન થ્રૂ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી’ નામના નેધરલેન્ડ્સના બે સેમિનારો સિવાય પોર્ટ-લેડ સિટી ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર્સ, અંતરીક્ષ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં યોજાનારા અન્ય ક્ષેત્રીય સેમિનારોમાં પણ ડચ પ્રતિનિધિઓ હાજર રહેશે.

નેધરલેન્ડ્સના એમ્બેસેડર મારિસા જેરાર્ડ્સે જણાવ્યું હતું કે, અમારુ મુખ્ય ફોકસ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, સમુદ્રી ક્ષેત્ર અને લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ, આઇટી, સેમિકન્ડક્ટર્સ અને સર્વિસિઝ સહિતના સેગમેન્ટ પર રહેશે. છેલ્લાં એક દાયકામાં નેધરલેન્ડ્સ અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અમારો ઉદ્દેશ્ય વિવિધ પ્રકારના ઈનોવેટિવ ઉકેલો અને સસ્ટેનેબલ પ્રેક્ટિસમાં સહકાર સાધવાની શક્યતાઓ વિશે જાણકારી મેળવીને ભવિષ્યમાં અભૂતપૂર્વ તકો માટેનો માર્ગ મોકળો કરવાનો છે.’

ભારતમાં નેધરલેન્ડ્સનું એફડીઆઈ 19855 કરોડનું

નેધરલેન્ડ્સે 2022-23માં 2498 અબજ યુએસ ડોલર (રૂ. 19855 કરોડ)નું એફડીઆઈ ભારતમાં કર્યું હતું. આ સાથે તે દેશનો પાંચમો સૌથી મોટો વિદેશી રોકાણકાર દેશ છે. ભારત અને નેધરલેન્ડ્સે કૃષિ, આરોગ્ય, સમુદ્રી ક્ષેત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, આબોહવા અને ઊર્જા તથા નવીનીકરણ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર સાધ્યો છે. નેધરલેન્ડ્સ વિજ્ઞાન અને R&D ઉપરાંત વૉટર મેનેજમેન્ટમાં અગ્રેસર હોવાથી બંને દેશ પાણીના મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ વ્યૂહાત્મક સહભાગીદારી કરવા પર કામ કરી રહ્યાં છે.

નેધરલેન્ડ્સ બિઝનેસ સપોર્ટ ઑફિસમાં ભારતના મુખ્ય પ્રતિનિધિ અમલાન બોરાએ જણાવ્યું હતું કે, ‘ભારતના આર્થિક વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપનારા પ્રમુખ રાજ્ય ગુજરાતમાં છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન ડચ બિઝનેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવી પ્રમુખ કંપનીઓમાં કંડલામાં આવેલા વોપાક, પિપાવાવમાં આવેલ એપીએમટી, હઝીરામાં આવેલ શેલ, ગુજરાતના બે સ્થળોએ આવેલી ડીએસએમ, ભાવનગરમાં સ્થપાવા જઈ રહેલી બોસકાલિસનો સમાવેશ થાય છે, વળી અમદાવાદમાં નેડસ્પાઇસ, રોલેપાલ, ગેટવે ગ્રૂપ, બ્રાઇટનેસ ગ્રૂપ, દેવરીપબ્લિક, ટ્રોલેબૉર્ગ અને એપીએમટીની પણ ઑફિસો આવેલી છે.’