મુંબઇ, 4 એપ્રિલ: નાણાકીય વર્ષ 2023માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સ માટેની માગમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. એક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં માગમાં નાણાકીય વર્ષ 2022ના સમાન ક્વાર્ટરની તુલનામાં 47 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. આ સમયગાળામાં ઇન્દોર (72 ટકા), ચંદીગઢ (71 ટકા) અને લખનઉ (59 ટકા) જેવાં નોન-મેટ્રોની માગમાં સર્વોચ્ચ વૃદ્ધિ જોવા મળી છે.

કોવિડ બાદ આર્થિક પ્રવૃત્તિઓની ફરીથી શરૂઆત તેમજ જાન્યુઆરીથી જૂન દરમિયાન ટેક્સ રિટર્ન માટેના મહત્વપૂર્ણ સમયને જોતાં ફાઇનાન્સ પ્રોફેશ્નલ્સની માગ વધી છે. સરકાર કરવેરા વ્યવસ્થાને સરળ બનાવી રહી છે તથા બે કર વ્યવસ્થાના વિકલ્પ અને કરવેરા કાયદાની જટિલ બાબતોને જોતાં ટેક્સ ફાઇલિંગ માટે નિષ્ણાંતના માર્ગદર્શનની જરૂર પડે છે તેવું હાયપરલોકલ સર્ચ એન્જિનના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

અપેક્ષા મૂજબ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરથી નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન કરનાલ (36 ટકા), મેંગ્લોર (22 ટકા) અને સુરત (15 ટકા) જેવાં નોન-મેટ્રો શહેરોમાં સર્ચમાં વૃદ્ધિ નોંધાઇ છે. ટિયર-1 શહેરોમાં ચેન્નઇમાં 12 ટકાની વૃદ્ધિ, અમદાવાદમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. માગમાં વૃદ્ધિ જૂન-જુલાઇ સુધી જળવાઇ રહેવાની સંભાવના હોવાનું જસ્ટડાયલના વાઇસ પ્રેસિડેન્ટ શ્વેતાંક દિક્ષિતે કહ્યું હતું.