લોનધારકો આનંદો!! રેપોરેટ 6.50 ટકા યથાવત્
RBIએ સતત બીજી વખત લોન લેનારાઓને રાહત, જોકે ઊંચા ફુગાવાનું જોખમ
નવી દિલ્હી, 8 જૂનઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ અપેક્ષા મુજબ સતત બીજી દ્વિમાસિક બેઠકમાં નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે હોમલોન, કાર લોન, પર્સનલ લોન તેમજ કોર્પોરેટ લોન્સ સહિતની તમામ લોનના ધારકોમાં રાહતની લાગણી ફેલાઇ છે કે, આરબીઆઇને ફોલો કરવા સાથે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ વ્યાજદરમાં વધારો નહિં કરે.
MPCની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દલાલ સ્ટ્રીટ અને અર્થશાસ્ત્રીઓ પહેલેથી જ આની અપેક્ષા રાખતા હતા. નાણાકીય નીતિ સમિતિની બેઠક 6,7 અને 8 જૂનના રોજ યોજાઈ હતી.
3 વર્ષમાં રેપોરેટમાં 250 બીપીએસનો જંગી વધારો
તારીખ | Repo Rate |
8-5-2023 | 6.5% |
06-04-2023 | 6.50% |
08-02-2023 | 6.50% |
07-12-2022 | 6.25% |
30-09-2022 | 5.90% |
05-08-2022 | 5.40% |
08-06-2022 | 4.90% |
04-05-2022 | 4.40% |
08-04-2022 | 4.00% |
10-02-2022 | 4.00% |
08-12-2021 | 4.00% |
09-10-2021 | 4.00% |
06-08-2021 | 4.00% |
04-06-2021 | 4.00% |
07-04-2021 | 4.00% |
05-02-2021 | 4.00% |
04-12-2020 | 4.00% |
09-10-2020 | 4.00% |
06-08-2020 | 4.00% |
22-05-2020 | 4.00% |
એપ્રિલમાં પણ પોલિસી રેટમાં કોઈ ફેરફાર થયો નથી
અગાઉ એપ્રિલ 2023માં મળેલી MPCની બેઠકમાં રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈના આ નિર્ણયથી દલાલ સ્ટ્રીટ અને અર્થશાસ્ત્રીઓને આશ્ચર્ય થયું હતું. સેન્ટ્રલ બેન્કે મે 2022-ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો હતો.
નાણાકીય વર્ષ 2023-24માં 6.5% જીડીપી વૃદ્ધિનો અંદાજ
શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છે. આરબીઆઈનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર 8 ટકા રહી શકે છે. તે જ સમયે, બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા પર રહી શકે છે. ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 5.7 ટકા રહી શકે છે. રેપો રેટમાં વધારો ન થવાના કિસ્સામાં અથવા નરમાઈના કિસ્સામાં, બેન્કો વ્યાજ દરો સ્થિર રાખે છે અથવા તેને ઘટાડે છે. આનાથી લોન લેનારાઓને રાહત મળે છે. અગાઉ આરબીઆઈએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યા બાદ બેન્કોએ પણ વ્યાજદરમાં નોંધપાત્ર વધારો કરતાં લોનધારકોના ખિસ્સા પર બોજો વધ્યો હતો.
મોંઘવારી દર 4 ટકા સુધી લાવવાનું લક્ષ્યઃ આરબીઆઇ
RBI ગવર્નરે રિટેલ મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવાના લક્ષ્યની વાત કરી હતી. તેમણે કહ્યું કે આરબીઆઈનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવાનો દર 5.1 ટકા પર રહી શકે છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવાનો દર 4.6 ટકા, બીજા ક્વાર્ટરમાં 5.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.4 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.2 ટકા રહી શકે છે.