અમદાવાદ, 16 ઑક્ટોબર: ટાટા ગ્રૂપની કંપનીઓમાં કર્મચારીઓ અને તેમના પરિવારની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવે એવું સ્વર્ગીય રતન ટાટા હંમેશા સુનિશ્ચિત કરતા હતા. તેમના આ અભિગમે સમગ્ર ટાટા ગૃપમાં સંખ્યાબંધ આગેવાન મેનેજર્સનું ઘડતર કર્યું  હતું, અને ખરેખર એમના જેવું કોઈ નહોતું, તેમ ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રશેખરને સોમવારે જણાવ્યું હતું.

નેટવર્કિંગ પ્લેટફોર્મ લિન્ક્ડઇન પરની એક પોસ્ટમાં ગયા સપ્તાહે અવસાન પામેલા ટાટા (86) સાથેના તેમના સબંધને યાદ કરીને તેમણે લખ્યું કે, “ટાટાને મળનાર દરેક વ્યક્તિ તેમની માનવતા, હૂંફ અને ભારત માટેના સપના વિશેની વાત સાથે વિદાય લેતી હતી. તેમના જેવું કોઈ નથી.”

2017માં (સ્વર્ગસ્થ) સાયરસ મિસ્ત્રીને દૂર કર્યા પછી ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળનાર ચન્દ્રશેખરને જણાવ્યું હતું કે દિવંગત્ ટાટા સાથેના તેમના સંબંધો “વર્ષોવર્ષ ગાઢ બન્યા હતા, પ્રથમ વ્યાવસાયિક હતા અને પછી વધુ અંગત બન્યા હતા”.

“અમે કાર, હોટલ તેમજ અન્ય રુચિઓ વિશે ચર્ચા કરતા, પરંતુ જ્યારે અમારી વાતચીત અન્ય બાબતો – રોજિંદા જીવન – તરફ વળે ત્યારે ખ્યાલ આવે કે તેમણે કેટલું ધ્યાન આપ્યું અને અનુભવ્યું છે. તે સમય અને અનુભવ દ્વારા જાણવાલાયક વ્યક્તિ હતાં.” તેમ ચન્દ્રશેખરને યાદ કરતા જણાવ્યું હતું.

ગ્રૂપના દિવંગત્ ચેરમેન એમેરિટસે કર્મચારીઓના કલ્યાણ પર ભાર મૂક્યો હતો તે યાદ કરતાં ચન્દ્રશેખરને લખ્યું, “હું ચેરમેન બન્યો તે પછી તરત મને ટાટા મોટર્સમાં કંપની અને કર્મચારીઓના યુનિયન વચ્ચે બે વર્ષના વેતનને લઈને વિવાદનો સામનો કરવો પડ્યો હતો.”

તેમણે વધુમાં નોંધ્યું કે, માર્ચ 2017માં, શ્રી ટાટા અને હું સાથે યુનિયનના નેતાઓને મળ્યા હતા. બેઠક દરમિયાન, શ્રી ટાટાએ ત્રણ સંદેશા આપ્યા હતા: ઉકેલ શોધવામાં વિલંબ બદલ ખેદ વ્યક્ત કર્યો. તેમણે સમજાવ્યું કે કંપની મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. અને આ વિવાદ પખવાડિયામાં સમાપ્ત થઈ જશે એવી પ્રતિબદ્ધતા અમે બંનેએ દર્શાવી હતી.

તેમના મતે, “કર્મચારીઓની કાળજી માત્ર વિવાદને ઉકેલવા પૂરતી જ નહીં પરંતુ તેમના પરિવારની સુખાકારી પણ સુનિશ્ચિત કરવા શ્રી ટાટાએ આદેશ આપ્યો હતો.”

“અન્ય ગ્રૂપ કંપનીઓના કર્મચારીઓ પ્રત્યેનો પણ તેમનો અભિગમ સમાન હતો. તેમના આવા અભિગમે સમગ્ર ગ્રૂપમાં અમારા અસંખ્ય આગેવાન મેનેજર્સનું ઘડતર કર્યું હતું,” એમ ચન્દ્રશેખરને લખ્યું હતું. ટાટા સન્સના ચેરમેન બન્યા તે પહેલા તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના સીઇઓ હતા.

