Crypto Bubble ક્રિપ્ટોનો કકળાટ શિબા INU- સોલાનામાં ભારતીય રોકાણકારોના રૂ. 5 લાખ કરોડ ડૂબ્યા
ઓલટાઈમ હાઈથી 62 ટકાનો ઘટાડો, લાઈટકોઈન બબલ બસ્ટ
ડિજિટલ કરન્સીનો વૈશ્વિક ફુગ્ગો ધીરે ધીરે લોકપ્રિયતાના આસમાને આંબી રહ્યો છએ. પરંતુ કોઇપણ જાતના નિયંત્રણ કે કાયદા- કાનૂનના અભાવે અનેક કૌંભાંડીઓ અવનવી ક્રિપ્ટો લોન્ચ કરી રોકાણકારોને ભરમાવી રહ્યા છે. લોન્ચિંગના 12થી અઢાર માસમાં જ ટોપ-10 ક્રિપ્ટો કરન્સીમાં સ્થાન મેળવ્યા બાદ સોલાના, શિબા અને લાઈટકોન ઓલટાઈમ હાઈથી 60થી 70 ટકા સુધી તૂટી છે. સોલાના અને શિબા INUમાં નવશિખ્યા અને તેજીને જોઈને રોકાણ કરવા ગયેલા રોકાણકારોના અંદાજિત રૂ. 518250 કરોડ (6943 કરોડ ડોલર) ડૂબી ચૂક્યા છે. ગેમિંગ અને સોશિયલ મીડિયા કંપનીઓ પોતાની શિબા ઈનુ જેવા મીમ કોઈન લોન્ચ કરી અનેકગણું ફંડ ઉઘરાવી નાસી ગઈ છે. જેનું તાજુ ઉદાહરણ સ્ક્વિડ ગેમ ટોકન, અને રેડ કોઈન છે. જેથી ક્રિપ્ટોમાં રોકાણ કરતાં રોકાણકારોએ સાવધાની સાથે વિશ્વસનીય અને એડ્રેસ ટ્રેક થતા ક્રિપ્ટોમાં રોકાણ કરવા માર્કેટ નિષ્ણાતો અપીલ કરી રહ્યાં છે. સોલાના નવેમ્બરમાં 260.06 ડોલરની સર્વોચ્ચ સપાટીથી 63.66 ટકા તૂટી હાલ 94.47 ડોલર, જ્યારે શિબા INU 0.00008845 ડોલરથી 67.07 ટકા તૂટી 0.00000291 ડોલર આસપાસ ટ્રેડ થઇ રહ્યા છે.
2021માં 7.7 અબજ ડોલરનું ક્રિપ્ટો કૌંભાંડ
સિફરટ્રેસ રિપોર્ટ અનુસાર, ક્રિપ્ટો ક્રિમિનલ્સે 2021માં 7.7 અબજ ડોલરનું ક્રિપ્ટો લોન્ડરિંગ કર્યું હતું. 2020માં 1.9 અબજ ડોલર અને 2020માં 4.5 અબજ ડોલરનું ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈન કૌંભાંડ થયું હતું.
લાઈટકોઈન લાઈટ ડીમઃ 71 ટકાનો કડાકો
100 ટકા રિટર્ન આપી માર્કેટ કેપની દ્રષ્ટિએ મે, 2017માં ટોપ-5 ક્રિપ્ટોમાં સામેલ લાઈટકોઈનની લાઈટ ઉડી ગઈ છે. 2011માં લોન્ચ લાઈટકોઈને અવારનવાર ખોટા અહેવાલો હેઠળ માર્કેટમાં દબદબો જમાવી તેમજ કોઈ ઈનોવેશન હાથ ન ધરી રોકાણકારોને ખંખેર્યા છે. ગતવર્ષે વોલમાર્ટ અને લાઈટકોઈન વચ્ચે પાર્ટનરશિપ થવાના ખોટા અહેવાલો વચ્ચે લેવાલી વધતા 10 મે, 2021ના 412.96 ડોલરની સર્વોચ્ચ સપાટી હાંસિલ કરી હતી. જો કે, બાદમાં સતત 70.99 ટકા કડાકા સાથે 119.82 ડોલરની સપાટીએ પહોંચી ટોપ-15માંથી બહાર થઈ હાલ 20માં સ્થાને છે.
કેવી રીતે ઓળખશો બોગસ ક્રિપ્ટો?
- ક્રિપ્ટોકરન્સીની ખરાઈ વ્હાઈટપેપર પરથી કરી શકાય. દરેક ટોકન બ્લોકચેઈન ડિઝાઇનમાં સામેલ તમામ ફંડામેન્ટલ્સ અને ટેક્નોલોજી વિશે વિસ્તૃત માહિતી દર્શાવતું એક વ્હાઈટપેપર પ્રકાશિત કરે છે. તે બ્લોકચેઈન ડેવલપરની સત્તાવાર વેબસાઇટ પર મળી શકે છે.
- ટોકનનું નામ, ફાઉન્ડરનું સરનામું, કોન્ટ્રાક્ટ સોર્સ કોડ વગેરે વિગતો ટોકન્સની પારદર્શિતા દર્શાવે છે. કોઈપણ વિગત ખૂટતી હોય તો રોકાણ કરવુ જોઈએ નહીં.
- ક્રિએટર્સ વિશે શક્ય તેટલી માહિતી મેળવો. અનામી ક્રિપ્ટો કરન્સીને અવગણો.
- પ્રતિષ્ઠિત વ્યક્તિ કે, ટોચના ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સને અનુસરણ કરતાં પહેલાં તેની ચકાસણી કરો. હેકર્સ, અને સ્કેમર્સ આવા અગ્રણી ચહેરાઓનો ઉપયોગ કરી નકલી વીડિયો બનાવી ગેરમાર્ગે દોરે છે.
- વોલેટાઈલ અને પેન્ની ક્રિપ્ટોની મદદથી કૌંભાંડીઓ રોકાણકારોને ભરમાવતા હોય છે. ફિશીંગ ઈમેલ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સની જાહેરાતોથી દૂર રહેવું.
- અસુરક્ષિત વેબસાઈટ્સ પરથી ક્રિપ્ટોની ખરીદી કરવાનું ટાલો. વેબસાઈટની બાજુમાં એડ્રેસ બારમાં લોક આઈકોન ન ધરાવતી વેબસાઈટ અસુરક્ષિત છે. httpના બદલે httpsનો ઉપયોગ કરતા યુઆરએલ નકલી હોય છે.