સેન્સેક્સ 63000 સાયકોલોજિકલ ક્રોસ, નિફ્ટીએ 2023માં પહેલીવાર 18700 ક્રોસ કરી
અમદાવાદ, 7 જૂનઃ આરબીઆઈની નાણાકીય નીતિની સમીક્ષા બેઠક અગાઉ આજે ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાઇ રહેવા સાથે બીએસઇ સેન્સેક્સે 63000ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી તો ચાલુ કેલેન્ડર વર્ષમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી-50એ પહેલીવાર 18700ની સપાટી વટાવી હતી. મેટલ, કેપિટલ ગૂડઝ, રિયલ્ટી, પાવર અને ઓઈલ-ગેસ શેરોની આગેવાનીમાં તેજી આગળ વધી હતી.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્ટિમેન્ટ સાર્વત્રિક સુધારાનું
વિગત | કુલ | સુધારો | ઘટાડો |
સેન્સેક્સ | 30 | 24 | 6 |
બીએસઇ | 3698 | 2295 | 1267 |
શેરબજારમાં તેજી પાછળનું મુખ્ય કારણ ડિમાન્ડમાં વધારો, વેચાણમાં વૃદ્ધિ અને સારા ડેટા છે. ભારતના ફંડામેન્ટલ્સ ઘણા મજબૂત જણાતા હોવાથી શેરબજારમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. જોકે, બજાર સામે હજી પણ વૈશ્વિક મંદી, અલ નિનો ઈફેક્ટ, સામાન્યથી ઓછા વરસાદની શક્યતા જેવા નકારાત્મક પાસાની પણ શક્યતા છે કે જે બજારની તેજીમાં અવરોધ સર્જી શકે છે. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો હવે વ્યાજદર વધારાની સાયકલ પર બ્રેક મારે તેવી શક્યતા સર્જાતા બજારમાં પોઝિટિવ વલણ સર્જાયું છે. BSE સેન્સેક્સ 63,196.43 અને 62,841.95 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 350.08 પોઈન્ટ્સ વધીને 63142.96 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. નિફ્ટી 18,730.10 અને 18,636.00 પોઈન્ટ્સની રેન્જમાં રહ્યા બાદ 127.40 પોઈન્ટ્સના ઉછાળા સાથે 18726.40 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
મેટલ, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ, એનર્જી, હેલ્થકેરમાં તંદુરસ્તી
આજે બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ મેટલ, કેપિટલ ગૂડઝ, રિયલટી, પાવર, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ-ગેસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. આજે બીએસઈ પર તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.09 ટકા અને 1.15 ટકા વધીને બંધ રહ્યા હતા.