ક્રિપ્ટો પર નવા ટેક્સ નિયમો પછી ભારતીયોએ વિદેશી એક્સચેન્જોમાં રૂ. 32,000 કરોડ ટ્રાન્સફર કર્યા

અમદાવાદઃ બજેટ 2022માં ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ અને 1 ટકા TDSની જાહેરાત બાદ, વર્તમાન ટેક્સ માળખાને કારણે આગામી ચાર વર્ષમાં લગભગ 99.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. તેના કારણે ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોમાંથી લગભગ રૂ. 32,000 કરોડનું ક્રિપ્ટો ટ્રેડ વોલ્યુમ વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી પોલિસી થિંક ટેન્ક એશિયા સેન્ટરના અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસ અનુસાર ગયા વર્ષે બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સીતારમણે સેન્ટ્રલાઇઝ્ડ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. સરકારે ક્રિપ્ટોકરન્સીમાંથી નફા પર 30 ટકા ટેક્સની જોગવાઈ કરી છે, દસ હજાર રૂપિયાથી વધુના વ્યવહારો પર એક ટકા ટીડીએસ કપાત તેમજ ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને એક ક્રિપ્ટોકરન્સીમાંથી થયેલા નફા સામે બીજી ક્રિપ્ટોકરન્સીમાં નુકસાનને સરભર કરવાની મંજૂરી આપી છે. પણ તેને સત્તાવાર માન્યતા આપી નથી. થિંક ટેન્કે આ ત્રણ નિર્ણયોની અસરોનો અભ્યાસ કરતો અહેવાલ “ભારતમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ટેક્સ આર્કિટેક્ચરઃ અ ક્રિટિકલ એક્ઝામિનેશન” બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નવા ટેક્સ સંબંધિત નિયમોને કારણે ઘરેલું કેન્દ્રીય VDA એક્સચેન્જોને ઘણું નુકસાન થયું છે. નવા કર માળખાના અમલ પછી સ્થાનિક કેન્દ્રિય VDA એક્સચેન્જોમાંથી આશરે રૂ. 32,000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાં ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં 25.3 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ રિપોર્ટમાં જુલાઈથી ઓક્ટોબર 2022 વચ્ચે વિદેશી VDA એક્સચેન્જમાં ભારતીયો દ્વારા 80 હજાર કરોડ રૂપિયાના રોકાણની વાત પણ કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, એક ટકા ટીડીએસ કપાતના નિર્ણયની સૌથી વધુ નકારાત્મક અસર પડી છે. ભારતીય VDA એક્સચેન્જોએ તેના અમલીકરણ પછી જુલાઈ 1 થી ઓક્ટોબર 15 વચ્ચે તેમના કુલ ટ્રેડિંગ વોલ્યુમના 81 ટકા સુધીનું નુકસાન સહન કર્યું હતું.

થિંક ટેન્કના ત્રણ મહત્વના સૂચનો

થિંક ટેન્કે સ્થાનિક ઉદ્યોગ પર અસર ઘટાડવા માટે ત્રણ સૂચનો આપ્યા છે. આમાં આદર્શ કર માળખા માટે Laffer વળાંક જેવી આર્થિક પૃથ્થકરણ પદ્ધતિના આધારે અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લાભો માટે પ્રગતિશીલ કર માળખું બનાવવાનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર જો ભારત સરકાર આ દિશામાં સકારાત્મક વલણ અપનાવે તો આવનારા સમયમાં ભારતીયોને ક્રિપ્ટો માર્કેટનો પૂરો લાભ મળશે.