નવી દિલ્હી, 1 સપ્ટેમ્બરઃ દેશના ધનિક મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સંભવિત સ્ટોક માર્કેટ લિસ્ટિંગ પહેલા સપ્ટેમ્બરના અંત સુધીમાં આશરે $2.5 અબજ એકત્ર કરવા વૈશ્વિક રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે.

મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, $2.5 અબજનું ફંડિંગ એ કંપનીની પોતાના માટે નક્કી કરેલા સંયુક્ત $3.5 અબજ ફંડ એકત્રિકરણનો એક ભાગ છે, જેનો એક ભાગ $1 અબજ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) તરફથી ગત મહિને આવ્યો હતો.

કેટલીક સમાચાર એજન્સીઓના આ અહેવાલ અંગે રિલાયન્સે જણાવ્યું હતું કે “પોલિસીના પગલે અમે મીડિયાની અટકળો અને અફવાઓ પર ટિપ્પણી કરતા નથી.”, પરંતુ “અમારી કંપની સતત વિવિધ તકોનું મૂલ્યાંકન કરે છે.”

રિલાયન્સે ગયા મહિને કહ્યું હતું કે તેણે QIA પાસેથી ભારતના સૌથી મોટા રિટેલર માટે $1 અબજ એકત્ર કર્યા છે, જેની કામગીરી કરિયાણાના વેચાણથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધી વિસ્તરે છે, અને તેમાં Burberry અને Pret A Manger જેવી બ્રાન્ડ્સ સાથે વિદેશી ભાગીદારીનો સમાવેશ થાય છે.

પ્રથમ સ્ત્રોતે જણાવ્યું હતું કે રિલાયન્સ ઓછામાં ઓછા બે યુએસ-સ્થિત રોકાણકારો સાથે વાત કરી રહી છે, જ્યારે અન્ય બે સ્ત્રોતોએ જણાવ્યું હતું કે રિલાયન્સના હાલના વિદેશી રોકાણકારો તરફથી કેટલાક સોવરિન વેલ્થ ફંડ્સ સહિતનો રસ વધી રહ્યો છે.

જો કંપની ફંડ મેળવવામાં સફળ થાય તો દેશના બગડતા આર્થિક દૃષ્ટિકોણ અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે ચીનમાં નવા રોકાણોથી દૂર રહેલા પશ્ચિમી ખાનગી રોકાણકારો માટે એક આકર્ષક સ્થળ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે.