યોગી ઑટો કૅરે ઓવરલેન્ડર્સ બ્રાન્ડ હેઠળ કેમ્પર વેન ઓન રેન્ટ સર્વિસ શરૂ કરી
ગુજરાતમાં કેરેવેન ટુરિઝમ માર્કેટમાં પગદંડો જમાવવા માટે આગામી 3 વર્ષમાં રૂ. 3 કરોડનું રોકાણ કરવાની યોજના
અમદાવાદ: ગુજરાતમાં યુવાનોની હરવાફરવાની આકાંક્ષાઓને પૂરી કરવાના ઉદ્દેશ્યથી બે દાયકા જૂની કંપની યોગી ઑટો કૅરે વૈભવી કેમ્પર વેન ભાડે આપવાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. રૂ. 60 લાખના પ્રારંભિક રોકાણની સાથે આ કંપની સંપૂર્ણપણે સજ્જ વૈભવી કેમ્પર વેનને ભાડે આપશે.
ઓવરલેન્ડર્સ કેમ્પરવેન એ હરતોફરતો અત્યાધુનિક વૈભવ છે. આ કેરાવેન આરામદાયક ક્વિન-સાઇઝના બેડ, મોટર વડે સંચાલિત થતાં સોફા-કમ-બેડ, એક બાથરૂમ શૉવર, વૉશરૂમ, ગીઝર, એર કન્ડિશનર, મૂડ લાઇટિંગ, ઑટોમેટેડ બ્લાઇન્ડ્સ, ફ્રિજ ધરાવતી ડ્રાય પેન્ટ્રી, માઇક્રોવેવ અને ઇલેક્ટ્રિક કીટલી, સેન્ટર-ટેબલ, સાઉન્ડ-પ્રૂફ ઇન્ટીરિયર્સ, સાઉન્ડ બારની સાથે સ્માર્ટ ટીવી, ઑટોમેટેડ ફૂટસ્ટેપ્સ, સ્ટોરેજની જગ્યા, શૅડ્સ, વાઈ-ફાઈ કનેક્ટિવિટી, પાવર બૅક-અપ જનરેટર તથા સીસીટીવી કેમેરા, જીપીએસ ટ્રેકિંગ જેવી ટેકનોલોજી પર આધારિત સુરક્ષા વિશેષતાઓ અને વળી અગ્નિશામક જેવી સુવિધાઓથી પણ સજ્જ છે.
યોગી ઑટો કૅર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શશિન શાહે જણાવ્યું કે, ઓવરલેન્ડર્સ એ ગુજરાતમાં વૈભવી કેમ્પરવેનના માર્કેટમાં ઘણી વહેલી પ્રવેશ કરનારી બ્રાન્ડ છે. યુવાનોને રોડ ટ્રિપ્સ અને હાઇકિંગ તથા કેમ્પિંગ ટ્રિપ્સ અત્યંત પ્રિય છે. અમે કેમ્પરવેન સેવા મારફતે આ પ્રકારના કેમ્પિંગ અને રોડ ટ્રિપ્સમાં થોડું લાવણ્ય અને વૈભવ ઉમેરવા માંગીએ છીએ. હાલમાં જ ગુજરાત સરકારે પણ ગુજરાતમાં કેરેવેન ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રોત્સાહનો અને આંતરમાળખાકીય વિકાસ કરવાની જાહેરાત કરી હતી.
રૂ. 3 કરોડના રોકાણ સાથે 50% માર્કેટશેર મેળવવાની યોજના
ઓવરલેન્ડર કેમ્પરવેન રૂ. 27,000/- + જીએસટીથી શરૂ કરીને ભાડે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં ફ્યુઅલ, મેઇન્ટેનન્સ અને ડ્રાઇવરના ખર્ચનો પણ સમાવેશ થઈ જશે. કેમ્પરવેન એકથી વધારે દિવસો/એક દિવસ માટે ટ્રિપ પર જતાં ચારથી છ લોકો માટે આદર્શ છે. પ્રવાસીઓ માટે વિશેષ ટુર પેકેજિસ પણ તૈયાર કરશે, જે તેમને પ્રવાસનો એક અલાયદો અનુભવ પૂરો પાડશે. યોગી ઑટો કૅર એ અમદાવાદમાં છેલ્લાં બે દાયકાથી કાર મેઇન્ટેનન્સ સર્વિસિઝ બિઝનેસમાં એક મોખરાનું નામ છે. શશિન શાહે જણાવ્યું કે, અમે અમારી હાલની કેમ્પરવેનને કસ્ટમાઇઝ કરવા અને વિકસાવવા પાછળ રૂ. 60 લાખનું રોકાણ કરી ચૂક્યાં છે અને અમારો ઉદ્દેશ્ય ટૂંક સમયમાં આવી જ બીજી એક કેમ્પરવેનને લૉન્ચ કરવાનો છે. આ પ્રોજેક્ટ બાદ અમારું કુલ રોકાણ રૂ. 3 કરોડની આસપાસ થઈ જશે. આ સાથે જ, અમારો ઉદ્દેશ્ય ગુજરાતમાં કેરેવેન ટુરિઝમ રેન્ટલ સેગમેન્ટમાં ઓછામાં ઓછો 50%નો હિસ્સો હાંસલ કરવાનો છે, જે હાલમાં મોટેભાગે રાજ્યની બહારના પ્લેયરો પર નિર્ભર છે.