અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ સમગ્ર વિશ્વમાં સેન્ટ્રલ બેન્કોનું કડક વલણ હોવા છતાં ઊભરતાં બજારોમાં ભારતીય બોન્ડ માર્કેટનું પ્રદર્શન સારૂ રહ્યું છે. યુએસ ટ્રેઝરી અને અન્ય બોન્ડ્સ જેવી બેન્ચમાર્ક યીલ્ડમાં થયેલા વધારાની સરખામણીએ ભારતીય બોન્ડની યીલ્ડ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ઘટી છે. બોન્ડ માર્કેટ આગામી નાણાકીય વર્ષમાં ઘટાડો જારી રહેવાની સંભાવના છે. સરકારે અપેક્ષા કરતાં નીચો બોરોઈંગ પ્રોગ્રામ (ઉધાર ખર્ચમાં ઘટાડો) જારી કરતાં બોન્ડ માર્કેટમાં તેજી જોવા મળી છે.

કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 14.13 લાખ કરોડના બોન્ડ વેચવાની યોજના ધરાવે છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટ સ્પીચમાં આ અંગે જણાવ્યું હતું. જે બ્લૂમબર્ગના સર્વેમાં જારી 15.2 લાખ કરોડના અંદાજ કરતાં નીચો દર છે.

વધુમાં કેન્દ્ર સરકારે રાજકોષીય ખાધનો અંદાજ પણ ઘટાડી જીડીપીના 5.1 ટકા રહેવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જેના પગલે ઈન્ડિયન સોવરિન બોન્ડમાં તેજીનો દોર જારી રહેવાનો આશાવાદ છે.

ICICI સિક્યોરિટીઝ પ્રાઈમરી ખાતે ટ્રેડિંગ હેડ નવીન સિંઘે જણાવ્યું હતું કે, “નીચલી રાજકોષીય ખાધ ચોક્કસપણે બોન્ડ માર્કેટ માટે સારા સમાચાર છે, જેમાં ચાલુ વર્ષની સરખામણીએ ગ્રોસ બોરોઈંગ ઓછું છે, જે યીલ્ડમાં વધુ નીચા પ્રવાહ માટે માર્ગ મોકળો કરે છે.”

પાકતી મુદત માટે સમાયોજિત નેટ બોરોઇંગ, આગામી નાણાકીય વર્ષ માટે 11.75 લાખ કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે બોન્ડ માર્કેટના રોકાણકારોની નજર આરબીઆઈની સકારાત્મક પોલિસીની જાહેરાત પર રહેશે.

બેન્ચમાર્ક 10 વર્ષના બોન્ડની યીલ્ડ આ જાહેરાત બાદ 11 બેઝિસ પોઈન્ટ ઘટી  7.04 ટકા થઈ છે. જ્યારે 14 વર્ષની નોટ્સ 13 બેઝિસ પોઈન્ટ ટી છે. કોર્પોરેટ બોન્ડ પણ 10-12 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે.

સપ્ટેમ્બરમાં JPMorgan Chase & Coની સમાવેશની જાહેરાત બાદ વિદેશીઓએ 500 અબજ રૂપિયાથી વધુનું ઈન્ડેક્સ-પાત્ર ડેટમાં રોકાણ કર્યું હતું. તેમ છતાં, વિદેશીઓ ભારતના સોવરિન ડેટ માર્કેટનો માત્ર 2% હિસ્સો ધરાવે છે, જે નવા ખરીદદારો માટે પૂરતો અવકાશ દર્શાવે છે.

મિરે એસેટ કેપિટલ માર્કેટ્સ ઈન્ડિયાના ફિક્સ્ડ-ઈન્કમ ટ્રેડિંગ હેડ અભિષેક બહિનીપતિએ જણાવ્યું હતું કે, ગ્લોબલ બોન્ડ્સ કેવી રીતે વર્તે છે તેને ધ્યાનમાં લીધા વિના આખા વર્ષ માટે નીચી યીલ્ડની સ્થિતિ જોવા માટે સારી સ્થિતિમાં છીએ. 10-વર્ષના બોન્ડ પરની યીલ્ડ જૂન સુધીમાં ઘટીને 6.90%-6.95% થઈ શકે છે.

શું બોન્ડ યીલ્ડમાં ઘટાડો રોકાણ માટે ફાયદાકારક

બોન્ડમાં રોકાણ રોકાણકારના સંજોગો, ધ્યેયો અને જોખમ સહનશીલતા પર આધાર રાખે છે. નીચી યીલ્ડ ધરાવતા બોન્ડ એવા રોકાણકારો માટે વધુ સારા હોઈ શકે છે જેઓ વર્ચ્યુઅલ રીતે જોખમ-મુક્ત સંપત્તિ ઇચ્છતા હોય અથવા જેઓ મિશ્ર પોર્ટફોલિયોનું હેજિંગ કરતા હોય. ઉંચી યીલ્ડમાં જોખમ વધુ હોય છે. બીજી બાજુ જ્યારે બોન્ડની યીલ્ડમાં ઘટાડો થાય છે, ત્યારે તે કોર્પોરેશનો અને સરકાર માટેનો ઉધાર ખર્ચ ઘટાડે છે, આવાસની માંગ વધવાની સંભાવના સાથે મોર્ગેજના દરો પણ ઘટી શકે છે.