ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની RDSS હેઠળ રૂ.16,663 કરોડના ખર્ચને કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ રૂ. 3,03,758 કરોડ અને કુલ અંદાજપત્રીય સહાયતા (GBS) રૂ. 97,631 કરોડ રહી હતી. આ માહિતી કેન્દ્રીય વીજ અને નવી તથા રિન્યુએબલ ઊર્જા મંત્રી આર કે સિંહ દ્વારા 12 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. વિવિધ રાજ્યોમાં આશરે 19.79 કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન છે, જેમાંથી 1.65 કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 66.09 લાખ સ્માર્ટ મીટર, જ્યારે બીજા તબક્કામાં વધુ 1.05 કરોડ મીટર લગાવવામાં આવશે.
નથવાણી વર્ષ 2018થી અત્યારસુધીમાં વીજ મંત્રાલયે શરૂ કરેલી યોજનાઓ વિશે જાણવા માગતા હતા. સાથે તેમણે આ યોજનાઓ હેઠળ ફાળવાયેલા અને તેના અમલ માટે ઉપયોગ કરાયેલા ફંડ્સની વિગતો પણ માંગી હતી. રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો RDSS હેઠળ આશરે 52 લાખ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફોર્મર (ડીટી) સ્માર્ટ મીટર્સ અને 1.88 લાખ ફીડર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન ધરાવે છે, જેમાંથી 3 લાખ જેટલા ડીટી સ્માર્ટ મીટર્સ અને 5,229 ફીડર સ્માર્ટ મીટર્સ એકલા ગુજરાતમાં જ લગાવાશે. આજદિન સુધીમાં, લોસ રિડક્શન (એલઆર) કામકાજ માટે રૂ. 1,21,778 કરોડના કુલ ખર્ચ ધરાવતા ડીપીઆરને મંજૂર કરાઈ ચૂક્યા છે અને ભારતમાં સ્માર્ટ મીટરિંગના કામો માટે રૂ. 1,30,474 કરોડ મંજૂર કરાયા છે.
RDSS હેઠળ મંજૂર કરાયેલા કુલ ખર્ચમાંથી, રૂ. 5,897.22 કરોડને સ્કીમ ગાઈડલાઈન્સ મુજબ સ્કીમ લોંચ કરાઈ ત્યારથી માંડીને 06-12-2023 સુધીમાં જારી કરી દેવાયા છે, જેમાંથી રૂ. 308 કરોડ છેલ્લા બે વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાત માટે જારી કરવામાં આવ્યા છે.
RDSS સ્કીમ એફવાય 2025-26 સુધી જારી રહેશે. આ સ્કીમનો ઉદ્દેશ AT&C ખોટને ઘટાડીને 12-15%ના ભારતવ્યાપી સ્તરે પહોંચાડવાનો તેમજ 2024-25 સુધીમાં ACS-ARR તફાવતને નાબૂદ કરવાનો છે. RDSS હેઠળ આ મંત્રાલયની અન્ય વિવિધ પહેલો સાથે લેવાના પરિણામે ડિસ્કોમની AT&C ખોટ જે એફવાય 2021માં 22.32% હતી તે એફવાય 2022માં ઘટીને 16.44%ના સ્તરે પહોંચી ગઈ છે, એમ જવાબમાં જણવવામાં આવ્યું હતું. આ ઉપરાંત AT&C ખોટમાં ઘટાડાના પરિણામે ACS અને ARR વચ્ચેનો તફાવત પણ ઘટ્યો છે જે એફવાય 2021ના રૂ. 0.69/kWhના આંકેથી ઘટીને એફવાય 2022માં રૂ. 0.15/kWhના સ્તરે પહોંચી ગયો છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)