અમદાવાદ, 29 ઓગસ્ટ: અદાણી જૂથની કંપનીઓમાં હિન્ડનબર્ગ અહેવાલના પગલે શોર્ટ સેલિંગની વહેતી ગંગામાં હાથ ઝબોળી લઇને ’પૂણ્ય’ કમાઇ ’લેવાની જેમ અમેરીકી શોર્ટ સેલર હિન્ડનબર્ગ રીપોર્ટ બાદની તપાસમાં ધીમે ધીમે નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. ટોચના શોર્ટ સેલર્સમાં બે ભારતીય કંપનીઓ પણ છે જેમના પ્રમોટર સામે સેબીએ રોકાણકારોને ગેરમાર્ગે દોરવા અને શેરબજારમાં હેરાફેરી કરવા માટે જવાબદાર ઠરાવી આદેશ કર્યો છે. આ ભારતીય કંપનીઓ એક નવી દિલ્હીની છે અને એક મુંબઇમાં નોંધાયેલી છે.

હિડનબર્ગના ગત જાન્યુઆરીમાં આવેલા રીપોર્ટ અને ત્યારબાદ માર્કેટમાં સર્જાયેલી અફડાતફડી બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટએ હાથ ધરેલી પ્રાથમિક પ્રાથમિક તપાસમાં ટેક્ષ હેવન દેશોમાં સ્થિત વિદેશી પોર્ટફોલિઓ ઇન્વેસ્ટર્સ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs/ FIIs) સહીત એક ડઝન કંપનીઓએ અદાણી સમૂહની કંપનીઓના શેરમાં શોર્ટ સેલીંગ કરી ’ટોચના લાભાર્થી’ બની હોવાનું મડિયા જગતમાં ચર્ચાઇ રહ્યું છે.   

ગત જુલાઈમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે તેની તપાસના તારણો શેર કરનાર ઇડીના જણાવ્યા મુજબ આમાંના કેટલાક શોર્ટ સેલર્સે ગત તા.૨૪ જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયાના ફક્ત ૨-૩ દિવસ પહેલા જ કથિત રીતે પોઝિશન લીધી હતી જ્યારે અન્ય કેટલાક  પ્રથમ વખત ટૂંકી પોઝિશન લઈ રહ્યા હતા. સ્થાનિક રોકાણકારો તેમજ SEBI સાથે નોંધાયેલા ફોરેન પોર્ટફોલિઓ ઇન્વેસ્ટર્સ (FPI) અને ફોરેન ઇન્સ્ટિટયુશન ઇન્વેસ્ટર્સ(FII)ને ડેરિવેટિવ્ઝ એટલે કે એવા સાધનો કે જે રોકાણકારોને ટૂંકી પોઝિશન લઈને બજારના જોખમોને હેજ કરવાની અને વેપાર કરવાની છૂટ આપેે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૨ પૈકીની ત્રણ સંસ્થાઓ ભારત સ્થિત છે (એક વિદેશી બેંકની ભારતીય શાખા છે); ચાર મોરેશિયસમાં અને એક ફ્રાન્સ, હોંગકોંગ, કેમેન આઇલેન્ડ, આયર્લેન્ડ અને લંડનમાં સ્થિત છે. તેઓએ કહ્યું છે કે કોઈપણ એફપીઆઇ/એફઆઇઆઇએ આવકવેરા સત્તાવાળાઓ સમક્ષ તેમની માલિકીનું માળખું જાહેર કર્યું નથી. ઉદાહરણ તરીકે એક જુલાઈ ૨૦૨૦માં સામેલ કરવામાં આવી હતી, અને નવાઇ એ વાતની છે કે તેણે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી કોઈ વેપારી કામકાજ કર્યુ નહોતું કે તેની પાસે  આવું કોઇ કામકાજ હતું, સપ્ટેમ્બર ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધીના છ મહિનાના ટૂંકા ગાળામાં રૂ.૩૧,000 કરોડના ટર્નઓવર પર રૂ.૧,૧00 કરોડની આવકનો દાવો કર્યો હતો.

