મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસે શરૂ કરી શૅર્સ સામે લોનની સુવિધા
મુંબઇઃ મિરે એસેટ ગ્રૂપની પેટાકંપની મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ (એમએએફએસ)એ શૅર્સ સામે લોન (એલએએસ) સુવિધા રજૂ કરી છે. એનએસડીએલ-રજિસ્ટર્ડ ડીમેટ એકાઉન્ટ ધરાવતા તમામ વપરાશકર્તાઓને એમએએફએસ મોબાઇલ એપ્લિકેશન દ્વારા લોન ઉપલબ્ધ થશે. મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ શૅર્સ સામે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લોન આપનારી પહેલી કંપની છે. એનએસડીએલ ડીમેટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો તેમના ઈક્વિટી રોકાણો ઓનલાઈન ગીરવે મૂકીને રૂ. 10,000થી રૂ. એક કરોડ સુધીની એલએએસ મર્યાદાનો લાભ લઈ શકશે. ગ્રાહકો માન્ય ઈક્વિટીની મોટી યાદીમાંથી ગીરવે મૂકી શકે છે અને તે જ દિવસે લોન એકાઉન્ટ બનાવી શકે છે. વાર્ષિક નવ ટકા વ્યાજ દર માત્ર ઉપયોગ કરેલ રકમ અને ઉપયોગ કરેલ સમયગાળા માટે જ લાગુ થશે. વપરાશકારો મોબાઈલ એપ્લિકેશન દ્વારા એલએએસ મર્યાદા માટે અરજી કરી શકે છે, જરૂરી રકમ ઉપાડી શકે છે અને ચૂકવણી કરી શકે છે, લોન એકાઉન્ટને બંધ કરી શકે છે અને અન્ય ઘણી પ્રવૃત્તિઓ સીધી ઑનલાઇન પૂર્ણ કરી શકે છે.