મુંબઇ, 20 સપ્ટેમ્બરઃ અમેરિકન ફેડરલ રિઝર્વે અડધો ટકો વ્યાજ ઘટાડવાની અસરે અમેરિકન માર્કેટની જેમ જ સ્થાનિક શેરબજારોમાં સેન્સેક્સે 83773.61નો અને નિફ્ટીએ 25611.95નો નવો હાઇ નોંધાવી બંધ મામૂલી ગેઇન્સ સાથે આપ્યા હતા. બજારમાં બેંકીંગ-ફાઇનાન્સની તેજી આગળ વધી હતી. નિફ્ટીનો દેખાવ મધ્યમ રહ્યો હતો અને મિડકેપ સ્મોલકેપમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતુ. બુધવારે ભારે ઘટાડો જોનારા આઇટી હેવી વેઇટ્સ આજે થોડા સુધર્યા હતા. બેન્ક નિફ્ટી 287.20 પોઇન્ટ્સ, 0.54% વધી 53037.60 અને નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સ      76.75 પોઇન્ટ્સ,0.32% સુધરી 24403.65 બંધ રહ્યા હતા. તેથી વિપરિત નિફ્ટી મિડકેપ સિલેક્ટ 45.30 પોઇન્ટ્સ,0.34% ઘટી 13087.55, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 516.60 પોઇન્ટ્સ, 0.69%ના લોસે 74419.55 અને નિફ્ટી 38.25 પોઇન્ટ્સ, 0.15% વધી 25415.80 થઇ ગયા હતા.

બજાજ હાઉસીંગ ફાઇનાન્સનો ઘટાડો આગળ વધ્યો

 બજાજ હાઇસીંગ ફાઇનાન્સમાં ગુરૂવારે વધુ 13 રૂ.ઘટી  160ના સ્તરે આવી ગયો હતો. બજારનો વર્ગ માનતો હતો કે અનલીસ્ટેડ માર્કેટના સોદા ભરાઇ જાય એવા આશયથી અમુક વર્ગ ભાવ દબાવી રહ્યો હતો. રૂ. 150ના ભાવે લીસ્ટીંગ પછી શેરે રૂ. 188.50નો હાઇ બનાવ્યો છે. 1628 લાખ શેરોના સોદામાં રૂ. 2647 કરોડનું કામકાજ થયું તેમાં 34% ડિલીવરીના ધોરણે કામ થયા હતા. સેન્સેક્સના 11 શેર ઘટ્યા અને 19 વધ્યા હતા. બીએસઇ અને એનએસઇ બંન્નેમાં ટોપ ગેઇનર  એનટીપીસી 2.45% સુધરી રૂ. 424 થયો હતો. કંપનીની સબસીડીઅરી કંપની એનટીપીસી ગ્રીન એનર્જીના આઇપીઓ માટે સેબી સમક્ષ પેપર્સ  ફાઇલ કર્યાની એક્સચેન્જોને જાણ કર્યાના પગલે શેર વધ્યો હતો. અન્ય સેન્સેક્સ  ગેઇનર્સમાં કોટક મહીન્દ્ર બેન્ક  રૂ. 33.45, 1.82% સુધરી 1872.50 બંધ રહ્યો હતો. તે પછીના ક્રમે સોનાની તેજીની અસરે ટાઇટનનો ભાવ રૂ. 58 વધી 1.56% સુધરી 3781ના સ્તરે વિરમ્યો હતો. 4થા ક્રમે  દોઢ ટકો સુધરી નેસ્લે રૂ. 2634 અને 5મા ક્રમે હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકો વધી રૂ. 2911 ના સ્તરે બંધ હતા. સેન્સેક્સના પ્રતિનિધિ શેરોમાં સૌથી વધુ અદાણી પોર્ટ્સ અને લાર્સન બંન્ને સવા-સવા ટકા ઘટી અનુક્રમે રૂ. 1410 અને 3682 બંધ રહ્યા હતા. ટીસીએસમાં ગુરૂવારે પણ ઘટાડાનું વલણ જળવાઇ રહેતા 1.14% ઘટી રૂ. 4296 અને તે જ રીતે એચસીએલ ટેક પણ વધુ 0.86% ઘટી રૂ. 1740ના સ્તરે વિરમ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ 0.91%ના લોસે રૂ. 947 અને પોણો ટકો ઘટી ટાટા સ્ટીલ રૂ. 149.60 ના સ્તરે બંધ રહ્યા હતા. નિફ્ટી ગુરૂવારે નવા ઐતિહાસિક હાઇને સ્પર્શ્યો તેની સાથે સાથે તેનાં પ્રતિનિધિ શેરોમાંથી 5મા સ્થાને આવેલો ટાટા કન્ઝ્યુમર્સ 1.26% સુધરી  રૂ. 1216 બંધ આવ્યો હતો.