ભારતમાં બેંક તરીકે કાર્યરત અન્ય વૈશ્વિક નાણાકીય સેવા સમૂહે માત્ર રૂ.૧૨૨ કરોડની કમાણી કરી હતી, પરંતુ FII તરીકે કોઈપણ આવકવેરા વગર “રૂ.૯,૭૦૦ કરોડની ’’ધરખમ આવક” રળી હતી. ડઝન ‘ટોચના લાભાર્થીઓ’ પૈકીની એક કેમેન આઇલેન્ડ્સ FIIની મૂળ કંપનીને ઇનસાઇડર ટ્રેડિંગ માટે દોષિત ઠરી હતી અને તેણે અમેરીકામાં યુએસ $૧.૮ બિલિયનનો દંડ ચૂકવ્યો હતો. વાસ્તવમાં આ FPIએ ૨૦ જાન્યુઆરીએ અદાણી ગ્રૂપની સ્ક્રીપ્સમાં ટૂંકી પોઝિશન લીધી હતી અને ૨૩ જાન્યુઆરીએ તેને વધુ વધારી હતી. અન્ય મોરેશિયસ સ્થિત ફંડે ૧૦ જાન્યુઆરીએ પહેલીવાર શોર્ટ પોઝિશન લીધી હતી.

ઇડીને “ચોક્કસ પક્ષો દ્વારા સંભવિત ઉલ્લંઘનકારી વેચાણ” જણાયું હતું

અદાણી ગૃપ સંબંધી કથિત આંતરિક વેપાર વિષયક નિયમનકારી નિષ્ફળતાની તપાસ કરવા માટે માર્ચમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી છ સભ્યોની નિષ્ણાત સમિતિ સમક્ષ  ઇડીએ અગાઉ તેના દ્વારા એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતી અને વિશ્લેષણ રજૂ કર્યા હતા. વાસ્તવમાં ૬ઠ્ઠી મેના રોજ સુપ્રીમ કોર્ટને સુપ્રત કરેલા તેના ૧૭૩ પાનાના અંતિમ અહેવાલમાં નિષ્ણાત સમિતિએ કહ્યું હતું કે  ઇડીને “ચોક્કસ પક્ષો દ્વારા સંભવિત ઉલ્લંઘનકારી વેચાણ” જણાયું હતું અને તે ભારતીય બજારોની અસ્થિરતા તરફ દોરી જઇ શકે છે.

સેબીએ ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆતમાં  જણાવ્યું છે કે ૨૨ તપાસ અહેવાલો આખરી છે અને બે અહેવાલ વચગાળાના છે. જ્યારે એક સેબીના લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણોના ઉલ્લંઘન સાથે સંબંધિત છે, જ્યારે અન્ય ટ્રેડિંગ પેટર્ન અથવા અદાણી ગ્રૂપની કંપનીઓમાં અમુક એન્ટિટીની ટૂંકી સ્થિતિની તપાસ સાથે સંબંધિત છે. હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશન સમયે આ બાબતો શું અસામાન્ય હતી  એ શોધવાનો સેબીએ પ્રયાસ કર્યો છે. તપાસનો સમયગાળો જાન્યુઆરી તા.૧૮ થી-૩૧ દરમિયાનનો હતો. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તે તપાસમાં સક્રીય રીતે  આગળ વધી રહી છે અને તે બહારની એજન્સીઓ/એન્ટિટીઓની માહિતી મળવાની રાહ જોઈ રહી છે. અગાઉ ઇડીએ તેની તપાસના નિષ્કર્ષ નિષ્ણાત સમિતિને આપ્યા હતા અને હવે તેણે સેબીની સાથે શેર કર્યા છે. અને તે એ છે કે વ્યવહારો અને આવકવેરાનો ડેટા એફપીઆઇ અને એફઆઇઆઇ શોર્ટ સેલીંગથી થયેલા લાભના “અંતિમ લાભાર્થી” ન હોવાની શક્યતાને ઉજાગર કરે છે એટલું જ નહીં, પરંતુ વાસ્તવમાં વિદેશમાં સ્થિત મોટા ખેલાડીઓ માટે દલાલ તરીકેની ભૂમિકામાં પણ કામ કરે છે.