મુંબઈ, 25 ફેબ્રુઆરીઃ મગજમાં દાહ ઉત્પન્ન કરનારી  પ્રાણઘાતક બીમારી-  એન્સીફેલાઇટીસનું ખોટું નિદાન થવાને કારણે ઘણા લોકોના જાન જોખમમાં મુકાય છે. ભારતમાં હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, અડધાથી વધુ ઈમરજન્સી મેડિકલ પ્રોફેશનલ્સ એવા હતા જેઓ દર્દીમાં એન્સીફેલાઇટીસના  લક્ષણો જણાવા છતાં આ રોગનું નિદાન કરી શક્યા નહોતા.

જેમનો સર્વે કરાયો હતો તેમાંના મોટા ભાગના  પ્રોફેશનલ્સ એન્સીફેલાઇટીસની  ગંભીરતાને સમજતા નહોતા. આ રોગનું મોડું નિદાન થવાથી અને તેનાથી મૃત્યુ થઇ શકે છે તેવી શક્યતાને  62 ટકા ભાગ લેનારાઓ જાણતા નહોતા. તેમનામાં આવી સમજ નહીં હોવાથી રોગનું નિદાન અને સારવાર મોડા થાય છે. તેથી દર્દીઓનો મૃત્યુ દર 40 ટકા સુધી પહોંચ્યો  છે અને જેઓ બચી ગયા તેમાંના ઘણા લાંબો સમય સુધી વિકલાંગ બની જાય છે.

સર્વેમાં ભાગ લેનારા 45 ટકાથી પણ ઓછા  ઈમર્જન્સી તબીબી પ્રોફેશનલ્સે  આત્મવિશ્વાસ બતાવ્યો કે તેઓ એન્સીફેલાઇટીસને પારખી શકે છે. ત્યારે 83 ટકાએ એ સ્વીકાર્યું કે જો તેમને વધુ તાલીમ આપવામાં આવે તો તેમને જ લાભ થશે. તબીબી જ્ઞાનના ક્ષેત્રે સમજ અને જાગૃતિનો  આ મોટો તફાવત ઘણાની જિંદગીને જોખમમાં મૂકે છે.

22મી ફેબ્રુઆરીને વિશ્વ એન્સીફેલાઇટીસ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે એન્સીફેલાઇટીસ ઈન્ટરનેશનલ જાહેર જનતા અને તબીબી પ્રોફેશનલ્સમાં એન્સીફેલાઇટીસ લક્ષણો પ્રતિ જાગૃતિ અને સમજ વધારવાના તેના ધ્યેયને દોહરાવે છે.

એન્સીફેલાઇટીસ ઈન્ટરનેશનલ આરોગ્ય અને તબીબી વ્યાવસાયિકોને વૈશ્વિક સ્તરે સુલભ તાલીમ વ્યવસ્થા પૂરી પાડવા માટે તૈયાર છે. તે જાહેર જનતા અને તબીબી વ્યવસાયિકોમાં  એન્સીફેલાઇટીસની બીમારીના નિદાન અને સારવારને  વૈશ્વિક સ્તરે પ્રાથમિકતા આપવામાં આવે તે  માટે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) જેવા આંતરરાષ્ટ્રીય હિતધારકો સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે.

એન્સીફેલાઇટીસ ઈન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યુટિવ ડો. એવા ઈસ્ટને જણાવ્યું કે, “આ  સર્વેના ચિંતાજનક તારણોને પગલે, એટલું તો સ્પષ્ટ છે કે એન્સીફેલાઇટીસની જાગરૂકતા અને નિપુણતા વચ્ચેના અંતરને દૂર કરવા માટે ઘણું કામ કરવું બાકી છે.”

“એન્સીફેલાઇટીસ ઇન્ટરનેશનલ વૈશ્વિક સ્તરે સુલભ તાલીમ કાર્યક્રમોના વિકાસ દ્વારા તબીબી વ્યાવસાયિકોમાં આ વિશે જાગૃતિ વધારવા માટે પ્રતિબદ્ધ છે જે તેમને એન્સીફેલાઇટીસને વધુ સારી રીતે ઓળખવા અને સારવાર માટે સાધનો પ્રદાન કરશે.”

એન્સીફેલાઇટીસના લક્ષણોઃ

• ચેપી એન્સીફેલાઇટીસ (જેમાં વ્યક્તિની વારંવાર બેભાન બની જાય અને તેની વર્તણૂકમાં ફેરફાર થાય, તાવ આવે અને માથાનો દુખાવો થાય.

• ઓટોઈમ્યુન એન્સેફાલીટીસ (જેમાં યાદશક્તિની સમસ્યાઓ, માનસિક સમસ્યા સર્જાય, બેભાન થઇ જવાય અને સ્વભાવ તથા વ્યક્તિત્વમાં ફેરફાર થાય).

એન્સીફેલાઇટીસના પગલે મૃત્યુ દર વધી શકે છે. બચી ગયેલા લોકોને મગજને હાનિ થઈ શકે છે જેના પરિણામે તેની યાદશક્તિ અને ઓળખ શક્તિની સમસ્યા સર્જાય, વ્યક્તિત્વમાં ફેરફાર, ભાવનાત્મક અને વર્તણૂકીય મુશ્કેલીઓ, તાણ આવે, થાક લાગે અને અન્ય શારીરિક બીમારીઓ આવે છે. એના કારણે શિક્ષણ, કામધંધામાં વિઘ્ન આવે અને  કૌટુંબિક અને સામાજિક સમસ્યા ઉભી થતા જીવન  જીવવું ખૂબ મુશ્કેલ બને છે.