ટાટાના કૂતરાં પ્રત્યેના પ્રેમ અને સંભાળને યાદ કરતાં, ચન્દ્રશેખરને ટાટા મોટર્સમાં વિવાદ થયો તે જ સમયે ગ્રૂપ હેડક્વાર્ટર “બોમ્બે હાઉસ”ના નવીનીકરણ વિશેનો એક કિસ્સો યાદ આવ્યો હતો.

“… મેં અમારા હેડક્વાર્ટર, બોમ્બે હાઉસનું નવીનીકરણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બોમ્બે હાઉસને 1924થી સ્પર્શ કરવામાં આવ્યું ન હતું, અને વધુ મહત્ત્વનું એ કે (જેમ કે ઘણા લોકોએ મને કહ્યું હતું) શ્રી ટાટાને તે ગમશે નહીં. તેની શુદ્ધતા પર ભાર મૂકતા મને કહેવામાં આવ્યું હતું કે “બોમ્બે હાઉસ એક મંદિર છે,”  તેમ તેમણે લખ્યું હતું.

ચન્દ્રશેખરનને યાદ આવ્યું કે જ્યારે તેમણે “અંતે શ્રી ટાટાને બોમ્બે હાઉસ વિશે ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે (ટાટાએ) કહ્યું, ‘શું હું તમને કંઈક પૂછું? જ્યારે તમે ‘રિનોવેટ’ કહો છો, ત્યારે તમારો મતલબ ‘ખાલી કરો’ એમ છે?’ મેં સમજાવ્યું કે અમે દરેક કર્મચારીને નજીકની ઓફિસમાં ખસેડવાની યોજના બનાવી છે.”

ટાટા જાણવા માગતા હતા કે બૉમ્બે હાઉસનો અભિન્ન ભાગ અને વારંવાર રિસેપ્શનમાં જોવા મળતા કૂતરા ક્યાં જશે.

ચન્દ્રશેખરને ખાતરી આપી કે તેમના માટે કેનલ (કુતરા માટેનું ઘર) બનાવવામાં આવશે, જેના જવાબમાં ટાટાએ દરખાસ્ત પર વિચાર કરતી કહ્યું ‘ખરેખર?’.

“બોમ્બે હાઉસનું નવીનીકરણ પૂર્ણ થયું, ત્યારે મિસ્ટર ટાટા સૌપ્રથમ કેનલ જોવા માંગતા હતા. કેનલની ડિઝાઇન કાળજીપૂર્વકની હતી અને કૂતરાઓની સારી રીતે સંભાળ રાખવામાં આવશે તે જોઈને તેઓ ખૂબ જ ખુશ હતા,” એવું તેમણે નોંધ્યું હતું.

ચન્દ્રશેખરને એ પણ યાદ કર્યું કે, “કેનલ પ્રત્યેની તેમની ખુશી અને તેમની પ્રાથમિકતાઓ જોવી એ યાદ અપાવતું કે મોટા પ્રોજેક્ટ્સ મહત્ત્વપૂર્ણ હોય છે, પણ ઝીણી-ઝીણી બાબતો દર્શાવે છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ, કોને પ્રાથમિકતા આપીએ છીએ અને આપણને લોકો આપણા વિશે શું વિચારે છે. તેમનો આનંદ એ વાતની ખાતરી હતી કે એમે યોગ્ય કર્યું હતું.”

તેમના મતે, ટાટા ક્યારે પણ કોઈ સ્થળની મુલાકાત લે તો તેમને બધું જ – ફર્નિચરનું સૌથી નાનું ઘટક ક્યાં છે, લાઇટિંગ, રંગો વગેરે યાદ રહેતું હતું.

“તેમની યાદશક્તિ ખૂબ તેજ હતી. તેમને પુસ્તકો અને સામયિકોના કવર અને લેખને યાદ રહેતા હતા અને વર્ષો પછી પણ તેનો ઉલ્લેખ કરતા હતા. તેઓ હંમેશા ધ્યાનપૂર્વક અવલોકન કરતા તેનું મનન અને ચિંતન કરતા હતા,” ચન્દ્રશેખરને જણાવ્યું હતું.

ટાટા કોણ હતા તે વિશે કહેવા માટે બીજું ઘણું બધું છે એમ કહીને, તેમણે કહ્યું, “પરંતુ હાલ પૂરતું હું તેમની ગેરહાજરીનો અનુભવ કરું છું, આ લખાણ અહીં પૂરું કરવું પડશે: તેમને બધું સ્પષ્ટ દેખાતું કર્યું, કારણ કે તેમને બધું સ્પષ્ટ સમજાતું હતું.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)