નિફ્ટી 52 વીકની નવી ઊંચાઇએ

નિફ્ટીના બાકીના 4 ટોપ ગેઇનર્સ સેન્સેક્સ સાથે કોમન હતા. નિફ્ટી 25377.55ના બુધવારના બંધ સામે 25487.05 સવારે દસ-સાડાદસ સુધીમાં 25611.95નો નવો ઐતિહાસિક હાઇ બનાવી તે પછીના પ્રોફીટ બુકીંગના દૌરમાં ઘટીને 25376.05 થઇ સેશનના અંતે 25415.80 બંધ રહ્યો હતો. એનએસઇના 77માંથી 30 ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. તેમાં સૌથી વધુ 0.62% નિફ્ટી ઇન્ડીયા કંઝમ્પ્શન  ઇન્ડેક્સ 0.62 ટકા વધી 12550 રહ્યો હતો. સુધારામાં તે પછીના ક્રમે એફએમસીજી ઇન્ડેક્સ 0.56%ના ગેઇન સાથે 64976 બંધ હતો. ઘટવામાં મિડીયા ઇન્ડેક્સ મોખરે હતો. 2.45% તૂટી 2056 થયો તેમાં નેટવર્ક 18ના 7.19%, નઝારાના 4.35%, ટીવી18 બ્રોડકાસ્ટના 4.23% અને ઝી ના 3.91%ના ઘટાડાનો મહત્વનો ફાળો હતો.

આ ઇન્ડેક્સના તમામ દસ શેરો ડાઉન હતા. નિફ્ટી પીએસઇ, ઓઇલ એન્ડ ગેસ, તમામ પ્રકારના સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સો , સીપીએસઇ ,પીએસયુ બેન્ક અને મેટલ ઇન્ડેક્સો પણ ઘટાડાના માર્ગે હતા. જોકે નિફ્ટીના 50માંથી 30, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 23, નિફ્ટી બેન્કના 12માંથી 7, નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસના 20માંથી 13 અને મિડકેપ સિલેક્ટના 25માંથી 13 શેરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 19 અને બેન્કેક્સના 10માંથી 6 શેરો વધ્યા હતા. એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2873(2869) ટ્રેડેડ શેરોમાંથી 908(962) વધ્યાં, 1885(1840) ઘટ્યાં અને 80(67) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 107(131) શેરોએ અને નવા લો 44(39) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 78(102) તો નીચલી સર્કીટે 162(81) શેરો ગયા હતા.

