અમદાવાદઃ ક્રિપ્ટો કરન્સીના રવાડે ચડેલા 100માંથી 75 રોકાણકારો હવે મંદીની નાગચૂડ અને કૌભાંડોની ભરમાર વચ્ચે ભીંસાઇ રહ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં કાળઝાળ મંદીના કારણે રોકાણકારોની મૂડીમાં 2.07 લાખ કરોડ એટલેકે રૂ. 169.15 લાખ કરોડનું ઘોવાણ થઈ ચૂક્યું છે અને હજી તો વૈશ્વિક સ્તરે મંદીની વાતોના કારણે માર્કેટ કઇ દિશા અને રોકાણકારોની કેવી દશા હશે તે તો આવનારો સમય જ જણાવશે તેવી બિહામણી વાતો વૈશ્વિક ક્રિપ્ટો નિષ્ણાતો ઉચ્ચારી રહ્યા છે.

બિટકોઇનની માર્કેટકેપમાં 72 ટકાનું ધોવાણ

ગતવર્ષે 10 નવેમ્બરે બિટકોઈન 68789.63 ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચવા સાથે ક્રિપ્ટો માર્કેટની માર્કેટ કેપ 2.96 લાખ કરોડ ડોલર થઈ હતી. જે આજે 72 ટકાથી વધુ ઘટી 88 હજાર કરોડ ડોલર થઈ છે. બિટકોઈન પણ વર્ષના તળિયે 15682.69 ડોલર થયો છે. બિટકોઈનનો માર્કેટ હિસ્સો 42 ટકાથી ઘટી 38 ટકા અને માર્કેટ કેપ 1.23 લાખ કરોડ ડોલરથી ઘટી 34 હજાર કરોડ ડોલર નોંધાઈ છે.

ક્રિપ્ટો માર્કેટમાં કૌંભાંડીઓ અને હેકર્સ કમાયા

ક્રિપ્ટો માર્કેટ લાઈમ લાઈટમાં આવ્યા બાદથી કૌંભાંડીઓ અને હેકર્સ ક્રિપ્ટો મારફત અબજો રૂપિયોનુ ફંડ એકત્ર કરવામાં સફળ રહ્યા છે. હાલમાં ઈથેરિયમ મર્જર દરમિયાન 25 લાખ ડોલરથી વધુની રકમના ક્રિપ્ટોની ચોરી થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ 32 કરોડ ડોલરના ક્રિપ્ટો હેક થયા હતા. ઓક્ટોબરમાં બાઈનાન્સ પરથી 57 કરોડ ડોલરના ક્રિપ્ટો ટોકન ચોરી થયા હતા.

FTX બેન્કરપ્ટ થતાં ક્રિપ્ટોમાં મંદી જારી રહેશે

વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ ડિજિટલ એસેટ એક્સચેન્જ એફટીએક્સ (FTX)ની બેન્કરપ્સીના પગલે ક્રિપ્ટો માર્કેટમાં મંદીનું વલણ વધ્યું છે. આગામી થોડા સમય બિટકોઈન, ઈથેરિયમ સહિતના ક્રિપ્ટો ટોકન્સમાં ઘટાડો જોવા મળશે. એફટીએક્સમાંથી રોકાણ પાછું ખેંચનારા રોકાણકારોની સંખ્યા વધતા એક્સચેન્જ 8 અબજ ડોલરનો શોર્ટ ફોલ જોવા મળ્યો છે. બિટકોઈન નવેમ્બર,2020ના નીચા 15684 ડોલરના સ્તરે પહોંચ્યો છે. FTX ટોકન આજે વધુ 36 ટકા તૂટી 2.87 ડોલર પર ટ્રેડેડ હતો.