અમદાવાદ, 13 ડિસેમ્બરઃ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ પ્રથમ દિવસે 6.18 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 20.72 ગણી એપ્લિકેશન્સ કરી છે. જ્યારે એનઆઈઆઈ 8.43 ગણો ભરાયો હતો. ક્યુઆઈબી પોર્શન 6 ટકા ભરાયો છે.

રિટેલ રોકાણકારોએ આરક્ષિત કુલ 15.12 લાખ ઈક્વિટી શેર્સ સામે 3.13 કરોડ શેર્સની અરજી કરી હતી. આ સાથે કુલ રૂ. 1200 કરોડના ઈશ્યૂ સાઈઝ સામે 4069.82 કરોડના બીડ ભરાયા છે.

ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ હેઠળ રૂ. 750થી 790ની પ્રાઈસ બેન્ડ પર કુલ રૂ. 1200 કરોડ એકત્ર કરવા માગે છે. માર્કેટ લોટ 18 શેર્સ છે. જેનુ એલોટમેન્ટ 15 ડિસેમ્બરે અને લિસ્ટિંગ 20 ડિસેમ્બરે થશે.  

55 એન્કર ઇન્વેસ્ટર્સને 68,06,961 ઇક્વિટી શેર ફાળવ્યા છે અને શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 790ની અપર પ્રાઇઝ બેન્ડ પર કંપનીના સૂચિત આઈપીઓ પહેલા રૂ. 538 કરોડ એકત્રિત કર્યા છે.

એન્કર બુકમાં ગોલ્ડમેન સાક્સ ફંડ, ફિડેલિટી ફંડ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મોતીલાલ ઓસ્વાલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ, તાતા એઆઇએ લાઇફ ઇન્શ્યોરન્સ, મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ, એચડીએફસી લાઇફ, આદિત્ય બિરલા સન લાઈફ, એસબીઆઈ ફંડ, એક્સિસ ફંડ, નિપ્પોન લાઈફ ઈન્ડિયા, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ વગેરે સહિત વિવિધ પ્રકારના અગ્રણી રોકાણકારોની ભાગીદારી જોવા મળી હતી.

એન્કર ઇન્વેસ્ટર્સને કુલ 68,06,961 ઇક્વિટી શેરની ફાળવણીમાંથી, 25,95,960 ઇક્વિટી શેર્સ (એટલે ​​​​કે એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 38.14%) 10 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા હતા જેમણે કુલ 27 સ્કીમ દ્વારા અરજી કરી હતી.