અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ બુધવારે નિફ્ટી 26032.80નો નવો રેકોર્ડ હાઇ બનાવી ક્લોઝ પણ 26000 ઉપર 26004.15ના સ્તરે રહ્યો હતો. નિફ્ટીના આવા મજબૂત આંતર્પ્રવાહ માટે સપ્ટેમ્બર વાયદાનું આજે થનારું સેટલમેન્ટ અને ઓકટોબરમાં આરબીઆઇ પણ વ્યાજ દર ઘટાડશે એવો આશાવાદ જવાબદાર છે. સેન્સેક્સે પણ 85247.42નો ઊચ્ચ આંક બંધ 85169.87 આપ્યુ હતુ. લાર્જકેપ ફંડોમાં અને આ ઇન્ડેક્સોના આધારે બનેલાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણ કરનારાઓ રોજ એનએવી જોઇને હરખાઇ રહ્યાં છે. આમ બજાર નવા હાઇ બનાવતું જાય અને લોઅર ટોપ પણ ન બનાવ્યું હોય ત્યારે ડરના માર્યા ઊંચા લેવલે અમુક ચાર્ટીસ્ટો પાર્શીયલ પ્રોફીટ બુકીંગની સલાહ આપી ખોટા પડી રહ્યા છે.

F&O ડેટા મુજબ નિફ્ટી માટે 26200 રેઝિસ્ટન્ટ

એફએન્ડઓ ડેટા મુજબ નિફ્ટી માટે 26200 રેઝિસ્ટન્ટ લેવલ છે અને 25800 સપોર્ટ લેવલ. યક્ષ પ્રશ્ન એ છે કે હવાલો 26000થી ઉપર આવશે કે નીચે? મંગળવારના 84914.04 ના બંધ સામે સેન્સેક્સે 84836.45 ખુલી બપોરે ત્રણ સુધી સાંકડી વધઘટમાં રમી  84743.04નું દૈનિક બોટમ બનાવી છેલ્લા અડધો કલાકમાં 400 પોઇન્ટ વધી 85247.42નો નવો હાઇ બનાવી અંતે 85169.87 બંધ રહેવા સાથે 0.30 ટકાનો એટલે કે 255.83 પોઇન્ટ્સનો સુધારો નોંધાવ્યો હતો. નિફ્ટીએ પણ 26032.80નો નવો ઓલ ટાઇમ હાઇ દેખાડી 26004.15નું બંધ 63.25 પોઇન્ટ્સ, 0.25%ના સુધારા સાથે આપ્યુ હતુ. બેન્ક નિફ્ટી 53968.60ના પુરોગામી બંધ સામે 53794 ખુલી વધીને 54141.30 અને ઘટીને 53792.85 થઇ  છેલ્લે 133.05 પોઇન્ટ્સ, 0.25% વધીને 54101.65 રહ્યો હતો. જોકે બુધવારે વાયદાના છેલ્લા દિવસે આ ઇન્ડેક્સ 54247.70ના ઐતિહાસિક હાઇ સુધી જઇ શક્યો ન હતો. બીએસઇનો બેન્કેક્સ તો સોમવારના 61451.83ના હાઇને વટાવી શક્યો ન હતો અને છેલ્લે  0.34% સુધરી 61372.16 બંધ રહ્યો હતો.

એચડીએફસી બેન્ક  બાવન સપ્તાહના 1794ના હાઇથી હવે માત્ર 14 રૂપિયા જ દૂર

એચડીએફસી બેન્ક સતત સુધારામાં બે સપ્તાહના એવેરજ વોલ્યુમથી છ-સાત ગણા વોલ્યુમે 1779.85 બંધ રહ્યો હતો. આ શેર તેના બાવન સપ્તાહના 1794ના હાઇથી હવે માત્ર 14 રૂપિયા જ દૂર છે અને એ રેકોર્ડ આજે નિફ્ટીના સપ્ટેમ્બર વાયદાના સેટલમેન્ટના દિવસે બ્રેક કરે એવી પૂરતી સંભાવના છે કેમ કે આ શેર અનેક ઇન્ડેક્સોનો પ્રતિનિધિ અને એનું એ ઇન્ડેક્સોમાં ભારે વેઇટેજ જોતાં આટલો ભાવ વધારો આ બેંકીંગ જાયન્ટ માટે આસાન ગણાય!

