ભારતમાં ઈસ્ટોનિયાના રાજદૂત સાથે વેપારની તકો અંગે GCCI ખાતે મુલાકાત
અમદાવાદ, 18 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારત ખાતેના ઈસ્ટોનિયાના રાજદૂત સુશ્રી કેટરીન કિવી અને તેમની ટીમ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો અને ઈસ્ટોનિયા અને ગુજરાત વચ્ચે સંભવિત વેપાર અને રોકાણની તકો શોધવાનો હતો. GCCIના સભ્યોએ ઈસ્ટોનિયા સાથેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે વિવિધ વ્યાપારિક સહયોગ માટેની તકોની જાણકારી મિટિંગ દરમ્યાન મેળવી હતી. GCCIના પ્રમુખ પથિક પટવારીએ સ્ટાર્ટ-અપ્સ, આઈટી અને આઈટી-સક્ષમ સેવાઓમાં GCCI ના સભ્યો માટે વેપાર ઉદ્યોગોની તકો માટે રસ દાખવ્યો હતો અને આ મિટિંગમાં ટેકનોલોજી, ઈ-ગવર્નન્સ, સાયબર સુરક્ષા, લોજિસ્ટિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા સહકારના સંભવિત ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી. માર્ગુસ સોલન્સન દ્વારા કરવેરા પ્રણાલી, કોર્પોરેટ કાયદાઓ, ઈસ્ટોનિયામા લગભગ શૂન્ય અમલદારશાહી, ઈસ્ટોનિયાના ભૌગોલિક-વ્યૂહાત્મક સ્થાનના ફાયદા અને વ્યવસાયના સેટઅપ માટે ઈસ્ટોનિયાના જીવન નિર્વાહ માટે તુલનાત્મક રીતે ઓછી કિંમત વિશે સમજાવ્યું હતું.