અમદાવાદ, 1 સપ્ટેમબરઃ ભારતીય શેરબજારો માટે ઓગસ્ટ આકરો પૂરવાર થવા સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મહત્વના સાયકોલોજિકલ મથાળાઓ ગુમાવ્યા હોવાથી રોકાણકારોનો વિશ્વાસ ફરી ડગમગી રહ્યો છે. પરંતુ ટેકનિકલ નિષ્ણાતો અને બજાર પંડિતો તેને કામચલાઉ કરેક્શન ગણાવી રહ્યા છે. જોકે સપ્ટેમ્બરની શરૂઆત સારી રહી છે.

વૈશ્વિક સ્તરે શેરબજારોમાં સુધારાના માહોલના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્ટેમ્બરની શરૂઆત પોઝિટીવ નોટ સાથે થઈ છે. આજે નિફ્ટી 19400ના રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કરતાં બુલિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે. આવો જાણીએ નિષ્ણાતો શું કહે છે…

પ્રોફિટ બુકિંગ પૂર્ણ થયા બાદ શેરબજારમાં હવે સુધારાનો માહોલ

સાનુકૂળ વૈશ્વિક સંકેતો, અપેક્ષા કરતાં વધુ સ્થાનિક ઉત્પાદન PMI અને સકારાત્મક જીડીપી ગ્રોથ ડેટા અને ગત મહિને પ્રોફિટ બુકિંગ પૂર્ણ થયા બાદ શેરબજારમાં હવે સુધારાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મજબૂત આર્થિક દૃષ્ટિકોણે કોર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને તેજીની આગેવાની લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. જ્યારે ઓટોના મજબૂત વેચાણોના પગલે ઓટો શેર્સમાં પણ ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારોમાં સકારાત્મક શરૂઆતે રોકાણકારોના સેન્ટિમેન્ટ સુધર્યા છે.  ખાસ કરીને યુએસ પીસીઇ ફુગાવો અપેક્ષાઓ સાથે સંલગ્ન હતો. -વિનોદ નાયર, રિસર્ચ હેડ, Geojit Financial Service

નિફ્ટીની આગેકૂચ માટે હવે 19,530 પોઈન્ટ પર રેઝિસ્ટન્સ લેવલ

“નિફ્ટીએ સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત બુલિશ નોટ પર કરી છે, કારણ કે ઇન્ડેક્સ ઘણા દિવસોમાં પહેલીવાર 21EMA થી ઉપર ગયો છે. જે તેજીના રિવર્સલની સંભવિતતા સૂચવે છે. વધુમાં, ઇન્ડેક્સ ડાઉનવર્ડ મુવમેન્ટમાંથી બહાર નીકળ્યો છે. જે બુલિશ સેન્ટિમેન્ટને દર્શાવે છે. સ્પેક્ટ્રમના ઊંચા છેડાને જોતાં, હવે 19,530 પોઈન્ટ પર રેઝિસ્ટન્સ લેવલ છે. જો નિફ્ટી આ રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કરે, તો તે અપટ્રેન્ડ ચાલુ રાખવાનો સંકેત આપી શકે છે. નીચલા છેડે, 19,340 પોઈન્ટ પર સપોર્ટ રાખી શકાય.”- રૂપક દે, સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ, LKP Securities