GNFC 84.78 લાખ ઈક્વિટી શેર્સ 14 ટકા પ્રીમિયમે બાયબેક કરશે, શેર 2 ટકા તૂટ્યો
અમદાવાદ, 9 નવેમ્બરઃ ગુજરાત સરકાર સમર્થિત કંપની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સાથે ઇક્વિટી શેરના બાયબેકની જાહેરાત કરી છે. કંપનીએ ટેન્ડર ઓફર રૂટ દ્વારા ₹10ની ફેસ વેલ્યુના 84.78 લાખ ઇક્વિટી શેર સુધી બાયબેક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે કંપનીની કુલ પેઇડ અપ ઇક્વિટી મૂડીના 5.46%નું પ્રતિનિધિત્વ કરે છે.
ટેન્ડર ઓફર બાયબેકનો અર્થ એ છે કે શેરધારકો તેમના શેર બાયબેક વિન્ડોની અંદર ટેન્ડર કરી શકે છે અને કંપનીએ તેને પૂર્વ-નિર્ધારિત કિંમતે ફરીથી ખરીદવું પડશે.
GNFC એ તેની બાયબેક કિંમત ₹770 પ્રતિ શેર નક્કી કરી છે, જે બુધવારે તેના બંધ ભાવની સરખામણીમાં 11% અને આજના ટ્રેડિંગ ભાવ સામે 13.73 ટકા પ્રીમિયમ દર્શાવે છે. કંપનીએ શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ તરીકે 24 નવેમ્બર, 2023 પણ નક્કી કરી છે. આનો અર્થ એ થયો કે જે શેરધારકો તે તારીખ સુધીમાં GNFC શેર ધરાવે છે તેઓ બાયબેકમાં ભાગ લેવા માટે પાત્ર હશે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GNFC એ અગાઉના વર્ષની સરખામણીમાં તેની આવકમાં 19.6% ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીએ તેને વાર્ષિક આયોજિત મેન્ટેનન્સ શટડાઉન માટે જવાબદાર ગણાવ્યું હતું જેના પરિણામે વોલ્યુમ ઓછું થયું હતું. EBITDA માર્જિન પણ ગયા વર્ષના 12%થી 400 બેસિસ પોઈન્ટ ઘટીને 8%ના સિંગલ-ડિજિટ પર આવી છે.
કંપનીએ જણાવ્યું હતું કે, “શટડાઉન-સંબંધિત અસરો સિવાય, આઉટપુટ કિંમતો ઇનપુટ કિંમતો કરતા અપ્રમાણસર રીતે નરમ પડી છે જેણે નાણાકીય પરિણામોને અસર થઈ છે.”
શેર આ વર્ષે 24 ટકા વધ્યો
GNFCના શેર 2023માં અત્યાર સુધીમાં 24% વધ્યા છે. જીએનએફસીનો શેર માર્ચમાં 484.45ના વાર્ષિક તળિયેથી ગઈકાલના બંધ 691.45 સામે 42.72 ટકા વધ્યો છે. આજે શેર 2.31 ટકા ઘટાડે 675.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
સરકારની ડિવિન્ડ અને બોનસ શેર માટે નવી નીતિની અસર
આ વર્ષે એપ્રિલમાં, ગુજરાત સરકારે લિસ્ટેડ કંપનીઓ સહિત તેના રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે ન્યૂનતમ સ્તરના ડિવિડન્ડ વિતરણ અને બોનસ શેર માટે નવી નીતિની જાહેરાત કરી હતી. જેનો લાભ લેતાં આ સપ્તાહની શરૂઆતમાં, સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની અતુલ લિ.એ ઓપન માર્કેટ રૂટ દ્વારા શેર બાયબેકની જાહેરાત કરી હતી. બાયબેકની રેકોર્ડ તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રાજ્યએ ફરજિયાત કર્યું છે કે કર પછીના નફાના લઘુત્તમ 30% અથવા નેટવર્થના 5%, બેમાંથી જે વધુ હોય તે તેના શેરધારકો માટે જાહેર કરવામાં આવેલા ડિવિડન્ડના લઘુત્તમ સ્તર તરીકે હોય.