બજાજ ફિનસર્વ રેકોર્ડ હાઇ સપાટીએ આંબી ગયો

નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સ 104.10 પોઇન્ટ્સ, 0.42% વધી 24987.75 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ પણ 25038.20નો ઓલ ટાઇમ હાઇ ક્રોસ કરી શક્યો ન હતો. જોકે તેના એક પ્રતિનિધિ શેર બજાજ ફિનસર્વે બુધવારે 1938.80નો નવો ઐતિહાસિક હાઇ નોંધાવી 1.59% વધી 1935નું બંધ આપ્યુ હતુ. ફ્રન્ટલાઇન શેરો ચાલે ત્યારે મિડકેપ સ્મોલકેપ એટલા નથી ચાલતા એ ન્યાયે નિફ્ટી મિડકેપ સિલેક્ટ 24.60 પોઇન્ટ્સ,0.19% ઘટી 13259.50 તો  નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 286.40 પોઇન્ટ્સ, 0.37% તૂટી 76517.40ના સ્તરે વિરમ્યા હતા. નિફટી મિડકેપ સિલેક્ટનો ગોદરેજ પ્રોપર્ટી 3.88% વધી રૂ. 3326.90 બંધ રહ્યો હતો. નિફ્ટીનો પાવર ગ્રીડ ચાર ટકા સુધરી રૂ. 364.20ના સ્તરે ટોપ ગેઇનર હતો. એક્સીસ બેન્ક અઢી ટકા વધી રૂ. 1269 બોલાતો હતો.એનટીપીસી પણ બે ટકા સુધી  રૂ. 436.75 બંધ હતો.

સરકારની ઇલેક્ટ્રીસીટી પોલિસીની તૈયારીએ પાવર શેરોમાં પાવર, આઇટી શેરોમાં નરમાઇ

નિફ્ટીનો શેર એલટીઆઇ માઇન્ડ ટ્રી  પોણા ચાર ટકા તૂટી રૂ. 6110 થઇ ગયો હતો. તેવો જ બીજો ટેક શેર ટેક મહીન્દ્ર પણ સવા બે ટકા ઘટી રૂ. 1600ના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ 50નો ડાબર સાડાચાર ટકા ઘટી રૂ. 627 પર આવી ગયો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ માટે કંપનીની બોર્ડ મીટીંગ 30મી ઓક્ટોબરે મળશે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) 2.74% ઘટી રૂ. 104.88 બંધ હતો. મેરીકો અઢી ટકા ઘટી રૂ. 688ના સ્તરે વિરમ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 20(15) અને બેન્કેક્સના 10માંથી 4(3) શેરો વધ્યા

નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસ ઇન્ડેક્સનો મુથુત અઢી ટકા વધી રૂ. 2043 બંધ હતો તો સામે ઘટવામાં એલઆઇસી ફાયેનાન્સ ત્રણ ટકાના લોસે 665 થઇ ગયો હતો. નિફ્ટીના 30(25) શેર વધ્યા અને 20(25) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 12(21), નિફ્ટી બેન્કના 12માંથી 4(2), નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસના 20માંથી 9(4) અને મિડકેપ સિલેક્ટના 25માંથી 9(16) શેરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 20(15) અને બેન્કેક્સના 10માંથી 4(3) શેરો વધ્યા હતા.  એનએસઇના 77માંથી 34(48) ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. સૌથી વધુ 2.94% વધી મિડીયા ઇન્ડેક્સ 2139.25 બંધ થયો હતો. આ ઇન્ડેક્સનો સારેગમ 14.93% ઉછળી રૂ 608ના સ્તરે પહોંચ્યો હતો.

