મુંબઇઃ અંધેરી નગરીને ગંડુ રાજા ટકે શેર ભાજીને ટકે શેર ખાજા… અનુસાર ક્રિપ્ટો માર્કેટ ઉપર કોઇનો પણ કન્ટ્રોલ નહિં હોવા છતાં ખણખણિયા લડાવનારાઓ અનેચંદ્ર ઉપર જમીન ખરીદનારાઓ બન્ને સરખા ગણાવી શકાય. કારણકે બન્નેમાં આંધળા- બહેરાની વાર્તા જેવો ઘાટ છે. બન્ને એક સંગીત કાર્યક્રમમાં ગયા. આંધળાને જલાવવા…. બહેરો કહે વાહ શું ઝગમગાટ છે. એટલે આંધળાએ બહેરાને જલાવવા કહ્યું કે વાહ કેવો મધુર અવાજ છે…

ડિજિટલ કરન્સીના ઝડપી એડોપ્શન વચ્ચે ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં પણ નવાણિયા રોકાણકારો કૂટાઇ રહ્યા છે. આ માર્કેટ સતત વિવાદોમાં રહ્યું છે. ક્યારેક હેકિંગ તો ક્યારેક કૌંભાંડનો ભોગ બની રહ્યુ છે. ટેરા-લુના ક્રેશના કારણે ક્રિપ્ટો માર્કેટમાં ખોટનો ખાડો હજી ભરાયો નથી ત્યાં નવો ક્રેશ માર્કેટમાં આવી રહ્યો હોવાની ગૂસપૂસ શરૂ થઇ ગઇ છે. પોલ્કાડોટ આધારિત ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ (DeFi) પ્લેટફોર્મ અકાલાનો સ્ટેબલ કોઈન અકાલા ડોલર (aUSD)એ તેની સ્થિરતા ગુમાવી એકજ દિવસમાં 99 ટકા સુધી તૂટ્યો હતો. જેની પાછળનું કારણ અકાલા સિસ્ટમનું હેકિંગ ગણાવાય છે. હેકર્સે લિક્વિડિટી પૂલમાં સામેલ 1.28 અબજ ડોલરના ટોકન તફડાવી લેતાં અકાલા કકડભૂસ થઇ ગયો હતો. થોડા સમય પહેલાં જ ટેરા-લુના ક્રેશના લીધે પણ સ્ટેબલ કોઈનમાં મોટાપાયે કડાકા નોંધાયા હતાં. જેના લીધે માત્ર 100 કલાકમાં રોકાણકારોએ $30 અબજની સંપત્તિ ગુમાવી હતી. અકાલા ડેવલપર્સના જણાવ્યા અનુસાર રવિવારે લાઇવ થયા પછી તરત જ iBTC/aUSD લિક્વિડિટી પૂલની ખોટી ગોઠવણીને કારણે સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી.

1 ડોલરથી ઘટી 0.009 ડોલર થયોઃ Acala ડોલર કોઈન 16 ઓગસ્ટે 1 ડોલરથી ઘટી 0.0097 ડોલર થયો હતો. ગુરૂવારે સાંજે 0.843 ડોલર પર ટ્રેડેડ હતો. લિક્વિડિટી પૂલ એ સ્માર્ટ કોન્ટ્રેક્ટમાં લૉક કરાયેલ ક્રિપ્ટોકરન્સીનો ડિજિટલ સંગ્રહ છે, જેના પરિણામે ડિસેન્ટ્રલાઈઝ્ડ એક્સચેન્જો (DEX) અને DeFi પ્રોટોકોલ પર ઝડપી વ્યવહારો માટે લિક્વિડિટી ઊભી થાય છે.અકાલા ટીમે હેકિંગની જાણ થયા બાદ અકાલા પેરાચેન પર બાકી રહેલા કોઈનના ટ્રાન્સફરની કાર્યક્ષમતાને અક્ષમ કરી હતી. Coinmarketcap અનુસાર, Acala એ માર્કેટ કેપની દ્રષ્ટિએ 2840મું ક્રિપ્ટો ટોકન છે. જેના વોલ્યૂમ 99 ટકા ઘટી 30 લાખ ડોલર આસપાસ પહોંચ્યા હતાં.

દેશમાં ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ તેમજ 1 ટકા ટીડીએસ લાગૂ થતાં ક્રિપ્ટો રોકાણકારો મોટાપાયે DeFi વ્યવહારો તરફ ડાયવર્ટ થયા છે. જ્યાં કોઈ પ્રુફ કે થર્ડ પાર્ટીને સામેલ કર્યા વિના ક્રિપ્ટોની લેવડ-દેવડ થાય છે. જોખમ પણ અનેકગણું છે. જેને યિલ્ડ તેમજ પ્રોડક્ટ્સની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી બની હોવાનું ક્રિપ્ટો એક્સચેન્જ જિયોટસના ફાઉન્ડર વિક્રમ સુબ્બુરાજે જણાવ્યુ છે