આણંદ, 26 ઓગષ્ટ: બ્રાન્ડ ફાયનાન્સ ફૂડ એન્ડ ડ્રિન્ક રિપોર્ટ 2023 દ્વારા અમૂલને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકે સન્માનિત કરાઈ છે. આ અહેવાલમાં સૌથી મજબૂત અને સૌથી મૂલ્યવાન ફૂડ, ડેરી અને નોન-આલ્કોહોલિક પીણાની બ્રાન્ડ્સનું મૂલ્યાંકન કરી રેન્કિંગ અપાયા હતાં. યુકે સ્થિત વિશ્વની અગ્રણી બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાયનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અહેવાલમાં અમૂલની ગુણવત્તા, નાવિન્ય અને ગ્રાહકોના વિશ્વાસ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરાઈ છે. અમૂલને વૈશ્વિક સ્તરે સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં, પરંતુ તે વિશ્વની બીજી સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ પણ બની છે, જે માત્ર અમેરિકાની જાણીતી ચોકલેટ બ્રાન્ડ હર્શીથી એક ક્રમ પાછળ છે.

આ અહેવાલમાં અમૂલની વિવિધ સિદ્ધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. અમૂલ બ્રાન્ડને વિશ્વની 50 બ્રાન્ડ્સમાંથી ટોચની 30 સૌથી મૂલ્યવાન ફૂડ બ્રાન્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં,  વિશ્વની ટોચની 100 બ્રાન્ડ્સમાં એકમાત્ર અમૂલ ખેડૂતોની માલિકીની બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થયું હોવાનું જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું. અમૂલે 3 અબજ ડોલરના પ્રભાવશાળી વેલ્યુએશન સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન ડેરી બ્રાન્ડ્સની યાદીમાં સાતમું સ્થાન હાંસલ કર્યું છે.