માર્ચ એન્ડિંગ ઇફેક્ટ કે સ્પેક્યુલેશનના કેલ્ક્યુલેશન?!! એક સપ્તાહમાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2400 પોઇન્ટનું ગાબડું, પીએસયુ ઇન્ડેક્સ પણ 1672 પોઇન્ટ ગગડ્યો
અમદાવાદ, 13 માર્ચઃ સેન્સેક્સે તા. 7 માર્ચ-2024ના રોજ 74245 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ત્યારે તમામ ટેકનો- ફન્ડામેન્ટલ્સ મજબૂત હતા. બ્રોકર્સ, ફંડ હાઉસ અને ટીપ બાજો સ્મોલ- મિડકેપ શેર્સમાં ખરીદી અને તેજીના બ્યૂગલ ફુંકતા હતા ત્યારે સામાન્ય રોકાણકારોને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે સ્મોલકેપ, મિડકેપ્સ, પીએસયુ શેર્સમાં તેજીનો પરપોટો અચાનક ફુટી જશે. S&P BSE Small Cap ઈન્ડેક્સ છેલ્લા એક સપ્તાહમાં (આઠ ટ્રેડિંગ સેશન) ગઈકાલના બંધ સામે 2393.81 પોઈન્ટ તૂટ્યો છે. આજે વધુ 4.71 ટકા ઘટાડે 40814.42ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. તેની સાથે સાથે પીએસયુ ઇન્ડેક્સમાં પણ 1672 પોઇન્ટના ધોવાણ સાથે સરકારી કંપનીઓના શેર સાવ પાશેર થઇ ગયા…!! રોકાણકારો, સ્પેક્યુલેટર્સના ગળામાં ઊંચા ભાવના શેર્સ આવી ગયા.. !! એઝ યુઝ્વલ….
માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સને સ્મોલકેપ શેરોમાં સટ્ટાખોરીનું પ્રમાણ વધ્યુ હોવાના અહેવાલો અને તેના પર લગામ કસવા પગલાં લેવાઈ રહ્યા હોવાની જાહેરાતોના પગલે સ્મોલ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલીનું પ્રમાણ રાતો રાત વધી ગયું ત્યારે બજાર નિષ્ણાતો અને પંડિતો એવા ક્ષુલ્લક કારણો આપી રહ્યા છે કે, માર્ચ એન્ડિંગના કારણે પ્રોફીટ બુકિંગ અને કેશ મેનેજમેન્ટના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સ્મોલકેપ ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ 946 સ્ક્રિપ્સમાંથી 926 સ્ક્રિપ્સમાં આજે 20 ટકા સુધીના ઘટાડો નોંધાયો છે. Phoenix Mills Ltd.નો શેર આજે 8.86 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. સુઝલોન એનર્જી પણ 5 ટકા લોઅર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ એલ્યુમિનિયમનો શેર 11 ટકાથી વધુ તૂટ્યો હતો.
સ્મોલકેપ સામે સેન્સેક્સ 8 ટ્રેડિંગ સેશન્સમાં 1167 પોઈન્ટ વધ્યો
સેન્સેક્સ માર્ચ માસના આઠ ટ્રેડિંગ સેશનમાં 1167.66 પોઈન્ટ વધ્યો છે. જેની સામે સ્મોલકેપ ઈન્ડેક્સ 2393.81 પોઈન્ટ તૂટ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ નજીવો 109.08 પોઈન્ટ ઘટ્યો છે. ઉલ્લેખનીય છે, શેરબજારમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ આજે 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
દાળ ભેગી ઢોકળી પણ…. સ્મોલકેપની તેજીમાં બેન્કરપ્ટ શેરોમાં પણ તેજીનો જુવાળ
સ્મોલકેપ શેરોમાં તેજીના પગલે ફંડામેન્ટલી નબળી, ફેન્સી ન ધરાવતી કંપનીઓના શેરોમાં પણ તેજી જોવા મળી હતી. છેલ્લા એક વર્ષમાં સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, Macleod Russel, Gayatri Projects, Ramky Infra સહિતના શેરોમાં સટ્ટાકીય તેજી જોવા મળી છે. ઉપરોક્ત યાદીમાં અમુક શેરો સતત ખોટનો ધંધો કરી રહ્યા છે, જ્યારે અમુક ઈનસોલ્વન્સીનો સામનો કરી રહ્યા છે. લિસ્ટ બહુ લાંબુ હશે….
છેલ્લા એક વર્ષમાં સ્મોલ-મિડ-લાર્જ અને સેન્સેક્સની સ્થિતિ
ઈન્ડેક્સ | 1 વર્ષ | CY-24 | 1 માસ | 1 વીક |
Sensex | +24.58 | +1.98 | +3.64 | +1.61 |
Smallcap | +53.23 | +3.80 | -3.11 | -5.29 |
Midcap | +59.39 | +1.83 | +6.51 | -0.29 |
Largecap | +30.95 | +0.37 | +3.52 | +1.27 |
કડાકાના કારણો એક નજરે
સ્મોલકેપ શેરોમાં મોટા કરેક્શન પાછળનું કારણ સેબી દ્વારા ટૂંકસમયમાં આ સેગમેન્ટમાં આકરા પગલાં લેવાની જોગવાઈઓ છે. સેબી સ્મોલકેપ શેરોમાં સટ્ટાકીય તત્વોના વધતા પ્રમાણ પર તપાસ કરી રહી છે. તેમજ આ મામલે અંકુશ લાદવા વિવિધ આકરા નિયમો લાગૂ કરી શકે છે. જેના પગલે રોકાણકારો દ્વારા મોટાપાયે સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.
નીચા સ્તરે ફંડામેન્ટલી મજબૂત કંપનીઓના શેરોમાં ખરીદી કરી શકાય
“તાજેતરમાં, સેબી દ્વારા બજારના સહભાગીઓની સુરક્ષા અને હિતોની રક્ષાને પ્રાથમિકતા આપતાં સટ્ટાખોરીના વધતા પ્રમાણ પર આકરૂ વલણ લેવાના નિર્ણયના કારણે સ્મોલ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી છે. બંને ઈન્ડેક્સ તેમના તાજેતરના કોન્સોલિડેશન સ્તરોથી નીચે સરકી જતાં મંદી વધી હતી. નિર્ણાયક ટૂંકા ગાળાના મૂવિંગ એવરેજથી નીચે પહોંચ્યા છે. એકંદરે સેન્ટિમેન્ટ મંદીનું છે. સ્મોલકેપ શેરોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. મંદીના દોરમાં નીચા સ્તરે ફંડામેન્ટલી મજબૂત કંપનીઓના શેરોમાં ખરીદી કરી શકાય.” – રૂપક ડે, સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ, એલકેપી સિક્યુરિટીઝ
Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)