નવી દિલ્હીઃ કોલસા, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી સેગમેન્ટમાં ઉત્પાદન ગતિવિધિઓ વેગવાન બની છે. જેના પગલે નવેમ્બરમાં ટોચના આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોના ઉત્પાદનમાં 5.4 ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 3.2 ટકા હતો. સત્તાવાર જારી સરકારી આંકડાઓ અનુસાર, નવેમ્બરમાં ટોચના આઠ કોર સેક્ટરમાંથી પાંચમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ સુધર્યો છે. જ્યારે 3માં ઘટાડો થયો હતો. ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને રિફાઈનરી પ્રોડક્ટ્સમાં આ વર્ષે નવેમ્બરમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ હતી. આઠ મુખ્ય ક્ષેત્રોનો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ઓક્ટોબરમાં ઘટીને 0.9 ટકા થયો હતો

કોલસો, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેક્ટ્રિસિટીનો આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બરમાં 8 ટકા રહ્યો હતો જે ગયા સમાન સમયગાળામાં 13.9 ટકા હતો.

નવેમ્બર 2022માં કોલસાનું ઉત્પાદન 12.3 ટકા, ખાતરનું 6.4 ટકા, સ્ટીલનું ઉત્પાદન 10.8 ટકા, સિમેન્ટનું 28.6 ટકા અને વીજળીનું ઉત્પાદન 12.1 ટકા વધ્યું છે. નેચરલ ગેસનું ઉત્પાદન 0.7 ટકા ઘટ્યું હતું. ક્રૂડ ઓઈલનું ઉત્પાદન એક વર્ષ અગાઉની સરખામણીએ 1.1 ટકા ઘટ્યું હતું. ઑક્ટોબરના કોર સેક્ટરનો ગ્રોથ અગાઉના 0.1 ટકાથી વધી 0.9 ટકા થયો હતો. જ્યારે ઓગસ્ટ માટે આઠ કોરનો અંતિમ ગ્રોથ રેટ તેના કામચલાઉ સ્તર 3.3 ટકાથી સુધારીને 4.2 ટકા કરવામાં આવ્યો છે.

કોર સેક્ટરનો ગ્રોથનું ઔદ્યોગિક ઉત્પાદનના એકંદર સૂચકાંક (IIP)માં 40.27 ટકા વેઈટેજ છે. જે ઔદ્યોગિક ગતિવિધિઓ પર અસર કરી શકે છે. સરકાર દ્વારા જાન્યુઆરી 2023ના બીજા સપ્તાહમાં નવેમ્બર માટેનો IIP ડેટા જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.