વોડાફોન આઇડીયા 19 ટકા ડાઉન, સંસ્થાકીય નેટ વેચવાલી

સુપ્રીમ કોર્ટે વોડાફોન આઇડીયા અને ભારતી એરટેલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)ની ચૂકવવા પાત્ર બાકી રકમની ગણતરીમાં ભૂલ થઇ હોવા અંગેના ચૂકાદાની ફેરવિચારણા કરવા ક્યુરેટીવ પીટીશન દાખલ કરી હતી તેને આજે સર્વોચ્ચ અદાલતે માન્ય ન કરતા વોડાફોન આઇડીયામાં જાન્યુઆરી 2022 પછીનું સૌથી મોટું દૈનિક 19 ટકાનું ગાબડું પડતાં ભાવ રૂ. 10.44 થઇ ગયો હતો. આઇડીયાની આ અવદશાનો ભોગ તેના તરફથી મળનારા સંભવિત લાભ માટે ટાંપીને બેઠેલા ઇન્ડસ ટાવર પર પણ થઇ અને એ પણ સવા આઠ ટકા ઘટીને રૂ. 393 થઇ ગયો હતો. વોડાફોન આઇડીયાની નબળાઇ ટેલિકોમમાં ભારતી અને રિલાયન્સ જિયોની સબળાઇ ગણાય એવા તર્કે ભારતી એરટેલ પણ ઉક્ત અરજીમાં કોપીટીશનર હોવા છતાં એનો શેર એક ટકો સુધરી રૂ. 1672ની સપાટીએ બંધ રહ્યો હતો.   

બ્રેન્ટ ક્રુડના ભાવ $ 75 ભણી, બીપીસીએલ લપસ્યો

બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલે 75 ડૉલર તરફ જવા લાગતાં બીપીસીએલ સાડા ત્રણ ટકા લપસી રૂ. 324 થઇ ગયો હતો.

રેડીકો ખૈતાન હેંગઓવરમાં લથડી સવા છ ટકાના લોસે રૂ. 2116

વોકહાર્ડ્ટના ખુરાકીવાલાએ એક ટીવી ચેનલ પર મેનેન્ડાઇટીસની દવાની ક્લીનિકલ ટ્રાયલની માહિતી આપી તેના પગલે શેરનો ભાવ 5 ટકાની ઉપલી સર્કીટે રૂ. 1005.70 બંધ રહ્યો હતો. એનએસઇ વેબસાઇટની ચેતવણી પ્રમાણે કંપની છેલ્લા 8 ત્રિમાસિક ગાળામાં નુક્શાનમાં છે. જીડી ટીએન્ડ ડીનો શેર ઓફર ભાવ કરતાં શેરનો બજાર ભાવ ઊંચો હોવાના કારણે 5 ટકાની નીચલી સર્કીટે રૂ. 1603.05 થઇ ગયો હતો. ઓફર રૂ. 1400ના ભાવે છે. આ શેર સર્વેલન્સ હેઠળ છે તેની નોંધ લેવી ઘટે. કંપનીએ બીએસઇને ઓફર ઓવર સબસ્ક્રાઇબ થયે ઓફરમાં જણાવ્યાનુસાર વધારાના શેરો પણ ફાળવવાના તેણે નિર્ણય લીધાની જાણ પણ કરી હતી. અનીલ અંબાણી જૂથની રિલાયન્સ પાવર ગુરૂવારે પણ 5%ની ઉપલી સર્કીટે રૂ. 34.61 રહ્યો હતો.જોકે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટક્ચર ઠેરનો ઠેર રહી  રૂ. 282.80ના સ્તરે બંધ રહ્યો હતો.  બજાજ ઓટોના રાજીવ બજાજે એક ચેનલના ઇન્ટરવ્યુમાં કંપનીનો ભાવ રૂ. વીસ હજાર થવાની ક્ષમતા કંપની ધરાવે છે એવો ઇશારો કર્યા પછી ભાવ એક ટકો વધી રૂ. 11885 રહ્યો હતો. થોડા સમય પહેલા જ રાજીવ બજાજે રૂ. બાર હજાર થવા શેર કેપેબલ હોવાનો નિર્દેશ કર્યો હતો એના પગલે બુધવારે ભાવ રૂ. 12054ના નવા શીખરે પહોંચી ગયો હતો.     

સંસ્થાકીય નેટ લેવાલી

એફઆઇઆઇની રૂ. 2547.53 કરોડની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની રૂ.2012.86 કરોડની નેટ લેવાલી રહેતાં  એકંદરે રૂ. 534.67 કરોડની નેટ વેચવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી.  બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન ઘટી રૂ. 465.47(467.73) લાખ કરોડ થયુ હતુ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)