ઝી 5.77% અને ટીપ્સ ઇન્ડસ્ટ્રીઝ સવાત્રણ ટકા વધ્યા

ઝી 5.77% અને ટીપ્સ ઇન્ડસ્ટ્રીઝ સવાત્રણ ટકા વધી અનુક્રમે 134 અને 703 બંધ રહ્યા હતા. ટીપ્સે નામ ટીપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. થી બદલાવીને ટીપ્સ મ્યુઝીક લિ. કરવા સાથે કંપનીનો લોગો પણ બદલાવ્યો હોવાનું એક્સચેન્જને જણાવ્યું હતુ. તે પછીના ક્રમે સેન્ટ્રલ પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇસીસ (સીપીએસઇ) ઇન્ડેક્સ 0.87%ના ગેઇને 7275.95 અને એનર્જી ઇન્ડેક્સ 0.82%ના વધારા સાથે 44064.70ના સ્તરે બંધ રહ્યા હતા. સીપીએસઇનો સુધારો પાવરગ્રીડ અને એનટીપીસીના સુધારા થકી હતો. સરકાર નેશનલ ઇલેક્ટ્રીસીટી પ્લાનને આખરી ઓપ આપી રહી છે એવા સમાચારે આ બંન્ને શેરો સુધર્યા હતા. સામા પક્ષે આ જ ઇન્ડેક્સના કોચીન શીપયાર્ડ 3 ટકા ઘટી 1743 અને ઓઇલ ઇન્ડીયા અઢી ટકા ઘટી 578 થઇ ગયા હતા.

એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2877(2866) ટ્રેડેડ શેરોમાંથી 1198(1355) વધ્યા, 1596(1441) ઘટ્યા અને 83(90) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 135(166) શેરોએ અને નવા લો 34(40) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 101(138) તો નીચલી સર્કીટે 76(54) શેરો ગયા હતા.

ઇઝમાયટ્રીપ અનઇઝીઃ 15% ડાઉન, ફાઉન્ડર જ વેચવાલ

ઇઝમાયટ્રીપમાં રૂ. 948.2 કરોડના શેરોના વેચાણમાં પ્રમોટરોના શેરો આવ્યા હોવાની હવાએ શેરનો ભાવ બુધવારે 15 ટકા ઘટી 34.70 બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં રૂ. 32.78ની 20 ટકાની લોઅર સર્કીટે બાવન સપ્તાહની નીચી સપાટી જોવાઇ હતી. કંપનીના ફાઉન્ડર નિશાંત પીટ્ટીએ સ્ટેક વેચ્યો હોવાનું કહેવાતુ હતુ. 2022માં શેરનો ભાવ રૂ. 73.50ના સ્તરે હતો એ લગભગ અડધો થઇ ગયો છે.

વેદાન્તા 4થા ઇન્ટરિમ ડિવિડંડની વિચારણા કરશે

વેદાન્તા 8મી ઓક્ટોબરની બોર્ડ મીટીંગમાં 4થા ઇન્ટરિમ ડિવિડંડની વિચારણા કરશે. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 20, રૂ. 11 અને રૂ. 4 એમ ત્રણ ઇન્ટરિમ ડિવિડંડ આપ્યા છે. 12મીની મીટીંગમાં આવા 4થા ડિવિડંડની મંજૂરી મળે તો એ મેળવવાની પાત્રતા માટે 16મી ઓક્ટોબરને રેકોર્ડ ડેટ તરીકે જાહેર પણ કરાઇ છે. શેરનો ભાવ બે ટકા વધી 479 રહ્યો હતો. કાર્લાઇલ એવીએશને ઓપન માર્કેટમાં સ્પાઇસ જેટમાંનો 1.42 ટકા સ્ટેક વેચવાના પગલે ભાવ સાડા પાંચ ટકા ઘટી રૂ. 62.38 થઇ ગયો હતો.

મનબાનો આઇપીઓ 106 ગણો ભરાયો

મનબાનો આઇપીઓ બંધ થવાના દિવસે પ્રાપ્ત છેલ્લી માહિતી મુજબ 106 ગણો ભરાઇ ગયો હતો. સૌથી વધુ રૂ. દસ લાખથી વધુની બીડીંગરકમ વાળો નોન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર (એનઆઇઆઇ) પોર્શન 226 ગણો ભરાયો હતો. રૂ. 114થી રૂ. 120ના ભાવે ફાળવણી વાળા આ શેરનું લીસ્ટીંગ બીએસઇ-એનએસઇના મેઇન બોર્ડ પર થશે.   

સંસ્થાકીય નેટ લેવાલી

બુધવારે એફઆઇઆઇની રૂ. 973.94 કરોડની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની રૂ. 1778.99 કરોડની નેટ લેવાલી રહેતાં  એકંદરે રૂ. 805.05 કરોડની નેટ લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી.  બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 475.25 (476.07) લાખ કરોડના સ્તરે હતુ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)