મુંબઈ, 27 માર્ચ: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેના ઓપન-એન્ડેડ ફંડ PGIM ઈન્ડિયા રિટાયર્મેન્ટ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર (જે પહેલા થાય તે) સુધીનો લોક-ઇન પિરિયડ ધરાવે છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઇક્વિટી, ઇક્વિટી સંબંધિત સાધનો, REITs અને InvITs અને ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ ધરાવતી સિક્યોરિટીઝના મિશ્રણમાં રોકાણ કરીને રોકાણકારોને તેમના નિવૃત્તિના ધ્યેયોને અનુરૂપ મૂડીમાં વૃદ્ધિ અને આવક પ્રદાન કરવાનો છે.

નિવૃત્તિ માટે બચત અને રોકાણના મહત્વ અંગે PGIM ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી જીવવું એ નિવૃત્તિ આડે એવું જોખમ છે જેની કદર કરી શકાય તેમ નથી અને તે દરેક વ્યક્તિને ઉકેલો શોધવાની ઝંઝટમાં મૂકે છે. ઘર, શિક્ષણ, કાર જેવા આપણા જીવનના મોટા ભાગના ધ્યેયો પરંપરાગત લોનથી પૂરા થઈ શકે છે પરંતુ જ્યારે નિવૃત્તિની વાત આવે છે ત્યારે આપણે લોનથી તેના માટે ભંડોળ ઊભું કરી શકતા નથી. આમ લોકો માટે તેમના નિવૃત્તિ માટેના ભંડોળને ઊભું કરવાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ધ્યેય આધારિત અભિગમ સાથે તમારા રોકાણનું આયોજન કરવામાં મદદ કરવા માટે વિશ્વાસપાત્ર નાણાંકીય સલાહકાર હોવો સલાહભર્યું છે. નિવૃત્તિ માટે નિર્ધારિત સમર્પિત ફંડમાં રોકાણ કરવાથી તમારા ધ્યેય પ્રત્યે લાંબા સમય સુધી પ્રતિબદ્ધ રહેવામાં અને લાંબા ગાળાના ચક્રવૃદ્ધિનો લાભ મેળવવામાં પણ મદદ મળે છે.

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ વિનય પહારિયાએ જણાવ્યું હતું કે વિવિધ વૈશ્વિક એજન્સીઓના અંદાજ મુજબ ભારત આગામી કેટલાક વર્ષોમાં સૌથી ઝડપથી વિકસતી જી20 ઈકોનોમી પૈકીની એક બનવા માટે સજ્જ છે. લાંબા ગાળે કોર્પોરેટ અર્નિંગ દેશના સામાન્ય જીડીપીમાં વૃદ્ધિને ટ્રેક કરે છે અને શેરની કિંમતો અર્નિંગમાં ગ્રોથ ટ્રેક કરે છે.

ફંડમાં વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યસભર પોર્ટફોલિયો હશે. ફંડમાં બજારના લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સ માટે અનુક્રમે લઘુત્તમ 25 ટકા ફાળવણી ધરાવશે. લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના અને ટકાઉ બિઝનેસ મોડલ ધરાવતી કંપનીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.  પોર્ટફોલિયો ટોપ-ડાઉન અને બોટમ-અપ પોર્ટફોલિયો નિર્માણ પ્રક્રિયાના સંયોજનનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે, જેમાં મેનેજમેન્ટની ગુણવત્તા અને હાલના વેલ્યુએશન સહિત દરેક સ્ટોકના ફંડામેન્ટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફંડના ઇક્વિટી ભાગનું સંચાલન વિનય પહરિયા દ્વારા કરવામાં આવશે, જ્યારે ડેટ, REITs અને InVITs ભાગનું સંચાલન પુનીત પાલ દ્વારા કરવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)