વેદાંતાએ 30 જાપાનીઝ ટેક કંપનીઓ સાથે MOU કર્યા
નવી દિલ્હી: વેદાંતા ગ્રૂપે ભારતીય સેમિકંડક્ટર અને ગ્લાસ ડિસ્પ્લે ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે 30 જાપાનીઝ ટેકનોલોજી કંપનીઓ સાથે સમજૂતીકરાર (MOU) કર્યા છે. ગયા અઠવાડિયે ટોક્યોમાં યોજાયેલી વેદાંતા-એવેનસ્ટ્રેટ બિઝનેસ પાર્ટનર્સ સમિટ 2022માં આ MOU થયા હતા અને સમિટમાં 100થી વધારે આંતરરાષ્ટ્રીય કંપનીઓના 200થી વધારે પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
સપ્લાયર કોન્ફરન્સમાં વેદાંતાના ડિસ્પ્લે અને સેમિકંડક્ટર બિઝનેસના ગ્લોબલ એમડી અકર્શ કે હેબ્બર દ્વારા કોમ્પ્રીહેન્સિવ મેનુફેક્ચરિંગ પ્લાન (સીએમપી – સંપૂર્ણ ઉત્પાદન યોજના)ની જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે એવનસ્ટ્રેટ ઇન્ક.ના સીઇઓ ડો. એલન ત્સાઇ અને ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસના ઇન્ડિયા હેડ પ્રણવ કોમેર્વાર ઉપસ્થિત હતાં. ગ્રૂપના વિઝન અને ઇન્ડિયન ડિસ્પ્લે, સેમિકંડક્ટરની વૈશ્વિક યોજનાઓ અને તાઇવાન ગ્લાસના પ્રવેશ પર હેબ્બરે કહ્યું હતું કે, વેદાંતાએ ટેકનોલોજી હસ્તાંતરણ પૂરતી મર્યાદિત રહેવાને બદલે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઊભી કરવા નેતૃત્વ માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે આને લઈને આતુર છીએ, કારણ કે આ સંપૂર્ણ યોજના આગામી વર્ષોમાં અમારા પાર્ટનર્સ માટે 40 અબજ ડોલરથી વધારેની વ્યવસાયિક તકો ઊભી કરવાની સંભવિતતા ધરાવે છે.
ગુજરાતમાં ધોરેલા રિજનને આંતરરાષ્ટ્રીય સાયન્સ પાર્ક્સની જેમ વિકસાવવામાં આવશે અને જરૂરી તમામ માળખાગત સુવિધાઓ ધરાવે છે. એન્કર યુનિટ તરીકે વેદાંતા કામ કરવાની સાથે રિજન હાઈ-ટેક એસસીએમ માટે ટકાઉ આર્થિક વાતાવરણ ઊભું કરવા 1000+ એમએસએમઇ માટે વિકસશે. એક વર્ષથી ઓછા સમયમાં ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સામાજિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ભારત સરકારે આત્મનિર્ભર ભારત માટેની વ્યૂહરચના બનાવી છે અને દેશમાં મહત્વપૂર્ણ સેમિકંડક્ટર્સના ઉત્પાદન માટે ભાર મૂક્યો છે. સેમિકંડક્ટર્સ માટે પીએલઆઇ યોજના, ઇએમસી 2.0 યોજના અને આ પ્રકારની અન્ય ઘણી પહેલો સરકારે હાથ ધરી છે, જેનો ઉદ્દેશ ભારતમાં અદ્યતન ઉત્પાદનની ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએલઆઇ યોજનાની મંજૂરીઓ એક મહિનાની અંદર મળવાની અપેક્ષા છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં વેદાંતા-ફોક્સકોને ગુજરાતમાં સેમિકંડક્ટર ફેબ યુનિટ, એક ડિસ્પ્લે ફેબ યુનિટ, એક સેમિકંડક્ટર એસેમ્બ્લિંગ અને એક ટેસ્ટિંગ યુનિટ સ્થાપિત કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતીકરારો (MOU)ની જાહેરાત કરી હતી.
પ્રોજેક્ટમાં ભારતીયો માટે વાજબી ઇલેક્ટ્રોનિક્સ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે 100,000થી વધારે લોકોને રોજગારીની સંભવિતતા ઊભી કરવા 20 અબજ ડોલરના કુલ રોકાણની કલ્પના કરવામાં આવી છે.